ઇલેક્ટ્રિક શૉક આપીને પેશાબ પીવાની ફરજ પાડી: ઢોંગી બાબા સહિત આઠની ધરપકડ
પુણે: પોતાની અંદર દૈવી શક્તિ હોવાનું અને પોતે ભગવાનનો અવતાર હોવાનું જુઠ્ઠાણું ચલાવીને સુશિક્ષિત મહિલાનું વર્ષો સુધી જાતીય શોષણ કરવા બદલ ઢોંગી બાબા અને તેના સાત સાથીની ધરપકડ કરી હતી. આરોપીઓમાં છ મહિલાનો સમાવેશ છે.પોલીસના જણાવ્યા અનુસાર મહિલાને લાંબા સમયથી ઇલેક્ટ્રિક શૉક આપવામાં આવી રહ્યો હતો અને ઢોંગી બાબાનો પેશાબ પીવાની તેને ફરજ પાડવામાં આવતી હતી.
16 જૂને આ પ્રકરણે ફરિયાદ પ્રાપ્ત થયા બાદ ગુનો પ્રકાશમાં આવ્યો હતો. ઢોંગી બાબા રાધામોહન મિશ્રા સહિત આઠ જણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ફરિયાદ બાદ પુણેના ખર્ડી વિસ્તારમાં આવેલા આશ્રમમાં રેઇડ પાડવામાં આવી હતી અને પોલીસે ત્યાંથી આઠ લેપટોપ, 19 હાર્ડડિસ્ક, 10 ડીવીડી, નવ મોબાઇલ, 20 કેસેટ્સ, 23 પેન ડ્રાઇવ ઉપરાંત 6.5 લાખની રોકડ અને પંદર લાખના દાગીના જપ્ત કર્યાં હતાં.
ત્યાંથી મોટા પ્રમાણમાં દવાઓ પણ મળી આવી હતી, જેમાંથી અમુક એક્સપાયર્ડ થઇ ગઇ હતી. આ દવાઓ શા માટે રખાતી હતી તેની તપાસ ચાલી રહી છે. મિશ્રા અનેક વર્ષોથી લોકોને છેતરતો હતો. ફરિયાદીનો પરિવાર બે દાયકાથી વધુ સમયથી તેની સાથે પરિચયમાં હતો.‘આધુનિક ગુરુકુળ’ના બેનર હેઠળ આરોપી પરિવારોને તેમના બાળકોને આશ્રમમાં છોડી જવાનું કહેતો હતો. બાળકો દિવસ દરમિયાન શાળા-કોલેજમાં જતા, પરંતુ આશ્રમમાં રહેતા હતા અને ત્યાં તેમનું શારીરિક-માનસિક શોષણ કરવામાં આવતું હતું.
આરોપીએ એવી છાપ ઊભી કરી હતી કે તેની પાસે અલૌકિક શક્તિ છે અને તે લોકોના મન વાંચી શકે છે તથા ભવિષ્ય જોઇ શકે છે. આરોપીએ પીડિતાને તેના પરિવારથી ધીમે ધીમે અલગ કરી હતી અને બાદમાં તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. પીડિતાનું વર્ષોથી જાતીય શોષણ કરવામાં આવ્યું હતું અને તેની મિલકતો આરોપીના નામે કરવાનો પ્રયાસ કરાયો હતો. (પીટીઆઇ)