Wed Sep 02 2026

Logo

શ્રાવણી પૂનમે સોમનાથમાં શિવ-ચંદ્ર ભક્તિનો અદભુત સંગમ! નિહાળો દાદાનો 'ચંદ્ર દર્શન શૃંગાર'

2026-08-28 20:57:22
Author: Devayat Khatana
શ્રાવણી પૂનમે સોમનાથમાં શિવ-ચંદ્ર ભક્તિનો અદભુત સંગમ! નિહાળો દાદાનો 'ચંદ્ર દર્શન શૃંગાર'

(અમારા પ્રતિનિધિ તરફથી)

પ્રભાસ પાટણ: આજે શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંધનના પર્વની સમગ્ર દેશમાં ભારે ઉત્સાહભરી ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે આ પવિત્ર શ્રાવણ માસની પૂર્ણિમા નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને ભવ્ય ‘ચંદ્ર દર્શન શૃંગાર’ અર્પણ કરવામાં આવ્યો હતો. સોમનાથ એ જ પાવન ભૂમિ છે જ્યાં પ્રજાપતિ દક્ષના શાપથી ક્ષય રોગગ્રસ્ત થયેલા ચંદ્રદેવને ભગવાન શિવજીએ કૃપાદ્રષ્ટિથી મુક્તિ આપી હતી અને પોતાના મસ્તક પર ધારણ કરી અમૃતવર્ષા દ્વારા તેમનું તેજ પુનઃ સ્થાપિત કર્યું હતું. શિવજીની આ કૃપાથી ચંદ્રદેવ પ્રતિમાસ કૃષ્ણ પક્ષમાં ક્ષીણ થઈને પણ શુક્લ પક્ષમાં સોમનાથ મહાદેવની કૃપાથી ફરી પૂર્ણ તેજ પ્રાપ્ત કરે છે.

ભગવાન શિવજી પ્રત્યે ચંદ્રદેવની ભક્તિ અને કૃતજ્ઞતા દર્શાવતી પ્રતિકૃતિ શિવલિંગ પર કલાત્મક રીતે તૈયાર કરવામાં આવી હતી. આ શૃંગાર દર્શન દ્વારા ચંદ્રદેવની જેમ જ સમસ્ત ભક્તોના દુઃખ અને કષ્ટો દૂર થાય તેમજ સૌના જીવનમાં સુખ, શાંતિ અને શીતળતા પ્રસરે તેવી મંગલ કામના કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે સોમનાથ મહાદેવને શિવજીને પ્રિય માનવામાં આવતા અર્ક એટલેકે આંકડાના પુષ્પો તેમજ વિવિધ રંગના પુષ્પોનો શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. ભકતોને અર્ક અને વિવિધ રંગના પુષ્પોથી સુશોભિત શિવજીના સૌમ્ય સ્વરૂપના મનમોહક દર્શનનો લાભ મળ્યો હતો. 

સનાતન ધર્મમાં પ્રાચીન કાળથી મહાદેવને અર્ક પુષ્પની પૂજા કરવાનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે. શિવપુરાણ અનુસાર અર્ક પુષ્પને શિવજીની ઉપાસનાનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. અર્ક પુષ્પ સાથે ભગવાન શિવની પૂજા કરવાથી ભક્તની આધ્યાત્મિક પ્રગતિ થાય છે. તેમજ તેમના કર્મફળમાં સુધારો થાય છે, શિવ ઉપાસનામાં અર્ક પુષ્પ શ્રેષ્ઠ તત્વ હોવાનું વર્ણન સનાતન સંસ્કૃતિની પરંપરાઓમાં જોવા મળે છે. અર્ક પુષ્પ અલંકૃત ભગવાન શિવજીના દર્શન કરવાથી ભક્તોનો સંયમ વધે છે અને તેમને મહાદેવની અનુભૂતિ તરફ આગળ વધવામાં મદદ મળે છે.