ગાંધીનગર: રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત દ્વારા લેવાયેલી "શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) - ૨૦૨૬" ની પ્રાથમિક પરીક્ષાનું સત્તાવાર પરિણામ આજે જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરીક્ષા ગત 12 એપ્રિલ 2026 ના રોજ યોજાઈ હતી. પરીક્ષા બાદ નિયમ અનુસાર પ્રોવિઝનલ આન્સર-કી જાહેર કરી ઉમેદવારો પાસેથી વાંધા અરજીઓ મંગાવવામાં આવી હતી. તજજ્ઞો દ્વારા તમામ રજૂઆતોની ચકાસણી માટે વર્કશોપ યોજ્યા બાદ, ગત 4 જૂન 2026 ના રોજ ફાઈનલ આન્સર-કી પ્રસિદ્ધ કરવામાં આવી હતી, જેના આધારે આજે આ આખરી પરિણામ જાહેર કરાયું છે.
બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ અનુસાર, આ પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાંથી કુલ 1,65,024 ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, જેમાંથી 1,47,584 ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા. માધ્યમ વાઈઝ વિગતો જોઈએ તો ગુજરાતી માધ્યમમાં સૌથી વધુ 1,43,734 ઉમેદવારો, અંગ્રેજી માધ્યમમાં 3296 ઉમેદવારો અને હિન્દી માધ્યમમાં 554 ઉમેદવારોએ પ્રિલિમિનરી પરીક્ષા આપી હતી. એકંદરે જોઈએ તો નોંધાયેલા ઉમેદવારોમાંથી મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓએ હાજરી આપી હતી.
પરિણામના ગુણની ટકાવારી અને આંકડાકીય વિશ્લેષણ પર નજર કરીએ તો, કુલ હાજર ઉમેદવારોમાંથી 51,971 ઉમેદવારોએ 70 કે તેથી વધુ ગુણ મેળવ્યા છે. જ્યારે 80 કે તેથી વધુ ગુણ મેળવનારની સંખ્યા 34,644 અને 90 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો 20,893 છે. પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા 100 કે તેથી વધુ ગુણ મેળવનારા ઉમેદવારોની સંખ્યા 10,876 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં ત્રણેય માધ્યમમાં થઈને કુલ 1666 ઉમેદવારોએ 120 કે તેથી વધુ ગુણ મેળવીને ટોપર્સની યાદીમાં સ્થાન મેળવ્યું છે, જેમાં ગુજરાતી માધ્યમના 1584, અંગ્રેજી માધ્યમના 74 અને હિન્દી માધ્યમના 8 ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ પરીક્ષાનાં પરિણામમાં 35 % એટલે કે 70 કે તેથી વધુ ગુણ લાવનાર ઉમેદવાર મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય ગણાશે.
કઈ રીતે ચેક કરશો તમારું રિઝલ્ટ?
પરિણામ જોવા માટે કચેરીની વેબસાઈટ www.sebexam.org પર ઉમેદવારનાં બેઠક નંબર અને જન્મ તારીખની મદદથી જોઈ શકાશે. પરીણામ બાબતે વ્યક્તિગત માહિતી. શૈક્ષણિક લાયકાત તેમજ અન્ય વિગતોની ચકાસણી મુખ્ય પરીક્ષા બાદ ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ આખરી રહેશે.
પરીક્ષાની OMR ની પુનઃચકાસણી કરાવવા ઈચ્છતા ઉમેદવારો માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, સેકટર - ૨૧, ગાંધીનગર ખાતે તારીખ 18 જૂનથી 30 જૂન સુધી રૂબરૂમાં કરી આપવામાં આવશે. પુનઃચકાસણી કરાવવા માંગતા ઉમેદવારે રૂબરૂમાં પોતાની હોલ ટીકીટ, OMR ની નકલ સાથે લેખિત અરજી કરી રૂ. ૧૦૦/- અત્રે જમા કરવવાનાં રહેશે.