Sun Mar 08 2026

Logo

સરપંચ દેશમુખની હત્યા કેસનો ભાગેડુ આરોપી ત્રણ વાર ગામમાં આવી ગયો: ભાઈનો દાવો...

2 weeks ago
Author: Yogesh C Patel
Article Image

બીડ: સરપંચ સંતોષ દેશમુખની હત્યાના કેસમાં ફરાર આરોપી કૃષ્ણા આંધળેને પોલીસ શોધી રહી છે ત્યારે છેલ્લા છ મહિનામાં ત્રણ વાર તે ગામમાં આવી ગયો હોવાનો દાવો દેશમુખના ભાઈએ કર્યો હતો.મસ્સાજોગના સરપંચ સંતોષ દેશમુખને ટૉર્ચર કરી 9 ડિસેમ્બર, 2024ની રાતે ઘાતકી રીતે તેની હત્યા કરવામાં આવી હતી. મસ્સાજોગ ખાતે પવન ઊર્જા પ્રકલ્પ ઊભો કરતી કંપની પાસેથી ખંડણી માગવાનો વિરોધ કરવા બદલ દેશમુખની હત્યા કરવામાં આવી હતી.

સરપંચની કરપીણ હત્યાને કારણે દેશભરમાં ચકચાર ફેલાઈ ગઈ હતી. ખાસ કરીને આ કેસમાં ધરપકડ કરાયેલો મુખ્ય આરોપી વાલ્મિક કરાડ ભૂતપૂર્વ પ્રધાન અને એનસીપીના નેતા ધનંજય મુંડેનો નિકટવર્તી હોવાનું સામે આવતાં મામલો વધુ ગરમાયો હતો. આ કેસમાં કરાડ સહિત અન્ય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ આંધળે ફરાર થઈ ગયો હતો. પોલીસ તેની શોધ ચલાવી રહી છે. આંધળે ધરુર તહેસીલના મઈંદવાડી ગામનો રહેવાસી છે.

મૃતક સરપંચના ભાઈ ધનંજય દેશમુખે જણાવ્યું હતું કે આંધળે છેલ્લા છ મહિનામાં ત્રણ વાર ગામમાં આવી ગયો છે. તેણે આ અંગેની માહિતી સ્થાનિક પોલીસ અને સીઆઈડીને પણ આપી હતી.
ગામમાં આંધળેની હાજરી અમારા પરિવાર માટે મોટો ખતરો હોવાનું પણ ધનંજયે જણાવ્યું હતું.

દરમિયાન સરપંચ હત્યા કેસની સુનાવણી શનિવારે કોર્ટમાં થઈ હતી. વિશેષ સરકારી વકીલ ઉજ્જવલ નિકમ હાજર ન રહી શકતાં આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર બાળાસાહેબ કોલ્હે કોર્ટમાં હાજર રહ્યા હતા. હવે આગામી સુનાવણી છઠ્ઠી માર્ચે થશે, જેમાં આરોપીની મિલકતોને ટાંચ મારવા માટે માગણી કરાશે, એમ કોર્ટની બહાર આવ્યા પછી દેશમુખે જણાવ્યું હતું. (પીટીઆઈ)