Sat Sep 12 2026

Logo

કરીઅરની પાંચમી જ ટેસ્ટમાં વિક્રમો કરનાર આ સોનાલ દિનુશા છે કોણ?

Colombo   2026-08-27 20:54:52
Author: Ajay Motiwala
કરીઅરની પાંચમી જ ટેસ્ટમાં વિક્રમો કરનાર આ સોનાલ દિનુશા છે કોણ?

PTI


ભારતના વિજય હઝારે અને ઝિમ્બાબ્વેના ઍન્ડી ફ્લાવરના વિશ્વવિક્રમની બરાબરી કરી

કોલંબોઃ અહીં ગુરુવારે સિરીઝની અંતિમ ટેસ્ટમાં ભારતને બીજા દાવની બૅટિંગથી વંચિત રાખનાર, ક્રીઝમાં છેક સુધી અડીખમ રહીને મૅચ ડ્રૉ કરાવનાર તેમ જ ટીમ ઇન્ડિયાને 0-2ની ક્લીન સ્વીપથી ખૂબ દૂર રાખનાર પચીસ વર્ષનો સોનાલ દિનુશા માત્ર શ્રીલંકામાં નહીં, પણ સમગ્ર ક્રિકેટ જગતમાં છવાઈ ગયો છે અને પ્રથમ દાવમાં 103 રન બનાવનાર દિનુશા ગુરુવારના અંતિમ દિવસે બીજા દાવમાં 133 રન બનાવીને અણનમ રહેનાર આ લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅને પોતાને કરીઅરની પાંચમી જ ટેસ્ટમાં અભૂતપૂર્વ પર્ફોર્મ કરીને પોતાને દિગ્ગજોની યાદીમાં મૂકાવી દીધો છે.

દિનુશા ભારત (India) વિરુદ્ધ ટેસ્ટની બન્ને ઇનિંગ્સમાં સેન્ચુરી ફટકારનાર ત્રીજો ખેલાડી બની ગયો છે. ભારતના પ્રથમ દાવના 9/503 રનના સ્કોરના જવાબમાં શ્રીલંકાએ પસિન્દુ સૂર્યાબંડારાના 80 રન ઉપરાંત દિનુશાના 103 રનની મદદથી 290 રન બનાવ્યા હતા. જોકે શ્રીલંકાએ ફૉલો-ઑન થવું પડ્યું તો દિનુશાએ એમાં પણ સેન્ચુરી (અણનમ 133) ફટકારી. તેની પહેલાં, સૂર્યાબંડારા 92 રન તથા કામિન્ડુ મેન્ડિસ પંચાવન રનની ઇનિંગ્સ સાથે ભારતને ભારે પડ્યો હતો.

દિનુશા (Dinusha) વિશ્વનો એવો પ્રથમ ક્રિકેટર છે જેણે ભારત સામે ટેસ્ટના પ્રથમ દાવમાં તેમ જ ફૉલો-ઑન પછીના બીજા દાવમાં સેન્ચુરી ફટકારી છે. એકંદરે આવી સિદ્ધિ મેળવનાર તે ટેસ્ટ જગતના 149 વર્ષના ઇતિહાસનો માત્ર ત્રીજો ખેલાડી બન્યો છે. 1948માં ભારતના મહાન બૅટ્સમૅન વિજય હઝારેએ ઍડિલેઇડમાં ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ (જેમાં ભારતે ફૉલો-ઑન થવું પડ્યું હતું એમાં)ના પ્રથમ દાવમાં 116 રન અને બીજા દાવમાં 145 રન બનાવ્યા હતા. ઑસ્ટ્રેલિયાનો એક દાવથી વિજય થયો હતો. 2001માં ઍન્ડી ફ્લાવરે હરારેમાં સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટના પ્રથમ દાવમાં 142 રન કર્યા હતા અને ફૉલો-ઑન પછીના બીજા દાવમાં ઝિમ્બાબ્વે ઑલઆઉટ થઈ જતાં 199 રન પર અણનમ રહી ગયા હતા. સાઉથ આફ્રિકાનો નવ વિકેટે વિજય થયો હતો.

ભારત સામે કોઈ હરીફ ખેલાડીએ ટેસ્ટના બન્ને દાવમાં સદી ફટકારી હોય એવું 11 વર્ષે બન્યું છે. 2015માં એજબૅસ્ટનમાં ઇંગ્લૅન્ડના જૉની બેરસ્ટૉએ 106 રન અને 114 રન બનાવ્યા હતા. દિનુશા બે ટેસ્ટની શ્રેણીમાં ત્રણ સેન્ચુરી ફટકારનાર વિશ્વનો નવમો ખેલાડી બન્યો છે. તેણે ગૉલની પ્રથમ ટેસ્ટના પહેલા દાવમાં 100 રન કર્યા હતા.

દિનુશાની અજબ આંકડાબાજી 

સોનાલ દિનુશાએ ભારત સામે પૂરી થયેલી ટેસ્ટમાં ગજબની બૅટિંગ કરી. બન્ને ટીમના તમામ બૅટ્સમેનોમાં તેના 420 રન હાઇએસ્ટ હતા. દેવદત્ત પડિક્કલ 328 રન સાથે બીજા સ્થાને રહ્યો હતો. સિરીઝમાં તેની ત્રણ સેન્ચુરી પણ હાઇએસ્ટ હતી, કારણકે પડિક્કલ બે સેન્ચુરી સાથે બીજા નંબરે રહ્યો હતો. શ્રેણીમાં સૌથી વધુ આઠ છગ્ગા દિનુશાના નામે હતા. રિષભ પંત અને કામિન્ડુ મેન્ડિસ પાંચ-પાંચ સિક્સર સાથે બીજા સ્થાને હતા. સિરીઝમાં દિનુશાએ સૌથી વધુ 722 બૉલનો સામનો કર્યો હતો જે શ્રેણીના તમામ બૅટ્સમેનોમાં સૌથી વધુ હતા. દિનુશાની 140.00ની બૅટિંગ-ઍવરેજ સિરીઝમાં હાઇએસ્ટ હતી.

દિનુશાએ જૂન, 2025માં બાંગ્લાદેશ સામેની મૅચથી ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે નવ ટેસ્ટ-ઇનિંગ્સમાં 86.57ની સરેરાશે કુલ 606 રન કર્યા છે. તે 70 ફર્સ્ટ-ક્લાસ મૅચ રમ્યો છે, પણ હજી સુધી તેને વન-ડે કે ટી-20 મૅચ નથી રમવા મળી. દિનુશા જેન-ઝી છે અને તેનો જન્મ 2000ની સાલમાં કોલંબોમાં થયો હતો.