સંજય છેલ
સમાજવાદ બહુ મોંઘો પડી રહ્યો છે. થોડા સમય પહેલા સ્થિતિ થોડી સારી હતી. સરકાર કેહતા હતા કે અમારી પાસે બધી વસ્તુઓનો પૂરતા પ્રમાણમાં જથ્થો છે અને જ્યારે જરૂર પડશે ત્યારે અમે એને બજારમાં રિલીઝ કરીશું. બજારમાં એક જાતની ઉદારતા હતી. કોઈ પણ નાના મોટા દુકાનદાર પાસે સમાજવાદ માગો, તો એ તોલી આપતો. સમાજવાદ નાના-મોટા એમ દરેક પેકેટમાં ઉપલબ્ધ હતો.
દેશમાં વપરાશ વધારે નહોતો, પણ ઉત્પાદન વધારે થઈ રહ્યું હતું. મંત્રીજી કહેતા હતા કે આપણે માત્ર સમાજવાદમાં આત્મનિર્ભર નથી બન્યા, પરંતુ ટૂંક સમયમાં નિકાસ પણ કરવા માંડીશું. મંત્રીજીના નિવેદનોથી ઉત્સાહ જળવાઈ રહેતો હતો. વેપારી ગભરાતો હતો અને મંદીનું વાતાવરણ પણ નહોતું. પછી અચાનક પરિસ્થિતિ બગડવા માંડી.
આજે એવી હાલત છે કે શોધવાથી પણ સમાજવાદ નથી મળતો. દિલ્હી, જે ઉત્પાદન અને વિતરણનું સૌથી મોટું કેન્દ્ર છે ત્યાં મૌન છવાયેલું છે. કોઈ સમાજવાદની માંગણી કરે છે તો એને મોંઘવારીના પડીકા મળે છે.
મેં એક સજ્જન માણસ સાથે વાત કરી. થોડા સમય પહેલા એ અમારા શહેરમાં સમાજવાદના મુખ્ય વિતરણકર્તા હતા. એમણે કહ્યું, ‘શુદ્ધ સમાજવાદનો વિચાર છોડી દો. એ તમને ક્યાંય નહીં મળે. જે વસ્તુ બજારમાં નથી, એના માટે કેમ ચિંતિત થાવ છો.?’
મેં કહ્યું, ‘હું શુદ્ધની વાત નથી કરતો. હું આપણા દેશના ઉત્પાદન વિશે પૂછી રહ્યો છું, જેમાં થોડો મૂડીવાદ, મોંઘવારી, અમેરિકાની મદદ વગેરે મળી રહે છે.’ એ સજ્જન હસવા માંડ્યા. પછી મને સ્કેન નજરથી તપાસ્યો કે હું રહસ્ય જણાવવા યોગ્ય છું કે નહીં! એ સજ્જને મને કહ્યું, ‘સરકારે બધો સમાજવાદ સંગ્રહ કરી લીધો છે.’
‘કેમ?’, મેં પૂછ્યું.
એમણે હસતાં હસતાં આંખ મારી કહ્યું, ‘ચૂંટણીના વખતે બહાર પાડવા.’
મારા એક મિત્ર જે અર્થશાસ્ત્ર વગેરે પર લેખ લખે છે એમનું બીજું જ કંઈ કહેવું છે. એ કહે છે કે દેશમાં કાગળની અછતના કારણે સમાજવાદના ઉત્પાદનમાં બહુ મોટી નુકસાની થઈ છે, કારણ કે આખરમાં બધો સમાજવાદ કાગળ પર જ તો ચાલે છે. કાગળની અછત પડી એટલે બધું ઉત્પાદન ઠપ્પ થઈ ગયું. પરિસ્થિતિ બરાબર થાય એટલે પાછો સમાજવાદ બજારમાં આવી જશે.
મોંઘવારીએ બધાને મારી નાખ્યા છે. ભાવ વધતા રહે છે અને માણસ ઘટતો જાય છે. સરકારની એક આદત સારી છે કે જ્યારે ટેક્સ લગાડે છે ત્યારે સામાન્ય માણસનું બહુ ધ્યાન રાખે છે. સામાન્ય માણસનું ધ્યાન પહેલા ખાલી સાહિત્યમાં રખાતું હતું, આજકાલ બજેટમાં પણ રાખવામાં આવે છે. હું તો બજેટના આ સાહિત્યિક સ્વભાવનો ચાહક છું. ટેક્સ સામાન્ય માણસ પર નથી લાગતો, મોટા માણસો પર લાગે છે.
ખર્ચ વધતા જોઈ મોટા માણસો ઉત્પાદનનો ભાવ વધારી નાખે છે, જેને સામાન્ય માણસ ચૂકવે છે! આ રીતે સામાન્ય માણસ વધારે સામાન્ય થઈ જાય છે એટલે સરકાર 100 ટકા સમાજવાદી લાગે છે. આમાં મૂડીવાદ બદનામ થઈ જાય છે, જે એની નિયતિ છે. આખરમાં બધા સુખ તો મળવાથી રહ્યા.
થોડી બદનામી થઈને જો ફાયદો થતો હોય તો મૂડીવાદને એ સ્વીકાર છે.
આ રીતે દેશ ત્રણેય દિશામાં એકસાથે આગળ વધે છે- સમાજવાદ, મૂડીવાદ અને ગરીબી. જેમ ભાવ વધતા જાય છે એટલે સમાજવાદ મજબૂત થાય અને સમાજવાદ મજબૂત થાય એટલે વેપારી વધારે ખુશ રહે છે! મીઠું, ખાંડ, અનાજ, કેરોસીન, સાબુ વગેરે બધાની લાઈન લાગી ગઈ છે. આખો દેશ શિસ્તબદ્ધ થઈ ગયો છે. સમાજમાં એકતા આવી ગઈ છે. નાના-મોટા ઝઘડાઓ ખતમ થઈ ગયા છે. ‘અનેકતામાં એકતા’વાળો જે જૂનો ભારતીય ગુણ છે, તેનો અભાવ આ વખતે ખીલી ઊઠ્યો છે. આખો દેશ ગાળ આપી રહ્યો છે. બધાં જ રડી રહ્યા છે એટલે રાજ્યોમાં પરસ્પર ઈર્ષા રહી નથી. આ બહુ મોટી વાત છે.
આજે ભાવ વધી રહ્યા છે એટલે એકતા હોવી બહુ મોટી વાત છે. આશા છે કે કાલે આખો દેશ આગળ વધશે. અથવા એવું પણ હોય કે દેશ પહેલા આગળ વધી ગયો હોય અને ભાવ હવે વધી રહ્યા છે.
સામાન્ય માણસની ચામાં ખાંડ ઘટી રહી છે, દાળમાં મીઠું ઓછું થઈ રહ્યું છે, છાપાનાં પાનાં ઓછા થઈ રહ્યા છે, કોઈના રસોડામાંથી ડાલડા ઘી ગાયબ છે તો કોઈના બાથરૂમમાંથી સાબુ ગાયબ છે. બધી જગ્યા પરથી સમાજવાદની રાહ જોવી પડે છે.
લાઈનમાં ઊભેલા માણસને સરકારનું દુ:ખ પરેશાન કરે છે, જે તકલીફમાં છે. અછત, હડતાલ, ઉત્પાદન ઘટાડાથી સરકારને નુકસાન થઈ રહ્યું છે. સામાન્ય માણસની જેમ સરકાર પણ પોતાનો ખર્ચ ઉપાડી શકતી નથી. સમાજવાદ લાવવાની વાત તો બાજુ પર રહી, સરકારી ઓફિસોનો ખર્ચ પણ કાઢી શકતી નથી. સરકાર ટેક્સ લગાડે છે, જેથી પૈસા સરકારી તિજોરીમાં આવે. સામાન્ય માણસ ટેક્સનું વજન ઉપાડે છે અને વજન વધવાથી હડતાલ કરે છે. જો સામાન્ય માણસ ખરીદી ઓછી કરે તો સરકારને નુકસાન થાય અને સરકાર દેશને ચલાવવાનો ખર્ચ કાઢી શકે નહીં, એટલે સરકાર વધારે ટેક્સ લગાડે.
સરકાર આ બધું જનતા પ્રત્યેની હાર્દિક સહાનુભૂતિના કારણે કરી રહી છે. સહાનુભૂતિ, ટેક્સ, ભાવ વધારો આ એક રાષ્ટ્રીય ચક્કર છે, જે ચાલતું રહે છે. સામાન્ય માણસ ગોળ ગોળ ફરી રહ્યો છે. લાગે છે આજકાલ પૃથ્વીએ ગોળ ફરવાનું બંધ કરી દીધું છે એટલે માણસ ગોળ ફરી રહ્યો છે.
મેં એક માણસને પૂછ્યું, ‘સમાજવાદ ઇચ્છો છો?’
‘ક્યાંકથી ઘઉંની બે ગુણીની વ્યવસ્થા કરી આપો.’ એ માણસે કહ્યું.
‘શું તને સામાજિક ન્યાયની જરૂરિયાત નથી લાગતી?’
‘ત્રણ લિટર કેરોસીનથી શું થશે?’ એણે પૂછયું
‘તને ખબર છે, સમાજવાદ આવવાનો છે!’
‘સાંભળ્યું છે કે આવતા બે મહિનામાં ખાંડની અછત વધશે.’ એ માણસે કહ્યું.
એ માણસ સાથે વાતચીત કરવી અસંભવ હતી. ‘ભૂખ કે મારે બિરહા બિસર જાએ, કજરી કરીબ લોગ ભૂલ જાએ’, સમજમાં આવે, પણ અછત અને મોંઘવારીમાં સમાજવાદને ભૂલી જવાય, આની કલ્પના તો માર્ક્સને પણ નહીં હોય.
સતત વધતી જતી મોંઘવારી, વસ્તુની અછત અને ભાવ વધારાનો ડર સામાન્ય માણસની આત્મામાં ઘર કરી ગયો છે. સામાન્ય માણસની ચિંતા ફક્ત એના વ્યક્તિગત અને મર્યાદિત અર્થશાસ્ત્રના આધારે વધુ એક દિવસ પસાર કરી લેવાની શુભેચ્છા સુધી જ મર્યાદિત રહી ગયા છે. જે લોકો હમણાં પણ ગંભીર સિદ્ધાંતિક ચર્ચામાં મંડી પડ્યા હોય અથવા કવિતાઓ લખી રહ્યા હોય, એમણે પોતાના પર વિચાર કરી ડોક્ટર પાસે સારવાર લેવી જોઈએ. આ વાતનો પૂરો ખતરો છે કે તમે સામાન્ય માણસથી રાષ્ટ્ર, એકતા, પ્રજાતંત્ર, કવિતા, સમાજવાદ અથવા માનવ સ્વતંત્રતા વિશે વાત કરો અને એ ડોક્ટર તમને જવાબમાં જોરથી થપ્પડ મારી દે. એટલે સાવધાન!