Thu Jun 18 2026

Logo

રેગિંગઃ ગુજરાતની બે મેડિકલ કૉલેજમાંથી 9 સિનિયર ડોક્ટર સસ્પેન્ડ

2026-06-18 20:01:24
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ ગુજરાતમાં ફરી મેડિકલ કૉલેજમાં રેગિંગના મામલે નવ ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો હતો. અમદાવાદની બી જે મેડિકલ કોલેજ અને ભાવનગરની સર ટી ગવર્નમેન્ટ મેડિકલ કોલેજના કુલ નવ ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જેમાં ત્રણ અમદાવાદ અને છ ભાવનગરની મેડિકલ કૉલેજના વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. તમામ ડોક્ટર ઓર્થોપેડિક વિભાગના હોવાની માહિતી અહેવાલો દ્વારા પ્રકાશમાં આવી હતી. 

રાજ્યના આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે ભાવનગર મેડિકલ કોલેજના ડીનની આગેવાની હેઠળ એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે અને ગુરુવાર સાંજ સુધીમાં તેનો અહેવાલ રજૂ કરે તેવી અપેક્ષા છે, જેના પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.ભાવનગરની કોલેજના ઓર્થોપેડિક વિભાગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા ૧૩ જેટલા જુનિયર રેસિડન્ટ તબીબોને છેલ્લા પાંચેક મહિનાથી બીજા વર્ષના ૬ સિનિયર રેસિડન્ટ તબીબો દ્વારા માનસિક અને અમાનવીય શારીરિક ત્રાસ આપી આકરી તાલિબાની સજાઓ અપાતી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ મામલે પીડિત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી ઓનલાઇન ફરિયાદના આધારે મેડિકલ કોલેજની એન્ટી રેગિંગ સ્કવોર્ડ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. 

​પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગરની સર ટી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બિલ્ડિંગમાં કાર્યરત ઓર્થોપેડિક વિભાગમાં નામ ન આપવાની શરતે ભોગ બનનાર જુનિયર તબીબોએ પોતાનો રૂંવાડા ઊભા કરી દે તેવો ત્રાસ વર્ણવતા જણાવ્યું હતું કે, સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા તેઓની પાસેથી દર મહિને અઢી લાખ રૂપિયા પડાવવામાં આવતા હતા અને વિદેશી દારૂની બોટલો મંગાવવામાં આવતી હતી. આટલું જ નહીં, રાત્રિના સમયે જુનિયરોને કુકડા બનાવવામાં આવતા અને આખી રાત એક પગે ઊભા રાખવાની ક્રૂર સજા અપાતી હતી.

તબીબોને ટ્રોમા સેન્ટરની બહાર નીકળવા પર પ્રતિબંધ હતો તેમજ જમવા અને સુવાનો પૂરતો સમય પણ આપવામાં આવતો ન હતો. અત્યંત ગંભીર બાબત એ છે કે, એક્સ-રે વિભાગમાં ફરજ દરમિયાન રેડિયેશનથી બચવા માટેનું જરૂરી 'લેડ એપ્રન' પણ પહેરવા દેવામાં આવતું ન હતું, જે તેમના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. હદ તો ત્યારે થઈ જ્યારે છેલ્લા ૧૫ દિવસથી જુનિયર તબીબોને ન્હાવા સુદ્ધા દેવામાં આવ્યા ન હતા.​આ અમાનવીય ત્રાસથી કંટાળીને આખરે તમામ ૧૩ જુનિયર તબીબોએ હિંમત એકઠી કરી લેખિત અને ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી.