Wed Jun 10 2026

Logo

નાઇટક્લબમાં ઇંગ્લૅન્ડના બે ક્રિકેટરોનો રગ્બી પ્લેયર સાથે ઝઘડો, વાત મારામારી સુધી પહોંચી ગઈ!: જાણો શું બન્યું

London   2026-06-09 21:15:00
Author: Ajay Motiwala
Article Image

લંડનઃ ઇંગ્લૅન્ડે રવિવારે લૉર્ડ્સમાં ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટ જીતી લીધી ત્યાર બાદ ચેલ્સી નાઇટક્લબ (Nightclub)માં તકરારની એક ઘટના બની હતી જેમાં ઇંગ્લૅન્ડનો કૅપ્ટન બેન સ્ટૉક્સ (Stokes) તથા બોલર ગસ ઍટકિન્સન સામેલ હતા અને તેમનો એક ઍકેડેમીના રગ્બી પ્લેયર સાથે ઝઘડો થયો હતો જેમાં રગ્બી (Rugby) ખેલાડીએ મુક્કો માર્યો હતો.

સ્ટૉક્સ અને ઍટક્નિસન ઉપરાંત પણ બીજા કેટલાક બ્રિટિશ ક્રિકેટરો આ ક્લબમાં ગયા હતા. જોકે સ્ટૉક્સ અને ઍટકિન્સન મોડે સુધી રોકાયા હતા અને સોમવારે પરોઢિયે રગ્બી ખેલાડી સાથે તેમનો ઝઘડો થયો હતો. એવું કહેવાય છે કે રગ્બી પ્લેયરે ઍટક્નિસનને મારવા મુક્કો ઉગામ્યો હતો, પરંતુ તેને બદલે નજીકમાં ઊભેલા ક્રિકેટરોના સલામતી રક્ષકને વાગ્યો હતો. એ સિક્યૉરિટી ગાર્ડને ઈજા થઈ હતી અને તેણે ટાંકા લેવા પડ્યા હતા.


જોકે કહેવાય છે કે સ્ટૉક્સ કે ઍટકિન્સનને કોઈ જ ઈજા નહોતી થઈ. જોકે રગ્બી પ્લેયરે બીજો મુક્કો પણ ઉગામ્યો હતો કે નહીં એ વિશે કંઈ જાણ નહોતી અને ક્લબના સંચાલકોએ પોલીસને પણ નહોતી બોલાવી એટલે કોઈની ધરપકડ થઈ હોવાના પણ સમાચાર નહોતા.

રગ્બીની ઍકેડેમી અનુસાર એના રગ્બી ખેલાડીને લીધે જ ઝઘડો થયો હતો અને બન્ને ક્રિકેટરનો કોઈ વાંક નહોતો એટલે તેમને કોઈ સજા ન થવી જોઈએ. જોકે ઇંગ્લૅન્ડના ક્રિકેટ બોર્ડને વાંધો એ છે કે સ્ટૉક્સ અને ઍટકિન્સન ટીમનો પ્રૉટોકૉલ તોડીને મોડે સુધી ક્લબમાં રોકાયા શા માટે? 

કહેવાય છે કે આખી ઘટનાની તપાસ થઈ રહી હોવાથી ન્યૂ ઝીલૅન્ડ સામે 17મી જૂને શરૂ થનારી બીજી ટેસ્ટમાં બેન સ્ટૉક્સને કદાચ નહીં રમવા મળે અને તેની ગેરહાજરીમાં હૅરી બ્રૂક કૅપ્ટન્સી સંભાળશે. ઍટકિન્સન પણ કદાચ નહીં રમી શકે.