કોલંબોઃ શ્રીલંકામાં 15મી ઑગસ્ટે પ્રથમ ટેસ્ટ શરૂ થાય એ પહેલાં જ કૅપ્ટન શુભમન ગિલની હાથની આંગળીની ઈજાએ ટીમ ઇન્ડિયાને ચિંતામાં મૂકી દીધી હતી, પણ હવે એ ઈજા લગભગ દૂર થઈ ગઈ છે અને રવિવારે તેણે કોલંબોમાં શ્રીલંકા ક્રિકેટ ઇલેવન સામેની ત્રણ-દિવસીય વૉર્મ-અપ મૅચના છેલ્લાં દિવસે સેકન્ડ ઇનિંગ્સમાં બૅટિંગ કરી હતી. સામાન્ય રીતે તે ટેસ્ટમાં ચોથા નંબરે બૅટિંગ કરે છે, પણ રવિવારે તે ઓપનિંગમાં રમ્યો હતો.
ગિલને આ મૅચની અગાઉના દિવસે પ્રૅક્ટિસ દરમ્યાન હાથની રિંગ ફિંગરમાં ઈજા (Injury) થઈ હતી જેને કારણે તેણે પ્રથમ દિવસે બૅટિંગ નહોતી કરી. જોકે રવિવારે તે 207 રનના લક્ષ્યાંકને લક્ષમાં રાખીને ઓપનિંગમાં યશસ્વી જયસ્વાલ સાથે દૃઢતાપૂર્વક બૅટિંગ કરવા મેદાન પર ઊતર્યો એ સાથે ટીમના ખેલાડીઓને નિરાંત થઈ હતી. શુભમન ગિલે 53 બૉલમાં સાત ચોગ્ગાની મદદથી 44 રન બનાવ્યા હતા અને 54મા બૉલ પર કૅચઆઉટ થયો હતો. તે મેદાન પર ઊતર્યો હતો એ સાથે જ નક્કી થઈ ગયું હતું કે તે હવે ફિટ છે અને શનિવારે શરૂ થનારી પ્રથમ ટેસ્ટમાં તે રમશે. આ વૉર્મ-અપ મૅચમાં તેની ગેરહાજરીમાં કે. એલ. રાહુલે નેતૃત્વની જવાબદારી સંભાળી હતી. રવિવારે બૅટિંગ કરતાં પહેલાં તેણે નેટમાં ઘણી પ્રૅક્ટિસ કરી હતી.
Captain Shubman Gill is back! After the practice injury scare, Shubman Gill is scoring runs again on Day 3 against SL XI.
— Dailydose of Sports (@suuuuspeed) August 9, 2026
Those classic cover drives made my day! Great to see him fully fit and playing well. 🇮🇳 pic.twitter.com/OS0y7UhFzb
યશસ્વીના શૂન્ય પછી ધમાકેદાર 61 રન
લેફ્ટ-હૅન્ડ ઓપનર યશસ્વી જયસ્વાલ શનિવારે વૉર્મ-અપ મૅચના પ્રથમ દાવમાં બીજા જ બૉલ પર શૂન્યમાં આઉટ થઈ ગયો એટલે સોશ્યલ મીડિયામાં તેની આ નિષ્ફળતા ખૂબ ચર્ચાસ્પદ થઈ હતી. અગાઉ તે શ્રીલંકામાં માત્ર પલ્લેકેલમાં રમ્યો હતો, પરંતુ કોલંબોમાં પ્રથમ પ્રવાસમાં જ તેણે ઝીરો સાથે ખાતું ખોલાવ્યું હતું. જોકે રવિવારે બીજા દાવમાં તેણે અસલ મિજાજમાં બૅટિંગ કરી હતી અને 46 બૉલમાં બે સિક્સર અને નવ ફોરની મદદથી 61 રન બનાવ્યા હતા. તેની અને ગિલ (Gill) વચ્ચે પ્રથમ વિકેટ માટે 105 રનની ભાગીદારી થઈ હતી.
શ્રીલંકા ઇલેવને પ્રથમ દાવમાં 8/363ના સ્કોર પર દાવ ડિક્લેર કર્યો ત્યાર બાદ ભારતે દેવદત્ત પડિક્કલ (142 અણનમ), રવીન્દ્ર જાડેજા (63 રન રિટાયર્ડ આઉટ), માનવ સુથાર (41 રન), કે. એલ. રાહુલ (40 રન), ગુરનૂર બ્રાર (36 અણનમ) અને સારાંશ જૈન (બાવીસ રન રિટાયર્ડ આઉટ)ના યોગદાનોની મદદથી 6/357ના સ્કોર પર દાવ સમાપ્ત જાહેર કર્યો હતો. બીજા દાવમાં શ્રીલંકા ઇલેવને 6/200 ડિક્લેર્ડના સ્કોર સાથે ભારતને જીતવા 207 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આ મૅચમાં ભારત વતી રવીન્દ્ર જાડેજાએ સૌથી વધુ ચાર વિકેટ અને ફાસ્ટ બોલર ગુરનૂર બ્રારે ત્રણ વિકેટ લીધી.