Thu Jun 25 2026

Logo

શરદ જોશી સ્પીકિંગ: આ બધા છે ભ્રષ્ટાચારના ટાપુ...!!

2026-05-27 16:02:38
Author: સંજય છેલ
Article Image

આપણા નેતાઓ બૂમ પાડી પાડીને કહે છે: પ્રગતિ કરો!   
પ્રગતિ કરવી સૌ માટે સૌથી વધારે મહત્ત્વનું છે. જે પણ જ્યાં છે અને જેવી હાલતમાં છે ત્યાંથી પ્રગતિ કરે. આ દેશમાં સિદ્ધાંતોને તો છોડો, પણ ભ્રષ્ટાચાર, દંભ, ગરીબી, જીવવા લાયક ના બચ્યા હોય ત્યારે પણ પ્રગતિ કરો જ. બાકીનું કામ આપણી સરકાર પર છોડી દો. તમે તમારી પ્રગતિ કરવામાં વ્યસ્ત હશો તે કારણથી જે જે કામ બાકી રહી ગયાં છે એ સરકાર કરી નાખશે. સતત પ્રગતિ એ મોડર્ન માણસનો ચસ્કો છે. 

પોતાને નોકરી મળતાં જ એના માટે દેશની અડધી બેરોજગારીની સમસ્યાનો અંત આવી જાય છે. બાકી અડધી રહી ગયેલી બેરોજગારીની સમસ્યાનો અંત નાના ભાઈને નોકરી મળતાં એ પણ પૂરી થઈ જાય છે. આપણું મકાન બની જાય એટલે આપણા માટે તરત જ દેશમાં રહેઠાણની પોણા ભાગની સમસ્યા પૂરી થઈ જાય છે. બાકીની પા ભાગની સમસ્યા મકાનનો ઉપરનો માળ બંધાય એટલે એ પણ પૂરી થઈ જાય છે. પ્રગતિ કર્યા વગર સમસ્યાઓ પૂરી થશે નહીં. 

દેશમાં બેરોજગારી છે. તમે નોકરી શોધો છો. નોકરી લાંચ આપવાથી મળે છે તો લાંચ આપો અને પ્રગતિ કરો! નોકરી મળવી દેશની રોજગારીની પ્રગતિ છે, આપણો અંગત લાભ, આપણું સુખી જીવન એ દેશની પ્રગતિ છે. મારું પીએચ.ડી.નું ભણતર એ શિક્ષાની પ્રગતિ છે. મારુંં કારખાનું એ ઉદ્યોગ જગતની પ્રગતિ છે.

વરસોથી લોકો બૂમ પાડીને કહે છે કે ભ્રષ્ટાચાર ના થવો જોઈએ. જે દિવસે આપણે ટે્રનમાં મુસાફરી કરતા હોઈએ, એ દિવસે એકસ્ટ્રા સીટ આપવાવાળા ટીસીએ વધારે પૈસા ન ખાવા જોઈએ. જે દિવસે આપણે પોલીસ સ્ટેશનમાં જઈએ તે દિવસે પોલીસ અધિકારીએ આપણી પાસેથી લાંચ ના લેવી જોઈએ. જ્યારે સરકારી ઑફિસે જઈએ ત્યારે ત્યાં ભ્રષ્ટાચાર નહીં જ હોય એમ ધારીએ છીએ. 

દરેક માણસ જ્યાં એ ફસાયેલો છે ત્યાં ભ્રષ્ટાચાર વગરનો એક સુરક્ષિત ટાપુ ઇચ્છે છે, પણ આર.ટી.ઓ.ની ઑફિસ જેવી ચાલે છે એમ ચાલતી રહે, પણ જ્યારે આપણે આપણી ગાડી કે ટ્રક લઈને જઈએ તો આપણે ખવડાવવું-પીવડાવવું ના પડે. આપણી ફૅક્ટરીનો માલ, રાજ્યની બહાર ચેકનાકેથી નીકળી જાય એટલે સ્મગલિંગ આપણા માટે ખતમ થઈ જાય. બાકી સ્મગલિંગ તો ખરાબ વસ્તુ છે જને?

આમ છતાં  ઘણા લોકો આનાથી એકદમ ઊંધું ચાહે છે. તે  બધા  ઇચ્છે છે કે આખા દેશમાં ભ્રષ્ટાચાર ન થાય, પણ ખાલી એ જગ્યાને છોડીને જ્યાં તેમનું પોતાનું કામ પડે છે. આર.ટી.ઓ., જાહેર બાંધકામ વિભાગ, આરોગ્ય વિભાગ,જ્યાં એમને કંઈક કામ હોય અને જો એ કામ થતું હોય તો ત્યાંના ઑફિસર લાંચ લઈ એમનું કામ કરી આપે, જેથી સમયનો બચાવ થાય અને પ્રામાણિકતાના અઘરા રસ્તા પર ચાલવું ન પડે!

જોકે સાથોસાથ તે એમ પણ ઇચ્છે છે કે યુનિવર્સિટી, રાજકીય પક્ષો અથવા અદાલતોમાં ભ્રષ્ટાચાર ન થાય.

અત્યારે આખા દેશમાં પ્રગતિની હવા ચાલે છે. નેતાઓનો પણ આ જ સંદેશ છે. દરેક મુશ્કેલીનો સામનો કરીને, એનો ઉપાય શોધો અને આગળ વધો. સામે ઊભેલો આરોગ્ય વિભાગનો ક્લાર્ક દવાઓ આપ્યા વગર જે બિલ બનેલાં છે એના પર ધ્યાન નથી આપી રહ્યો. હાય, હાય! પ્રગતિના માર્ગમાં આ કેવી અડચણ? આને લાંચ આપી એક બાજુ પર ખસેડો, જેથી વ્યક્તિગત આર્થિક પ્રગતિનો રથ આગળ વધે.

ચોકમાં થતી રાતની સભામાં નેતા બરાડા પાડીને કહે છે કે દેશમાં ફેલાયેલો ભ્રષ્ટાચાર ખતમ થવો જોઈએ... આ એમની પ્રામાણિક ઇચ્છા છે, એમના પક્ષની જાહેર ઘોષણા છે અને સંકલ્પ છે કે ભ્રષ્ટાચાર ખતમ થવો જોઈએ, પણ સાથે સાથે એમના પક્ષે રાજકીય પ્રગતિ કરવાની છે. પ્રભાવ વધારવાનો છે, ચૂંટણી જીતવાની છે એટલે બે નંબરની કમાણીના પૈસા સ્વીકારે છે.

રેલવેમાં ભ્રષ્ટાચાર ચાલતો રહે, જેથી પચાસ રૂપિયા આપીને મને એક સીટ મળતી રહે! શિક્ષણમાં ભ્રષ્ટાચાર બની રહે, જેનાથી મારા છોકરાને ઍડ્મિશન મળી જાય. મ્યુનિસિપાલિટીમાં ભ્રષ્ટાચાર છે, જેથી પ્લૉટનો નકશો પાસ કરાવવાવાળાઓ માટે કેટલી ખુશીની વાત છે! અને સાથે સાથે આ બધા એ જ નારાજ લોકો છે જે ઇચ્છે છે કે દેશમાં ભ્રષ્ટાચાર ના હોય. પવિત્ર લહેરોના સાગરમાં એ બધા એક ટાપુ બનાવી રહ્યા છે જ્યાં તે ભ્રષ્ટાચાર કરી પોતાની પ્રગતિ કરી શકે. કેટલાંય વર્ષોથી આવા ટાપુઓ બનાવવાના ખાનગી પ્રયાસોથી હવે એક વિશાળ જગ્યા બની ગઈ છે. કોઈ જગ્યા બાકી નથી રહી. કેમ રહે? જ્યારે બધાએ પ્રગતિ કરવી છે તો કેમ જગ્યા બાકી રહે?