(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં વરસાદની કાગાડોળે રાહ જોવાઈ રહી છે, પરંતુ હજુ સુધી રાજ્યમાં ચોમાસાના વરસાદનો પ્રારંભ નથી થયો પરંતુ આકરી ગરમી અને અસહ્ય ઉકળાટની સ્થિતિ વચ્ચે અમુક જિલ્લામાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ થઈ હતી. જેનાથી સ્થાનિક લોકોને રાહત મળી હતી. ખેડા, બોટાદ, પંચમહાલ, અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, મહીસાગર અને દાહોદમાં વરસાદ પડ્યો હતો. સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં 12 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં ખેડાના નડિયાદમાં સૌથી વધુ 2.09 ઇંચ વરસાદ પડ્યો હતો. તે સિવાય બોટાદના બરવાળામાં 1.26 ઇંચ વરસાદ પડ્યો હતો.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાર, ખેડાના નડિયાદમાં 2.09 ઇંચ, બોટાદના બરવાળામાં 1.26 ઇંચ, પંચમહાલના હાલોલમાં 0.43 ઇંચ, અમદાવાદના ધંધુકામાં 0.35 ઇંચ, રાજકોટમાં 0.24 ઇંચ, ભાવનગરના તળાજા અને સિહોર તેમજ મહીસાગરના માતરમાં 0.20 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

ભાવનગર શહેર અને જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં વરસાદ પડ્યો હતો. ભાવનગર શહેરમાં બપોર બાદ ચોમાસાની સીઝનનો પહેલો વરસાદ ધીમી ધારે શરૂ થયો હતો. જેનાથી આકરી ગરમીથી તોબા પોકારી ગયેલા સ્થાનિકોને મોટી રાહત મળી હતી. જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો હતો, જેમાં ઝરમર,બોરડા મણાર, નવા અને જૂના સાંગણા,કામરોળ, હાજીપર,અલંગ,મણાર,સથરા,પીપરલા,તરસરા સહિતના ગામમાં સારો વરસાદ નોંધાયો હતો.

તે ઉપરાંત ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓના ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો હતો. રાજકોટ જિલ્લાના ગોંડલ. અમરેલી, જામનગર, બનાસકાંઠા, નડિયાદ, વડોદરા, હાલોલ, સહિતના સ્થળે વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં વડગામ તાલુકાના સકલાણા ગામે એક દુર્ઘટના સર્જાય હતી, જેમાં રાતે ખેતરમાં જઈ રહેલા પિતા-પુત્ર પર વાવાઝોડાના કારણે તૂટેલ વીજળીનો તાર પડતાં ઘટનાસ્થળે જ બંનેના મોત નીપજ્યા હતા.