(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરત શહેરમાં સાયબર છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો હતો, જ્યાં સાયબર ગઠિયાઓ દ્વારા સિનિયર સિટીઝન બેનિફિટ કાર્ડની ઓફર આપીને એક નિવૃત્ત વૃદ્ધ સાથે લાખો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી હોવાની સાયબર ક્રાઇમ પોલીસના ચોપડે ફરિયાદ નોંધાઈ હતી.
ગઠિયાઓએ બેંકના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી અને બનાવટી એપીકે ફાઈલ ડાઉનલોડ કરાવીને આ સાયબર ફ્રોડને અંજામ આપ્યો હતો. ભોગ બનનાર સુરતના 61 વર્ષીય નિવૃત્ત વૃદ્ધ જયેશભાઈ ગાંધીએ અજાણ્યા ગઠિયાઓ વિરુદ્ધ કુલ રૂ. 14.74 રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ફરિયાદીના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ આવ્યો હતો. ત્યારબાદ ગઠિયાએ તેમને વિડીયો કોલ કરીને પોતે એચડીએફસી બેન્કમાંથી બોલતો હોવાની ઓળખ આપી હતી. તેણે સિનિયર સિટીઝન બેનિફિટ કાર્ડની ઓફર આપીને પેટ્રોલ પંપ અને રેલવે ટિકિટ બુકિંગમાં ફાયદો થશે તેવી લાલચ આપી હતી.
ગઠિયાની વાતોમાં આવીને ફરિયાદીએ પોતાનું ક્રેડિટ કાર્ડ વિડીયો કોલમાં બતાવ્યું હતું. ત્યારબાદ ગઠિયાએ કાર્ડની લિમિટ 10 લાખ રૂપિયા સુધી કરી આપવાની લાલચ આપીને ફરિયાદીના વોટ્સએપ પર એચડીએફસી બેન્ક એપીકે નામની ફાઇલ મોકલી હતી. આ ફાઈલ બેંકની જ હોવાનો વિશ્વાસ અપાવીને ફરિયાદીના મોબાઇલમાં ડાઉનલોડ કરાવવામાં આવી હતી. એપીકે ફાઇલ ઇન્સ્ટોલ થયા બાદ આરોપીએ મોબાઇલ ફોનનો એક્સેસ મેળવી લીધો હોવાની ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો.
ફરિયાદના આક્ષેપ અનુસાર, મોબાઇલનો એક્સેસ મેળવ્યા બાદ આરોપીઓએ ફરિયાદીના ક્રેડિટ કાર્ડમાંથી બે ટ્રાન્ઝેક્શન કર્યા હતા. પ્રથમ ટ્રાન્ઝેક્શન મારફતે રૂ. 3,14,14,042 અને બીજાં મારફતે રૂ. 60,770 ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આમ કુલ રૂ. 14,74,812ની રકમ અન્ય બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેવામાં આવી હતી.
ટ્રાન્ઝેક્શનના ટેક્સ્ટ મેસેજ મળ્યા બાદ ફરિયાદીને શંકા જતાં તેણે બેન્કનો સંપર્ક કર્યો હતો અને પોતાની સાથે સાયબર છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યું હતું, આથી ભોગ બનનારે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર જાણ કરી હતી.
આ સમગ્ર મામલે સુરત સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ દાખલ કરી અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો ગુનો નોંધ્યો હતો. આ ગંભીર સાયબર ફ્રોડ કેસની આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.