Tue Jun 30 2026

Logo

ઉદ્ધવના ખાસ સચિન આહિરે પણ સાથ છોડ્યો, એકનાથ શિંદેસાથે જોડાતાં જ શાનું ભર્યું ફોર્મ ?

2026-06-30 14:42:39
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ:  શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. UBTના વિધાન પરિષદના સભ્ય (MLC) સચિન અહીર મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં જોડાઈ ગયા છે. તેમણે વિધાન પરિષદમાં ડેપ્યુટી સ્પીકર (ઉપસભાપતિ) પદ માટે ઉમેદવારી પત્ર પણ ભરી દીધું છે.

વરલી વિધાનસભા બેઠક પરથી આદિત્ય ઠાકરેની જીતમાં સચિન અહીરની ભૂમિકા ખૂબ જ મહત્વની માનવામાં આવતી હતી. મુંબઈના રાજકારણમાં તેઓ ઉદ્ધવ ઠાકરેના સૌથી ખાસ અને વિશ્વાસુ નેતા ગણાતા હતા. અત્યાર સુધી મહારાષ્ટ્ર વિધાન પરિષદના ઉપસભાપતિ તરીકે નીલમ ગોરહે કાર્યરત હતા. તેમનો કાર્યકાળ પૂરો થયા બાદ હવે શિવસેનાએ સચિન અહીરનું નામાંકન દાખલ કરાવ્યું છે.

મજૂર નેતાથી ડેપ્યુટી સ્પીકર સુધીની સફર!

54 વર્ષના સચિન અહીરે વર્ષ 1993માં 'રાષ્ટ્રીય મિલ મજદૂર સંઘ' સાથે પોતાના કામની શરૂઆત કરી હતી. સેક્રેટરી (મંત્રી) પદ પર રહ્યા બાદ તેઓ આ સંઘના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. ત્યાર પછી, સચિન અહીર 1996થી 'મહારાષ્ટ્ર રાજ્ય રાષ્ટ્રીય કામગાર સંઘ'ના પણ વડા રહ્યા છે. તેમણે મઝગાંવ ડોક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા યુનિયન વગેરેનું પણ નેતૃત્વ કર્યું હતું. તેમણે આ તમામ ઉદ્યોગોમાં મજૂરોના પગાર વધારાના કરારો કરાવીને મજૂર આંદોલનને પણ પ્રભાવિત કર્યું હતું, જેનાથી તેઓ લાઇમલાઇટમાં આવ્યા.

કોણ છે સચિન અહીર?

21 માર્ચ, 1972ના રોજ જન્મેલા સચિન અહીર મુંબઈમાં દહીં હાંડી ઉત્સવના આયોજન માટે જાણીતા છે. તેઓ પોતાની પત્ની સાથે મળીને 'શ્રી સંકલ્પ પ્રતિષ્ઠાન' નામની સંસ્થા ચલાવે છે. આ સંસ્થા આખા વરલી વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય છે. સચિન અહીર અત્યારે મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય (MLC) છે. આ પહેલાં તેઓ ત્રણ વખત ધારાસભ્ય (MLA) તરીકેની ચૂંટણી પણ જીતી ચૂક્યા છે.