Tue Aug 25 2026

Logo

પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર, આસિસ્ટન્ટ લાઈનમેન લાંચ લેતા ઝડપાયા

2026-06-18 19:40:17
Author: Pooja Shah
પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર, આસિસ્ટન્ટ લાઈનમેન લાંચ લેતા ઝડપાયા

ACB Gujarat


અમદાવાદઃ જામનગર જિલ્લાના સાપર સબ ડિવિઝન પીજીવીસીએલ કચેરીના ડેપ્યુટી એન્જિનિયર અને આસિસ્ટન્ટ લાઇનમેનને નવા વીજ જોડાણ માટે ૮૦,૦૦૦ રૂપિયાની લાંચ લેતા ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (એસીબી) દ્વારા રંગે હાથે ઝડપાયા છે. એસીબીએ બંને આરોપીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

એસીબીના સૂત્રોના જણાવ્યા અનુસાર, ફરિયાદીએ તેમના ગેસ્ટ હાઉસ માટે વીજળીનો ભાર વધારવા અને નવું વીજળી જોડાણ મેળવવા માટે સાપર સબ ડિવિઝન પીજીવીસીએલ ઓફિસમાં અરજી કરી હતી. જોકે, લાંબા સમય સુધી અરજી પર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ડેપ્યુટી એન્જિનિયર રૂષિ દિનેશચંદ્ર પરમારે નવો ટ્રાન્સફોર્મર (ટીસી) લગાવવા, મીટર ફીટ કરવા અને કનેક્શન આપવા માટે 1 લાખ રૂપિયાની લાંચ માંગી હોવાનો આરોપ છે.

ફરિયાદી સાથે વાત કર્યા બાદ, આરોપી ડેપ્યુટી એન્જિનિયરે લાંચની રકમ ઘટાડીને 80,000 રૂપિયા કરી દીધી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી, તેણે એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે, એસીબીએ છટકું ગોઠવ્યું હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી હતી. 

ટ્રેપ દરમિયાન, ડેપ્યુટી એન્જિનિયર રૂષિ પરમાર વતી સહાયક લાઇનમેન મનોજભાઈ ડુંગરમ પ્રજાપતિ ફરિયાદીને મળ્યા અને કથિત રીતે ૮૦,૦૦૦ રૂપિયાની લાંચ સ્વીકારી હતી.  ત્યારબાદ એસીબીની ટીમે તેમને રંગે હાથે પકડી લીધા હતા અને ઓફિસમાં હાજર ડેપ્યુટી એન્જિનિયર રૂષિ પરમારની પણ ધરપકડ કરવામાં આવી હતી.