Wed Jun 10 2026

Logo

વર્લ્ડ કપમાં ફરજ બજાવ્યા વગર રેફરી પાછા આવ્યા, સોમાલિયામાં શાનદાર સ્વાગત થયું!

Mogadishu   2026-06-10 15:32:00
Author: Ajay Motiwala
Article Image

મોગાદિશુ (સોમાલિયા): આફ્રિકાના સોમાલિયા દેશના ફૂટબૉલ રેફરી ઓમર આર્ટન ફિફા વર્લ્ડ કપમાં ફરજ બજાવવા માટે અમેરિકા (USA) ગયા હતા, પણ તેમને અમેરિકામાં પ્રવેશ ન મળ્યો અને તેઓ બુધવારે પાછા આવ્યા ત્યારે પાટનગર મોગાદિશુમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ફૂટબૉલપ્રેમીઓ અને અધિકારીઓએ તેમનું ઍરપોર્ટ પર સ્વાગત કર્યું હતું.

ફિફાએ રેફરીઓની અંતિમ યાદીમાં ઓમર આર્ટનનું નામ લખ્યું હતું અને તેઓ વર્લ્ડ કપમાં રેફરી (Referee) તરીકેની ફરજ બજાવનાર સોમાલિયાના પ્રથમ રેફરી બનવાના હતા, પણ માયામી ઍરપોર્ટ પર શનિવારે તેમને રોકવામાં આવ્યા હતા.

સોમાલિયાના રેફરીને અમુક પ્રકારની તપાસના મુદ્દે અમેરિકામાં પ્રવેશ નહોતો મળ્યો. પછીથી ફિફાએ રેફરીઓના લિસ્ટમાંથી તેમનું નામ કાઢી નાખ્યું હતું.

સોમાલિયાના રેફરી ઓમર આફ્રિકા ખંડના દેશોના ટોચના રેફરીઓમાં ગણાય છે. અમેરિકાના કસ્ટમ્સ ઍન્ડ બોર્ડર પ્રૉટેક્શન વિભાગના અધિકારીઓના મતે ઓમર આર્ટનના સંબંધો આતંકવાદી જૂથોના અમુક મેમ્બર્સ સાથે હોવાની શંકા છે એટલે તેમને અમેરિકામાં પ્રવેશ નહોતો અપાયો. જોકે ઓમરે પાછા આવ્યા બાદ ચાહકોને કહ્યું, `મારું તમને વચન છે...ઈશ્વરનું નામ લઈને કહું છું કે આવતા વર્લ્ડ કપમાં હું તમને રેફરી તરીકે જરૂર જોવા મળીશ.'