મુંબઈ: કલ્યાણ-ડોંબિવલી સહિત પુણેમાં રખડતા શ્વાનનો ત્રાસ વધી રહ્યો છે, જ્યાં કલ્યાણમાં ગણતરીના કલાકોમાં રખડતા શ્વાને સેંકડો લોકોને કરડવાના કિસ્સા નોંધાયા હતા. કલ્યાણના આધારવાડી વિસ્તારમાં રવિવારે સાંજે આ બનાવ બન્યો હતો. રખડતા કૂતરાના વધતા ત્રાસને કારણે સમગ્ર વિસ્તારમાં લોકોમાં ડરનો માહોલ ઊભો થયો છે. મળતી માહિતી મુજબ શ્વાને માત્ર સાત કલાકના સમયગાળામાં આશરે 130 લોકોને કરડ્યા હતા. એકસાથે મોટી સંખ્યામાં લોકોને શ્વાને નિશાન બનાવતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
કલ્યાણના આધારવાડી વિસ્તારમાં સંદિપ હોટેલ નજીકથી પસાર થતા લોકોને શ્વાને અચાનક હુમલો કરીને કરડ્યા હતા. શ્વાનના સતત હુમલાથી સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો મદદ માટે આગળ આવ્યા હતા અને તંત્રને જાણ કરવામાં આવી હતી.
ઘટના બાદ કલ્યાણ-ડોંબિવલી મહાનગરપાલિકા (કેડીએમસી) દ્વારા શ્વાનને પકડવા માટે મોટા પાયે શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ખડકપાડા અને એમએચબી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ઉપરાંત સ્થાનિક કોર્પોરેટરો અને તેમના કાર્યકરો પણ શોધ કામગીરીમાં જોડાયા હતા. અનેક કલાકોની શોધખોળ બાદ આખરે રાત્રે આશરે દોઢ વાગ્યે સફેદ શ્વાનને પકડી લેવામાં આવ્યો હતો.
શ્વાનના હુમલામાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે રૂકમિણીબાઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તમામ અસરગ્રસ્તોને જરૂરી સારવાર આપવામાં આવી હતી અને એન્ટી-રેબીઝના ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. હોસ્પિટલના ડૉક્ટર સંદીપ પગારેના જણાવ્યા મુજબ સારવાર માટે આવેલા તમામ દર્દીઓએ સફેદ રંગના શ્વાને તેમને બટકું ભર્યું હોવાનું જણાવ્યું હતું.
આ બનાવ બાદ કલ્યાણના આધારવાડી વિસ્તારમાં રખડતા શ્વાનોની સમસ્યા અને જાહેર સુરક્ષાને લઈને ચિંતા વધી છે. એક જ શ્વાન દ્વારા આટલી મોટી સંખ્યામાં લોકોને કરડ્યાની ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા રખડતા શ્વાનો વિરુદ્ધ વધુ અસરકારક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી સ્થાનિકોએ કરી છે.