Thu Jun 18 2026

Logo

છ સાંસદ ગયા છે, પણ 'આ' સાંસદ મુખ્ય ટાર્ગેટ, જાણો ઉદ્ધવ ઠાકરેના આગામી યોજના?

2026-06-18 19:58:04
Author: mumbai samachar team
Article Image

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં ઓપરેશન ટાઈગરને લઈ ફરી એક વખત ગરમાવો આવ્યો છે. ઉદ્ધવ ઠાકરે જૂથ (યુબીટી)ના છ સાંસદોએ બળવો કર્યો હોવા છતાં ઉત્તર-પૂર્વ મુંબઈના સાંસદ સંજય દિના પાટિલ ઉદ્ધવ ઠાકરેના નિશાના પર આવનારા પહેલા સાંસદ છે. પાટિલના બળવાથી ઉત્તર-પૂર્વ મુંબઈમાં પાર્ટીના ગઢમાં તિરાડ પડી છે, પરિણામે ઠાકરે જૂથે શહેરમાં પોતાના ગઢને સુરક્ષિત રાખવા અને રાજકીય રીતે સંજય પાટિલને ઘેરવાની રણનીતિ ઘડી કાઢી છે.

સંજય દીના પાટિલના બળવા બાદ ઉદ્ધવ ઠાકરેએ આગામી શુક્રવારે બપોરે બાર વાગ્યે ઉત્તર-પૂર્વ મુંબઈ મતવિસ્તારના મુખ્ય પદાધિકારીઓ અને પાર્ટી કાર્યકરોની તાત્કાલિક બેઠક બોલાવી છે, જેથી ત્યાંની રાજકીય પરિસ્થિતિની સમીક્ષા કરી શકાય. 

પાટિલના પક્ષ છોડ્યા પછી ઉદ્ધવ ઠાકરે પોતે સ્થાનિક પદાધિકારીઓ અને પક્ષના કાર્યકરોની લાગણીઓને જાણવાનો ઇરાદો ધરાવે છે. સાંસદના રાજીનામા પછી પણ પાયાના કાર્યકરો અને મતદારો પક્ષ સાથે રહે તે સુનિશ્ચિત કરવા માટે એક રણનીતિ ઘડવામાં આવશે. 

અલગ થયેલા સાંસદો પ્રત્યે વિવિધ સ્થળોએ મતદારો અને વફાદાર શિવસૈનિકોમાં તીવ્ર રોષ સ્પષ્ટ છે. આ પૃષ્ઠભૂમિમાં ઉદ્ધવ ઠાકરે તેમના પદાધિકારીઓને બળવાખોર નેતાઓને જાહેરમાં જવાબદાર ઠેરવવા અને તેમને તેમના મતવિસ્તારમાં ઘેરવા સીધા આદેશ આપે તેવી શક્યતા છે.

છ સાંસદોના ગયા પછી શિવસેના ખતમ થઈ ગઈ હોવાનો દાવો કરનારા ટીકાકારોનો સામનો કરવા માટે ઉદ્ધવ ઠાકરે પોતે મેદાનમાં ઉતરવાના છે. આ ડેમેજ-કંટ્રોલ ઝુંબેશ મુંબઈથી શરૂ કરવામાં આવી રહી છે, અને સંજય દિના પાટિલને તેમના પોતાના મતવિસ્તારમાં ઘેરવા માટે 'ઠાકરે-બ્રાન્ડ' રણનીતિ ઘડી કાઢવામાં આવી છે. આવતા શુક્રવારે યોજાનારી બેઠક બાદ ઠાકરે જૂથ આક્રમક વલણ અપનાવશે તે સ્પષ્ટ છે.