Fri Apr 17 2026

Logo

સુરેન્દ્રનગર અકસ્માતઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવી  શ્રદ્ધાંજલિ

2026-04-13 17:41:13
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ ગુજરાતમાં સોમવારની સવાર એક દુઃખદ સમાચાર સાથે શરૂ થઈ હતી. લખતર-વિરમગામ હાઇવે પર ડમ્પરની ટક્કરથી પગપાળા યાત્રા કરી રહેલા સાત યાત્રાળુના મોત થયા હતા, જ્યારે ચાર અન્ય ઘાયલ થયા હતા. 

લખતર નજીક ચરાડ અને ભાસ્કરપરા ગામો વચ્ચે આ ઘટના બની હતી જ્યારે એક ઝડપી ડમ્પરે રાજકોટથી બહુચરાજી તરફ પગપાળા યાત્રા કરી રહેલા ભરવાડ સમુદાયના યાત્રાળુના જૂથને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ગંભીર હતી કે  પાંચ મહિલાઓ અને બે પુરુષો સહિત સાત લોકોના ઘટનાસ્થળે જ કચડાઈને મોત થયા હતા, જ્યારે લગભગ 3-4 અન્ય લોકો ઘાયલ થયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, ચરાડ ગામમાં રાત્રિ રોકાણ બાદ જૂથે ફરી મુસાફરી શરૂ કરી હતી, ત્યારબાદ રાત્રે 1:00 થી 1:30 વાગ્યાની વચ્ચે આ અકસ્માત થયો હતો. અહીં એક ટ્રક પંકચ્ર થયું હોવાને કારણે રસ્તા પર ઊભો હતો, તેને ઓવરટેક કરવા જતા ડમ્પરે પગપાળા ચાલતા ભરવાડ સમાજના સંઘના યાત્રાળુને પાછળથી હડફેટે લીધા હતા.

મળતી માહિતી અનુસાર મૃતકોમાં મસાભાઈ કરશનભાઇ મુંધવા (59), જાલુબેન મસાભાઈ કરશનભાઇ મુંધવા (57), રાણીબેન મંગાભાઇ લોબરીયા (45), જાલુબેન વેલાભાઈ મુંધવા (45), વિજુબેન પ્રવીણભાઈ મુંધવા (45), વજીબેન વિભાભાઈ મુંધવા (52), જયદીપભાઈ હરદીપભાઇ સાપરાનો સમાવેશ થાય છે. 

અહીં હાજર લોકોના જણાવ્યા અનુસાર અકસ્માતમાં ઘણા લોકો હાઇવે પર ફેંકાઈ ગયા હતા. લખતરથી પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લખતર સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
સુરેન્દ્રનગરના ઇન્ચાર્જ એસપી વેદિકા બિહાનીએ જણાવ્યું હતું કે અકસ્માત બાદ ડમ્પરનો ડ્રાઇવર ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો અને તેને શોધવાના પ્રયાસો ચાલુ છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે ઘાયલોનો ચોક્કસ આંકડો હવે બહાર આવશે. અમુક ઘાયલોને ખાનગી વાહનોમાં પણ લઈ જવાયા છે. આ સાથે મેડિકલ રિપોર્ટ્સ આવવાના બાકી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વીટ કરી જણાવ્યું હતું કે  ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલી દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના. ઘાયલોની ઝડપી રિકવરી માટે પ્રાર્થના. 

દરમિયાન ઘટનાના સમાચાર બહાર આવતા દસાડા-લખતરના ધારાસભ્ય પી.કે. પરમાર સહિત સ્થાનિક નેતાઓએ સ્થળ અને હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અધિકારીઓએ અકસ્માતની તપાસ શરૂ કરી છે.