Wed Jun 10 2026

Logo

ઑસ્ટ્રેલિયાનો ક્રિકેટર માઇકલ ક્લાર્ક હરિયાણાના મુખ્ય પ્રધાનને શુંકામ મળ્યો?

2026-06-09 19:53:56
Article Image

ચંડીગઢઃ ઑસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ ક્રિકેટ-કૅપ્ટન માઇકલ ક્લાર્ક મંગળવારે અહીં હરિયાણાના મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈની (Saini)ને તેમના નિવાસસ્થાને મળ્યો હતો. ક્લાર્કે તેમની સાથે રાજ્યમાં ક્રિકેટના વિકાસ વિશે તેમ જ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ખેલકૂદ ક્ષેત્રે સંબંધો કેવી રીતે વધુ મજબૂત બનાવી શકાય એ વિશે ચર્ચા કરી હતી. સરકારી નિવેદન મુજબ માઇકલ ક્લાર્ક (Michael Clarke) હરિયાણામાં ક્રિકેટ ઍકેડેમી સ્થાપવા માટેની શક્યતાઓ ચકાસવા ખૂબ આતુર છે.

હરિયાણાના સીએમને મળ્યા બાદ માઇકલ ક્લાર્કે બન્ને દેશ વચ્ચેના ખેલકૂદને લગતા સંબંધો પર ખાસ ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે `હરિયાણાએ ખેલજગતને ઘણા અસાધારણ ઍથ્લીટો આપ્યા છે અને આ રાજ્યમાં રમતગમતને લગતી ટૅલન્ટની કોઈ જ તંગી નથી. આવનારા વર્ષોમાં આ રાજ્ય વધુ ટૅલન્ટેડ ક્રિકેટરો તથા ઍથ્લીટો આપી શકે એમ છે.'

45 વર્ષીય ક્લાર્કે મુખ્ય પ્રધાન સૈનીને એવું પણ કહ્યું હતું કે `હું યુવાન ઑસ્ટ્રેલિયન ખેલાડીઓને (તાલીમ માટે અને મૅચો રમવા માટે) ભારત લાવું છું એવી રીતે ભારતના યુવા ખેલાડીઓ ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ કરે એ માટેની તકો હું ઊભી કરવા માગું છું. આવું કરવાથી ખેલાડીઓને અરસપરસના હવામાનમાં રમવાનો લાભ મળે તેમ જ તેમને મહત્ત્વનો આંતરરાષ્ટ્રીય અનુભવ પણ મળે.'

ઑસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ ક્લાર્ક હરિયાણાના મુખ્ય પ્રધાન સૈની સાથે ક્રિકેટ પણ રમ્યો હતો. ક્લાર્ક ખાસ તો ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સોમવારે પૂરી થયેલી એકમાત્ર ટેસ્ટમાં કૉમેન્ટરી આપવા ભારત આવ્યો છે.