મુંબઈ: ઘણા સમયથી અટકેલા શ્રી સિદ્ધિવિનાયક મંદિર કોરિડોરના ભૂમિપૂજનનો માર્ગ આખરે મોકળો થયો છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ઉપસ્થિતિમાં ૨૫ મેના રોજ આ કોરિડોરનો શુભારંભ કરવામાં આવશે. આ પ્રોજેક્ટના કારણે મંદિર પરિસરમાં ટ્રાફિક, ભક્તોની ભીડ અને સુવિધાઓનું સંચાલન વધુ સુવ્યવસ્થિત થશે, એવી માહિતી મંદિરના ટ્રેઝરર આચાર્ય પવન ત્રિપાઠીએ આપી હતી.
મંદિર પરિસરમાં દરરોજ થતી હજારો ભક્તોની ભીડ, ટ્રાફિકની સમસ્યા અને સુવિધાઓનું સંચાલન વધુ સુવ્યવસ્થિત કરવા માટે આ કોરિડોર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ રસ્તાઓનું સુશોભન, ફૂટપાથનો વિકાસ, અંડરગ્રાઉન્ડ પાર્કિંગ, ભક્તો માટે પ્રતીક્ષા વ્યવસ્થા અને આધુનિક સુરક્ષા વ્યવસ્થા તૈયાર કરાશે. આ બધું મંદિરના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને જાળવીને કરવામાં આવશે.
આ પ્રોજેક્ટનો અંદાજિત કુલ ખર્ચ રૂ. ૪૭૦થી ૫०० કરોડ વચ્ચે છે. કામના પ્રથમ તબક્કા માટે લગભગ રૂ. ૭૮ થી રૂ. ૯૩ કરોડના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. આ કોરિડોર પણ ઉજ્જૈન કોરિડોર જેવો જ બનાવવામાં આવશે.
પ્રભાદેવી ખાતે શ્રી સિદ્ધિવિનાયકના દર્શનાર્થે ભક્તોની વધતી ભીડ અને આ વિસ્તારમાં મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને, બેસ્ટ વહીવટીતંત્રએ શનિવારથી ૨૦ થી ૨૨ મિનિટના અંતરાલ પર નવી એર-કન્ડિશન્ડ બસો ચલાવશે.
ભક્તો અને મુસાફરોની સુવિધા માટે, બેસ્ટ પહેલ દાદર સ્ટેશન પશ્ચિમ અને સિદ્ધિવિનાયક મંદિર (પ્રભાદેવી) વચ્ચે 'શ્રી સિદ્ધિવિનાયક ફેરી એ- ૮૧૪ નામનો નવો એર-કન્ડિશન્ડ સર્કુલર બસ રૂટ શનિવાર, ૨૩ મેથી શરૂ કરશે.