Wed Jun 24 2026

Logo

સ્વાસ્થ્ય સુધાઃ શરીરને તાજગીસભર બનાવી દે તેવા વિશિષ્ટ ગુણો ઘરાવે છે ચક્રફૂલ

2026-05-12 08:34:00
Author: Shrilekha Yagnik
Article Image

 

શ્રીલેખા યાજ્ઞિક

‘ચક્રફૂલ’ મસાલાની જાણકારી ધરાવતી, તેમજ વિવિધ મસાલાનો રોજબરોજ ઉપયોગ કરતી વ્યક્તિ આ સુંદર મસાલાથી અચૂક માહિતગાર હશે. બાળપણથી આપણે સાંભળતા આવ્યા છીએ કે અનાજનો એકપણ કણ છાંડવો જોઈએ નહીં. ભોજનની માત્રા એટલી જ બનાવવી જોઈએ તેમજ ભાણામાં આવશ્યક્તા પૂરતી જ લેવી જોઈએ કે જેથી ભોજનનો બગાડ ન થાય. કેમ કે ખેડૂતથી લઈને અનેક વ્યક્તિની તનતોડ મહેનત થાળીમાં પીરસવામાં આવેલાં ભોજન પાછળ સમાયેલી હોય છે. 

આજે આપણે જે ચક્રફૂલ મસાલાની વાત કરવાના છીએ તે વિશેની ખાસ જાણકારી મેળવી લીધા બાદ જ આપણે ચક્રફૂલના સ્વાસ્થ્ય વર્ધક લાભની જાણકારી મેળવીશું. ભોજનનો સ્વાદ વધારનાર ચક્રફૂલ મુખ્યત્ત્વે ચીન તથા વિયેતનામમાં મોટા પ્રમાણમાં પાકે છે. ભારતમાં અરૂણાચલ પ્રદેશમાં ચક્રફૂલની ખેતી વધુ પ્રમાણમાં થાય છે. 

અરૂણાચલ પ્રદેશમાં વસતાં ‘મોનપા સમુદાય’ ચક્રફૂલને સંરક્ષિત કરવા માટે અથાગ મહેનત કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે અરૂણાચલ પ્રદેશમાં એક સમય એવો હતો કે ચક્રફૂલના અનેક વૃક્ષો લહેરાતાં હતાં. હાલમાં 60 ટકા વૃક્ષો ઘટી ગયા છે. બાદિયાંની ખેતી ધીરજ માગી લે છે. કેમ કે છોડ વાવ્યા બાદ 6 વર્ષ બાદ તેમાં ફૂલ તેમજ ફળ આવે છે. ફળ આપમેળે જ પાકી જતાં ખરી પડે છે.  હવે તો ફળ લીલાં હોય ત્યારે  તેને ઊતારી લેવામાં આવે છે. તેની સૂકવણી કરવામાં આવે છે. તેની માટી ભેજવાળી હોવી આવશ્યક ગણાય છે. 18થી 20 ડિગ્રીવાળું વાતાવરણ હોવું આવશ્યક છે. 

‘મોનપા સમાજ’ની મહિલાઓ ઑક્ટોબરથી ડિસેમ્બર માસમાં 2700 ફીટની ઊંચાઈ ચઢે છે. તેઓ ચક્રફૂલને ‘લિસિ’ નામથી ઓળખે છે. ઘારદાર નજરની સાથે જંગલમાં નીચે નમી-નમીને એક પછી બીજું તેમ જમીન ઉપર વેરાયેલાં ચક્રફૂલને વીણી લે છે. તે મહિલાઓનું કહેવું છે કે એક સમય હતો કે તેઓ દિવસમાં 30થી 40 કિલો ચક્રફૂલ વીણીને ભેગાં કરતાં. હવે દિવસમાં ફક્ત 3-4 કિલો ચક્રફૂલ વીણીને ભેગાં થાય છે. તેનું મુખ્ય કારણ વૃક્ષો સૂકાઈ ગયાં છે. 

ભારતમાં ચીન તથા વિયેતનામની જેમ વ્યાવસાયિક રીતે ચક્રફૂલ ઊગાડવામાં નથી આવતાં. મોનપા જાતિનું માનવું છે કે ચક્રફૂલની ખેતી સોના જેવી છે. હવે ધીમે ધીમે જાગૃત્તિ આવવાને કારણે તેની ખેતીને પ્રાધાન્ય મળવા લાગ્યું. વર્ષ 2014માં ચક્રફૂલને ‘લુપ્તપ્રાય’ પ્રજાતિ તરીકે સૂચીબદ્ધ કરવામાં આવેલી છે. 

તેનું મુખ્ય કારણ બીજ તથા ફળનો અત્યાધિક સંગ્રહ. લાકડાં તથા કોલસાની માગ માટે વૃક્ષોને સતત કાપવા તેમજ બજારની સતત દખલને કારણે છેલ્લાં 84 વર્ષોમાં 60 ટકા વૃક્ષો ઘટી ગયેલાં જોવા મળે છે. અનેક વખત વૃક્ષમાં કીટક લાગવી કે વધુ વરસાદ જવાબદાર ગણવામાં આવે છે. દેખાવમાં અત્યંત આકર્ષક આછા લાકડિયા રંગના ચક્રફૂલનો સ્વાદ માણીએ ત્યારે તેની પાછળ છુપાયેલી મહેનતને નતમસ્તક થવું જરૂરી છે.   

આયુર્વેદમાં ચક્રફૂલની ગણના તાજગીસભર મસાલામાં કરવામાં આવેલી છે. ભારતીય ભોજનનો સ્વાદ વધારવાની સાથે વ્યક્તિને તાજગી બક્ષે છે. આથી જ તેનો ઉપયોગ ભોજનમાં અચૂક કરવામાં આવે છે. હાલમાં તાજા મસાલાની મોસમ ચાલી રહી છે. ઘરે ઘરે હળદર, મરચું, ધાણાજીરું, ગરમ મસાલા, રાઈ,  જીરું, મેથી વગેરે અનેક રોજબરોજમાં ઉપયોગમાં લેવાતાં મસાલા વર્ષભરના ભરી લેવામાં આવે છે. વળી તેની સાથે મરી-તજ-લવિંગ-એલચી-એલચાં-દગડફૂલ-તજ-ચક્રફૂલ વગેરે આખા મસાલા બજારમાં તાજા મળી રહે છે. 

ગરમ મસાલાની વાત નીકળે ત્યારે ચક્રફૂલની વાત અચૂક નીકળતી હોય છે. ચક્રફૂલમાં ઍન્ટિ-ઑક્સિડન્ટની માત્રા હોય છે. જેના ઉપયોગ દ્વારા વ્યક્તિની રોગપ્રતિરોધક શક્તિ વધી જાય છે. ચક્રફૂલનો ઉપયોગ મુખ્યત્ત્વે પેટની બીમારીમાં ખાસ કરવામાં આવે છે. ચક્રફૂલની ગણના ખાસ જડીબુટ્ટીમાં પણ કરવામાં આવે છે. જે વાસ્તવમાં એલિસિયમ વેરમ નામક વૃક્ષનું ફૂલ છે. જે ચીનનું સદાબહાર વૃક્ષ ગણાય છે. ફૂલની આકૃત્તિ તારા આકારની હોવાથી તેને ચક્રફૂલ કે સ્ટાર ઍનિસ તરીકે ઓળખવામાં આવે છે. ચક્રફૂલમાં કેટલાંક એવાં સત્ત્વ સમાયેલાં છે જે સમગ્ર શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

ચક્રફૂલનો ઉપયોગ ચાઈનીઝ વાનગી, પંજાબી શાકમાં, બૅકિંગ વાનગીમાં, પરફ્યૂમ, તેલ બનાવવામાં તેમજ વિવિધ મીઠાઈમાં થતો જોવા મળે  છે. શિયાળામાં ખાસ બનાવવામાં આવતાં વસાણામાં ચક્રફૂલનો ઉપયોગ અચૂક કરવામાં આવે છે. તેથી જ ચક્રફૂલ માટે એવું કહેવાય છે કે તે કિંમતમાં વધુ હોવા છતાં મનગમતાં ભોજનમાં ફક્ત સ્વાદ નથી ભરતો પરંતુ તેના ઉપયોગ થકી શરીરમાં ગરમાવો લાવે છે. 

બાદિયાને ભારતની વિવિધ ભાષામાં અલગ અલગ નામે ઓળખવામાં આવે છે. જેમ કે સંસ્કૃતમાં ચક્રિકા કે મિશિ, હિન્દીમાં ચક્રફૂલ કે અનાસફલ, ગુજરાતીમાં બાદિયાં કે બાદિયાન, બંગાળીમાં તારકા સૌંફ, તારકા અનીસ, મરાઠીમાં બદયાણ કે બાદયાણ, તામિલમાં નટકત્તીરા,ચમ્પુ, અનાશુપ્પુ, ઊર્દૂમાં બડિયાંફૂલ અંગ્રેજીમાં સ્ટાર ઍનિસ. ચક્રફૂલમાં વિવિધ પોષક ગુણો સમાયેલાં છે. તેના પાન, ફૂલ તથા બીજ પ્રત્યેકમાં ઔષધીય ગુણો સમાયેલાં છે. 

જેમ કે 100 ગ્રામ બાદિયાનમાં પ્રોટીનની માત્રા 4.0 ગ્રામ, કાર્બોહાઈડ્રેટ 50.00 ગ્રામ, ફાઈબરની માત્રા 20.0 ગ્રામ, કૅલ્શ્યિમની માત્રા 184 મિલિગ્રામ, આયર્ન 9.0 મિલિગ્રામ, ફોસ્ફરસની માત્રા 68 મિલિગ્રામ, મૈગ્નેશ્યિમની માત્રા 55 મિલિગ્રામ, વિટામિન સી 1.0 મિલિગ્રામ, ફૉલેટ 90 માઈક્રોગ્રામ જોવા મળે છે.

ચક્રફૂલનું પાણી: 

સામગ્રી: 2 નંગ ચક્રફૂલ, 2 લિટર પાણી, 2  ચમચી મધ, 1 નંગ લીબૂનો રસ.

બનાવવાની રીત: 2 લિટર પાણીમાં 2 નંગ ચક્રફૂલ રાત્રે પલાળી દેવાં. સવારે પાણીમાં 2 ચમચી મધ તથા 1 લીંબૂનો રસ ભેળવીને બરાબર હલાવી લેવું. નરણાં કોઠે થોડું પાણી પીવું ત્યારબાદ દિવસ ભર થોડું થોડું પાણી પીતાં રહેવું. ચક્રફૂલનું પાણી મેટાબોલિઝમને વધારીને શરીરમાંથી વિષાક્ત પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરશે. તંદુરસ્તી વધશે. માનસિક તણાવ ઘટવાથી વ્યક્તિ તાજગી અનુભવશે.  

ચક્રફૂલના સ્વાસ્થ્યવર્ધક લાભ

ઍન્ટિ વાયરલ: બાદિયાંમાં શિકિમિક એસિડની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી હોય છે. જેમાં ઍન્ટિ-વાયરલ ગુણો સમાયેલાં હોય છે. તેનો ઉપયોગ ઈન્ફ્લૂઍન્ઝાની દવાના મુખ્ય ઘટક તરીકે કરવામાં આવે છે. ચક્રફૂલમાં સમાયેલું તેલ હર્પીસ જેવા વાયરલ સંક્રમિત રોગમાં કારગર ઉપાય ગણાય છે. 

ઍન્ટિ-ફંગલ: ચક્રફૂલની તેજ સુગંધ તેમાં રહેલાં તૈલિય ગુણને કારણે જોવા મળે છે. જે ઐથેનોલ તરીકે ઓળખાય છે. વિવિધ શોધ દ્વારા એવું જાણવા મળેલ છે કે ઐથેનોલમાં ઍન્ટિ-ફંગલ ગુણો હોય છે. 

શરીર ઉપર આવતાં સોજાને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ: પ્રાચીન ચિકિત્સા મુજબ ચક્રફૂલનો ઉપયોગ શરીર ઉપર આવી જતાં સોજા કે લાલ ચકામાને દૂર કરવામાં થતો આવે છે. તેનું મુખ્ય કારણ ચક્રફૂલમાં ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણો સમાયેલાં હોય છે. ચક્રફૂલને પાણીમાં ઉકાળીને તેની ચા બનાવીને પીવાથી ફાયદો કરે છે. 

પાચનમાં સુધારો: કહેવાય છે કે શરીરની તંદુરસ્તી જાળવવા માટે પેટ તંદુરસ્ત હોવું જરૂરી છે. ચક્રફૂલનો પાઉડર બનાવીને તેનો ઉપયોગ કરવાથી પાચન સબંધિત સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. ચક્રફૂલના સેવન બાદ પાચક રસ સક્રિય બની જતાં હોય છે. 

ત્વચાને ચમકદાર બનાવે છે:  ચક્રફૂલની પેસ્ટ બનાવીને લગાવવાથી ત્વચા ઉપર દેખાંતા કાળાડાઘ, કરચલી તેમજ ખીલની સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે. ચહેરા ઉપર લગાવવાથી ચહેરાની ચમક વધી જાય છે. કેમિકલ યુક્ત ક્રીમ લગાવવા કરતાં ઔષધીય ગુણોથી ભરપૂર ચક્રફૂલની પેસ્ટ ચહેરા ઉપર લગાવવાથી ત્વચા મુલાયમ બની જાય છે. એવો પણ દાવો કરવામાં આવે છે કે આ પેસ્ટનો નિયમિત ઉપયોગ કરવાથી ચહેરાનો રંગ ઘેરો હોય તો તેને બદલવામાં મદદ કરે છે.

શરદી-તાવમાં લાભકારી: કોરોના કાળમાં વિવિધ તેજાના-મસાલાનો ઉપયોગ કરીને કાઢો બનાવીને પ્રત્યેક લોકો પીતાં હતાં. બસ તેજ પ્રમાણે ચક્રફૂલનો ઉપયોગ કરીને ચા બનાવીને પીવાથી ત્વરિત લાભ મેળવી શકાય છે. તેનું મુખ્ય કારણ ચક્રફૂલમાં ઍન્ટિ-ઈન્ફલેમેટરી ગુણો સમાયેલાં છે. જેને કારણે ગળામાં સોજો કે ઝીણો દુખાવો હોય તે દૂર કરવામાં મદદ મળે છે. નાકમાંથી ધીમું ધીમું પાણી પડવાં જેવી વિવિધ સમસ્યાથી રાહત મેળવી શકાય છે. 

માનસિક તાણ ઘટાડવામાં ગુણકારી: નિયમિત રીતે ચક્રફૂલનો ઉપયોગ આહારમાં કરવાથી માનસિક તાણ ઘટાડવામાં મદદ મળે છે. ચિત્તને શાંત કરે છે. વ્યક્તિ એકચિત્ત બનીને કામ કરવા સમર્થ બને છે. 

ઍન્ટિ-ઑક્સિડન્ટના ગુણો: ચક્રફૂલમાં પૉલિફિનોલ્સ તથા ફ્લેવોનોઈડસ્ જેવા ઍન્ટિ-ઑક્સિડન્ટ શરીરમાં મુક્તકણોની સંખ્યા ઘટાડવામાં મદદ કરે છે. કૅન્સર તથા હૃદયરોગના જોખમને ઓછું કરવામાં મદદ કરે છે. 

રોગપ્રતિકારક શક્તિ વધારવામાં લાભકારી: ચક્રફૂલમાં ‘શિકિમિક એસિડ’ હોય છે. જે એક શક્તિશાળી ઍન્ટિ-વાયરલ ઍજન્ટ છે. જે શરીરના અવયવોને રોગના સંક્રમણથી બચાવે છે. 

ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ: ખાલી પેટે ચક્રફૂલનું પાણી પીવાથી લોહીમાં શર્કરાની માત્રાને નિયંત્રિત રાખવામાં મદદ મળે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે ગુણકારી ગણાય છે. 

ચક્રફૂલનો ઉપયોગ કઈ રીતે કરી શકાય? 
ચક્રફૂલનું સેવન દૂધ-ચા-સૂપ-શાકમાં ઉપયોગ કરી શકાય છે. 

તેનો કાઢો બનાવીને પી શકાય છે. ચાઈનીઝ વાનગીમાં ચક્રફૂલનો ઉપયોગ મોટેભાગે કરવામાં આવતો હોય છે. ઘરે બનાવવામાં આવતાં ગરમ મસાલામાં ચક્રફૂલનો ઉપયોગ અવશ્ય કરવામાં આવે છે. ભારતીય મીઠાઈમાં તેમજ સેવૈયા, બિરંજ જેવાં વિવિધ વ્યંજનોમાં કરવામાં આવે છે. દાળ-રસાવાળા શાકમાં છુટ્ટા ભાતમાં કે કરી ઉપયોગમાં લઈ શકાય છે.