Fri May 01 2026

Logo

અજિત પવારના સ્વપ્નને પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો સુનેત્રા પવારે

2026-04-06 19:36:08
Author: Vipul Vaidya
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારે સોમવારે બારામતીથી વિધાનસભાની પેટાચૂંટણી માટે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. આ ઉમેદવારીપત્ર ભરતા પહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક દ્વારા નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારે પોતાના પેટાચૂંટણીના પ્રચારનો પ્રારંભ કર્યો. આ પ્રસંગે સુનેત્રા પવારે સ્વર્ગસ્થ અજિત પવારના સ્વપ્નને પૂર્ણ કરવાનો પોતાનો નિર્ધાર વ્યક્ત કરતા કહ્યું કે આખું બારામતી તેમનો પરિવાર છે. પોતાના ભાષણમાં સુનેત્રા પવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદ પવાર જૂથના કાર્યકારી પ્રમુખ સુપ્રિયા સુળેનો પણ આભાર માન્યો હતો. શરદ પવાર જૂથે આ બેઠક પરથી પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો નથી.

ઉમેદવારીપત્ર ભરતા પહેલા એનસીપીના કાર્યકરોની એક બેઠક યોજાઈ હતી. એનસીપીના તમામ અગ્રણી નેતાઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ સભામાં એનસીપીના નેતાઓએ સ્વર્ગસ્થ અજિત પવારની યાદોને તાજી કરી. આ પ્રસંગે, તેમણે કહ્યું હતું કે ચૂંટણી બિનવિરોધ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ તે સફળ થયા નથી. હવે આ ચૂંટણીમાં સુનેત્રા પવારને અભૂતપૂર્વ વિજય અપાવીને અજિત પવારને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવાર ખૂબ જ ભાવુક જોવા મળ્યા હતા. ‘અજિતદાદા બારામતીનો શ્ર્વાસ હતા અને તેમના છેલ્લા શ્ર્વાસ પણ બારામતીની માટીમાં ગયા હતા. આજે, તેમનો સ્પર્શ સમગ્ર બારામતીમાં અનુભવાય છે, અહીંના શાંત પાંદડા અને ફૂલો પણ દાદાની યાદમાં રડી રહ્યા છે,’ એમ સુનેત્રા પવારે કહ્યું હતું.  અજિતદાદાના અવસાન પછી શરૂ થયેલી બારામતી વિધાનસભા પેટાચૂંટણીના પ્રચાર દરમિયાન સુનેત્રા પવારે બારામતીના લોકો સાથે ખૂબ જ ભાવનાત્મક વાતચીત કરી હતી. ઉપસ્થિતોની આંખો પણ આંસુથી છલકાઈ ગઈ હતી.

સભાને સંબોધતા સુનેત્રા પવારે કહ્યું હતું કે, ‘મેં ક્યારેય સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે આવી પરિસ્થિતિમાં આ પેટાચૂંટણી થશે. મને હજુ પણ નથી લાગતું કે દાદા હવે આપણી સાથે નથી અને હું આ ક્યારેય સ્વીકારી શકીશ નહીં. પરંતુ નિયતિએ આપણા પર આ મુશ્કેલ સમય લાદ્યો છે. દાદાનું નિધન ફક્ત એક પરિવાર માટે નહીં પરંતુ સમગ્ર બારામતી માટે નુકસાન છે.’‘કોઈ અજિતદાદાનું સ્થાન લઈ શકે નહીં, પરંતુ હું તેમના વિકાસના વારસાને આગળ ધપાવીશ. બારામતીનો વિકાસ ક્યારેય અટકશે નહીં અને અહીંના વહીવટ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રહેશે. હું તમને ખાતરી આપું છું કે બારામતીમાં ગુંડાગીરી કે ખંડણી માટે કોઈ સ્થાન રહેશે નહીં,’ એવી ખાતરી સુનેત્રા પવારે આપી હતી. 

સુનેત્રા પવારે વધુમાં કહ્યું કે મને મહાયુતિનો મજબૂત ટેકો છે. ચાર વખતના મુખ્ય પ્રધાન (શરદ પવાર)ની પુત્રવધૂ અને છ વખતના નાયબ મુખ્ય પ્રધાન રહેલા દાદાની પત્ની તરીકે, મને ચોક્કસપણે આ રાજ્યનું સંચાલન કરવાની શક્તિ મળશે. ફક્ત જય અને પાર્થ મારો પરિવાર જ નહીં, પણ સમગ્ર બારામતી મારો પરિવાર છે. હું તમારામાંથી કોઈને પણ તરછોડીશ નહીં. દાદાના વિચારો અને કાર્યપદ્ધતિ જાળવી રાખીને હું બારામતીની ઓળખ જાળવવા માટે પ્રતિબદ્ધ છું.’  અજિતદાદાની કાર્યપદ્ધતિઓને યાદ કરતાં સુનેત્રા પવારે કહ્યું હતું કે, ‘બારામતીના લોકોની સેવા કરવી એટલે કે વિઠ્ઠલ-પાંડુરંગની સેવા કરવી એ દાદાનો આજીવન વિશ્ર્વાસ અને આધાર હતો. તેમણે બારામતીને દરેક કાર્યના કેન્દ્રમાં રાખ્યું. ભલે તેઓ આજે શારીરિક રીતે આપણી સાથે નથી, પરંતુ અહીંના દરેક વિકાસ કાર્યમાં તેમનો સ્પર્શ હાજર છે.’