Thu Sep 17 2026

Logo

સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી: જિલ્લા કલેક્ટરોએ તાકીદની બેઠકો યોજી તંત્રને એલર્ટ કર્યું

2026-07-30 20:21:00
Author: Devayat Khatana
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી: જિલ્લા કલેક્ટરોએ તાકીદની બેઠકો યોજી તંત્રને એલર્ટ કર્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)

રાજકોટ:
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં આગામી બે દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું હતું. મધ્યપ્રદેશ તરફથી આગળ વધી રહેલા ડીપ ડિપ્રેશનના કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધવાની સંભાવના હોઈ આ પરિસ્થિતિને પહોંચી વળવા અને કોઈ પણ પ્રકારની જાનહાનિ અટકાવવા માટે જૂનાગઢ, રાજકોટ અને જામનગર સહિતના જિલ્લા કલેક્ટરોએ સંબંધિત વિભાગો સાથે તાકીદની બેઠકો યોજીને આગોતરી તૈયારીઓની સમીક્ષા કરી હતી અને અધિકારીઓને સતર્ક રહેવાના કડક નિર્દેશો આપ્યા હતા.

રાજકોટમાં 31 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે કલેક્ટરરે તાકીદની બેઠક યોજી હતી. તેમણે તમામ વિભાગોને સજ્જ રહેવા, અધિકારીઓની રજાઓ રદ કરવા અને એસડીયઆરએફની ટીમોને બચાવ કામગીરી માટે તૈયાર રાખવા સૂચના આપી હતી. જરૂર જણાશે તો એનડીયઆરએફ અને આર્મીની મદદ લેવાની પણ વહીવટી તંત્રની તૈયારી હોવાનું જણાવ્યું હતું. રાજકોટ જિલ્લામાં 180 જેટલા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને સ્થળાંતર માટે 16 જેટલી ફાઈબર બોટ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી હોવાની વિગતો જિલ્લા કલેકટરે આપી હતી. 

બીજી તરફ, જૂનાગઢ જિલ્લામાં 31 જુલાઈના રોજ યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જૂનાગઢ કલેક્ટરે તમામ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજીને કોઈપણ પરિસ્થિતિમાં ત્વરિત પ્રતિસાદ આપવા માટે સૂચનો કર્યા હતા. તેવી જ રીતે, જામનગર કલેક્ટરે પણ 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તમામ વિભાગો સાથે સંકલન બેઠક યોજી હતી અને કોઈપણ આપાતકાલીન સ્થિતિ સર્જાય તો તરત જ એક્શન લેવા તાકીદ કરી હતી. તંત્ર દ્વારા ગામેગામ સરકારી અધિકારીઓ સાથે વોલેન્ટિયર્સની ટીમોને પણ ખડેપગે રહેવા સૂચના આપવામાં આવી હતી.

આગામી બે દિવસની વરસાદી સિસ્ટમને જોતા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે. લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, વરસાદી પાણી ભરાયું હોય તેવા સ્થળોએ જોવા કે નહાવા ન જવા તેમજ નદી, ડેમ અને નાળાના નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા કડક સૂચના આપવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામતી માટે મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન, ગામની શાળા કે વાડીમાં આશ્રય લેવા અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.