Tue Jul 28 2026

Logo

સાડાચાર હજારની જનસંખ્યાવાળા ગામમાં ચાર મહિનામાં સાડાત્રણ હજાર જન્મનોંધણી!

2026-02-15 20:19:00
Author: Yogesh C. Patel
Article Image

AI Generated Images


યુઝર આઈડીનો પાસવર્ડ બિહારથી ‘હૅક’ કરી આ ઘાલમેલ કરાયાનું તપાસમાં સ્પષ્ટ

છત્રપતિ સંભાજીનગર: છત્રપતિ સંભાજીનગર જિલ્લાના સોયગાવ તાલુકામાં પરપ્રાંતીયોની 3,448 બોગસ જન્મનોંધણી મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. પાલિકાના પોર્ટલના પાસવર્ડને છેક બિહારથી ‘હૅક’ કરીને આ ઘાલમેલ કરવામાં આવી હોવાની આંચકાજનક માહિતી સામે આવી હતી.

સોયગાવની જનસંખ્યા સાડાચાર હજારની છે ત્યારે છેલ્લા ચાર મહિનામાં સાડાત્રણ હજાર જન્મનોંધણી બોગસ થઈ હોવાની માહિતીથી ચકચાર મચી હતી. રાજ્યના આરોગ્ય સંંબંધી માહિતી અને જન્મ-મૃત્યુ વિભાગના સંચાલકના આદેશ અનુસાર આ નોંધણી રદ કરવાની સૂચના આપવામાં આવી છે.

છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં બાંગ્લાદેશી નાગરિકોની જન્મ-મૃત્યુની બોગસ નોંધ કરવામાં આવી હોવાનો આક્ષેપો થયા હતા. આક્ષેપોને પગલે તપાસ માટે જિલ્લાધિકારી પણ ગામમાં આવ્યા હતા.

સોયગાવ તાલુકાની મોહળાઈ ગ્રામપંચાયત હેઠળ બે ગામ મોહળાઈ અને પિંપ્રી અંતુર આવે છે. ગ્રામપંચાયતનું મુખ્યાલય મોહળાઈ ખાતે છે. ગ્રામપંચાયતના સીઆરએસ પોર્ટલના યુઝર આઈડી દ્વારા પિંપ્રી અંતુર ગામમાં પહેલી એપ્રિલ, 2025થી બીજી ઑગસ્ટ, 2025 સુધીમાં જન્મની 3,448 અને મૃત્યુની આઠ નોંધણી કરવામાં આવી હતી કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી.

જોકે તે સમયે જાણવા મળ્યું હતું કે સંંબંધિત યુઝર આઈડી ઉપયોગમાં લેવાતો જ નથી. તો પછી આટલી નોંધણી કઈ રીતે થઈ તેની તપાસ કરવામાં આવી હતી.
જિલ્લા આરોગ્ય અધિકારી કાર્યાલયના નિષ્ણાતો દ્વારા આ મામલે તપાસ કરવામાં આવતાં સંબંધિત યુઝર આઈડીનો પાસવર્ડ બિહારની એક વ્યક્તિએ ‘હૅક’ કરીને આ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસમાં ગુનો નોંધાવી સઘન તપાસના આદેશ અપાયા હતા.