Wed Sep 02 2026

Logo

રેગિંગનો રેસિડેન્ટ ડોક્ટરની આત્મહત્યા સાથે સીધો સંબંધ નથીઃ સુરત જીએમસીનો રિપોર્ટ

2026-08-13 16:08:23
Author: Pooja Shah
રેગિંગનો રેસિડેન્ટ ડોક્ટરની આત્મહત્યા સાથે સીધો સંબંધ નથીઃ સુરત જીએમસીનો રિપોર્ટ

અમદાવાદઃ રેસિડેન્ટ ડોક્ટર ડૉ. હર્ષલ પંડ્યાના મૃત્યુ બાદ વિવાદમાં આવી ગયેલી સુરતની ગુજરાત મેડિકલ કોલેજ (જીએમસી)નો અહેવાલ બહાર આવ્યો હતો. તેમના અહેવાલ અનુસાર કોલેજમાં પહેલી વર્ષના રેસિડેન્ટ ડોક્ટરર્સ સાથે રેગિંગ થતું હોવાની વાત સાબિત થઈ છે, પરંતુ ડૉ. પંડ્યાની આત્મહત્યા અને રેગિંગ વચ્ચે સીધો સંબંધ જણાતો નથી. 

જીએમસી ડીન દ્વારા એન્ટિ-રેગિંગ કમિટી રિપોર્ટ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીને સોંપવામાં આવ્યો હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. }

તપાસમાં એ પણ જાણવા મળ્યું હતું કે માઇક્રોબાયોલોજી વિભાગના તમામ પ્રથમ વર્ષના નવ રેસિડેન્ટ ડોકટરો રેગિંગનો ભોગ બન્યા હતા. જોકે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડૉ. પંડ્યાના અકુદરતી મૃત્યુને સીધી રીતે રેગિંગ માટે જવાબદાર ઠેરવી શકાય નહીં, કારણ કે તેમના આ પગલા પાછળ અનેક કારણો હોઈ શકે છે. આ સાથે સંસ્થાને રેગિંગ મામલે કોઈ સત્તાવાર ફરિયાદ કે માહિતી ન આપાવામાં આવી હોવાનું પણ અહેવાલ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

આ રિપોર્ટમાં બીજા વર્ષના કેટલાક રેસિડેન્ટ ડોકટરો દ્વારા પ્રથમ વર્ષના ડોક્ટર્સ સાથે અપમાનજનક વ્યવહાર થયો હતો અને તેમના પર કામનો બોજ પણ વધુ નાખવામાં આવતો હોવાનું જાણવા મળ્યું હતું. કમિટીએ તમામ સંબંધિતોના નિવેદનો સહિતની તપાસનો અહેવાલ સોંપ્યો છે. હવે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની એન્ટિ-રેગિંગ કમિટી પોતાની તપાસ શરૂ કરશે, તેવી માહિતી સૂત્રોએ આપી હતી.