બેંગ્લૂરુ: શનિવાર 13મી જૂને ધરમશાલામાં અફઘાનિસ્તાન સામે શરૂ થઈ રહેલી ત્રણ મૅચની વન-ડે સિરીઝમાં રમવા માટે હાર્દિક પંડ્યા ફિટ છે એવી જાહેરાત થયાને માંડ 24 કલાક પણ નથી થયા ત્યાં ન્યૂઝ મળ્યા છે કે તે આ સિરીઝમાં નહીં રમી શકે.
હાર્દિકને પીઠમાં દુખાવો હતો, પરંતુ તે આ શ્રેણીમાં રમવા માટે ફિટ છે એવું સર્ટિફિકેટ તેને બેંગ્લૂરુની સેન્ટર ઓફ એક્સેલન્સ (સીઓઇ)ની મેડિકલ ટીમ આપવાની તૈયારીમાં જ હતું ત્યાં ખબર પડી કે હાર્દિક (Hardik)ને પગ અસહ્ય દુખે છે.
હાર્દિકે સીઓઇમાં પ્રેક્ટિસ દરમિયાન વન-ડે મૅચ માટે જરૂરી 10 ઓવરના ફુલ ક્વોટા માટે પ્રયત્ન કર્યો હતો. કહેવાય છે કે એમાં તે સફળ થયો હતો, પરંતુ કદાચ એ પ્રેક્ટિસને લીધે તેને પગ (Quadriceps)માં અસહ્ય દુખાવો શરૂ થયો હતો.
મેડિકલ ટીમે તેને ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયા આરામ કરવાની સલાહ આપી છે જેને લીધે તે અફઘાનિસ્તાન સામેની વન-ડે સિરીઝમાં નહીં રમે.
વિરાટની જગ્યાએ યશસ્વી રમશે
વિરાટ કોહલી તાજેતરની આઈપીએલમાં થયેલી ઇજાને લીધે અફઘાનિસ્તાન સામેની વન-ડે સિરીઝમાં નથી રમવાનો. તેના સ્થાને રમવા માટે યશસ્વી જયસ્વાલને વન-ડે સ્કવોડમાં સામેલ કરવામાં આવ્યો છે.