નવી દિલ્હીઃ અખાતી દેશમાં ચાલી રહેલી લડાઈના માહોલમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં ભડકો થયો છે. અમેરિકાએ એક મહિનામાં રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાની ભારતને મંજૂરી આપી દીધી છે, જે ભારત માટે રાહતની વાત છે. પણ ભારત માટે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવું સરળ નથી. ભારતની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) હાલમાં રશિયાને પેમેન્ટ કરવા માટે તૈયાર નથી.
પેમેન્ટની પ્રોસેસ હોય છે
આ વિષય પર જોડાયેલા લોકોએ આપેલી વિગત અનુસાર બેંકને એ વિગત આપવામાં આવી નથી કે આ છૂટ કેટલા સમય સુધી યથાવત રહેશે. એવામાં રશિયા પાસેથી તેલ ખરીદવું અને તેને પેમેન્ટ કરવું એની પાછળ એક પ્રોસેસ હોય છે. બેંક હાલમાં જે સ્થિતિ છે એ ધ્યાને લેતા કોઈ રીતે પેમેન્ટ કરવા રાજી નથી. સરકારી બેંકનું એવું માનવું છે કે, અત્યારે ક્રૂડ ઓઈલનું પેમેન્ટ કરવું એ જોખમ લેવા જેવું છે.
ગ્લોબલ માર્કેટમાં બેંકનો એક મોટો પોર્ટફોલિયો છે. આનાથી બેંકની પ્રતિષ્ઠા પર સીધી અસર પડી શકે એમ છે. નામ નહીં આપવાની શરતે બેંકના એક વ્યક્તિએ ત્યાં સુધી કહ્યું હતું કે, અમેરિકા ભલે એક મહિનાની છૂટ આપી હોય પણ આ સરળ નથી.
મુશ્કેલી ભર્યું કામ છે
રશિયા પાસેથી ક્રુડ ઓઈલની ખરીદી હાલના સંજોગોને ધ્યાને લેતા સરળ નથી. તેલની ખરીદીને સપોર્ટ કરવા માટે ભારતે પોતાની અર્થવ્યવસ્થામાં રહેલી એક સિસ્ટમને ફરીથી એક્ટિવ કરવી પડે. જે એક મુશ્કેલી ભર્યું કામ છે. ઑક્ટોબરમાં અમેરિકાએ રશિયાની કેટલીક ક્રૂડ ઓઈલ કંપની પર પ્રતિબંધ જાહેર કર્યો હતો. એ પછી બેંક રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદીનું પેમેન્ટ કરવાથી થોડી પીછેહટ કરી રહ્યું છે. ગત વર્ષે ભારતની અન્ય બેંક રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદીનું ચૂકવણું કરવા માટે તૈયાર થઈ હતી. મુદ્દો આર્થિક વિચારણા હેઠળ હતો.
શરત મૂકી હતી
અન્ય બેંકે એવી શરત મૂકી હતી કે, આ ક્રૂડ ઓઈલ કોઈ બ્લેકલિસ્ટેડ કંપનીઓ પાસેથી આવેલું ન હોવું જોઈએ. વૈશ્વિક સ્તરે જે નિયમો છે એનું રિફાઈનરી પાલન કરતી હોવી જોઈએ. અમેરિકા યુદ્ધની સ્થિતિ વચ્ચે પણ પોતાની અર્થવ્યવસ્થા કોઈ પણ ભોગે ટકાવી રાખવા ભાગે છે. ભારત પર જોખમ ક્રૂડ ઓઈલની સાથે હવે ચૂકવણીનું પણ ઊભું થયું છે. કર્મશિયલ સિલિન્ડર પર લેવાયેલા પગલાં લઈને યુદ્ધની આંશિક અસર ભારત પર શરૂ થઈ રહી છે. એસબીઆઈના ઈન્ટરનેશનલ લોન પોર્ટફોલિયોમાં અમેરિકાનો ભાગ છે.