Thu Apr 23 2026

Logo

વૈષ્ણવોએ જાનૈયા બની રુક્મિણી વિવાહ માણ્યો

2026-04-08 09:30:00
Author: Mumbaisamachar Team
Article Image

(તસવીરો અમય ખરાડે)


મુંબઈ: ‘મુંબઈ સમાચાર’ આયોજિત માતૃભાષા ભાગવત સપ્તાહમાં છઠ્ઠા દિવસે પણ મુખ્ય મનોરથી મહેતા પરિવાર, સહ મનોરથી પારેખ પરિવાર, પોથી યજમાન અને ભાવિકોના હૈયા ઉત્સાહ, ઉમંગ અને આનંદથી હિલોળે ચડ્યાં હતાં. સાતમી એપ્રિલના રોજ બોરીવલી ચિકુવાડી ખાતે આવેલી સનાતન નગરીમાં ભાવિકો હજારોની સંખ્યામાં ઊમટી પડ્યા હતા. ચાલો નજર કરીએ આજના આ ખાસ રિપોર્ટ પર...

ભાઈશ્રીના મુખે ‘ક્ધહૈયા મુરલીવાળા રે’ ભજન અને ‘હરે રામા હરે રામા, હરે કૃષ્ણા હરે કૃષ્ણા’ની ધૂન સાંભળીને સભામંડપમાં હાજર તમામ ભાવિકો એકદમ ભાવવિભોર થઈ ગયા હતા અને પોતાની જાતને નૃત્ય કરતા અટકાવી શક્યા નહોતા. ભાવિકો પોતાના સ્થાન પર જ ઊભા થઈને ભાઈશ્રીના મુખે ગવાઈ રહેલાં ભજનના તાલ પર ડોલવા લાગ્યા હતા. કૃષ્ણ ગોવિંદ હરે... નારાયણ નારાયણની ધૂન વચ્ચે ધામધૂમથી રુક્મિણી વિવાહની ઝાંખી પણ મંચ પરથી કરવામાં આવી હતી.


કથા વાંચનનું મહત્ત્વ સમજાવી ભાઈશ્રીએ કહ્યું કે જીવનમાં સમસ્યાઓ શાશ્વત છે અને એના સમાધાન પણ શાશ્વત છે. માણસમાત્ર આનંદ ઝંખે છે. રસનો અનુભવ છે ત્યાં આનંદ છે. નીરસ જીવનને સરસ બનાવે એ કથા. ટૂંકમાં સંસારની વ્યથાને હરે એ હરિ કથા. પ્રભુના વરદાન વિશે ભાઈશ્રીએ સરસ વાત કરી કે જ્યારે ભગવાને પ્રહલાદને વરદાન માગવા કહ્યું ત્યારે પ્રહલાદ કહે છે તમારે આપવું હોય તો એવું વરદાન આપો કે હું કોઈ પાસે ક્યારેય કંઈ ન માંગું. છતાં ભગવાને આગ્રહ રાખતા પ્રહલાદ કહે છે કે ‘મારા બાપુની સદગતિ થાય એવું કરો.’ જે બાપએ પીડા આપી એની સદગતિ માગી. કથાનું આવું વાંચન જીવન ઉત્કર્ષનું નિમિત્ત બને છે. આવું કથા વાંચન નિત્ય કરવું જોઈએ.  
                                                                                                                  રૂક્મણિ વિવાહના કન્યા પક્ષના મનોરથી શિતલ બિરેન સંઘવી

રુક્મિણી વિવાહની ઝાંખીને કારણે આખું વાતાવરણ ખૂબ જ દિવ્ય થઈ ગયું હતું. ધામધૂમથી રુક્મિણી વિવાહના વરઘોડામાં ભાવિકો સામેલ થયા હતા અને નાચતાં ગાતાં આ વરઘોડો નીકળ્યો હતો અને માંડવે પહોંચ્યો હતો. માયરામાં શંખનાદ અને મંત્રોચ્ચાર વચ્ચે રુક્મિણી વિવાહ સંપન્ન થયો હતો. રુક્મિણી વિવાહના ક્ધયાપક્ષના મનોરથી શીતલ બિરેન સંઘવી અને વરપક્ષના મનોરથી તૃપ્તિ ધર્મેશ ગાંધી હતા.
                                                                                                                  વર પક્ષના મનોરથી શ્રીમતી તૃપ્તિ ધર્મેશ ગાંધી

પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્રજી ફડણવીસ અને અનંત શ્રી વિભૂષિત પશ્ર્ચિમામ્નાય દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજને મીઠડો આવકાર આપતાં જણાવ્યું હતું કે રાજ સત્તા અને ધર્મ સત્તા બંને હાજર છે. લોકોના દિલો પર શાસન કરનારા અને લોકો પર રાજ કરનાર બંને શક્તિઓનું અમે સ્વાગત કરીએ છીએ. આ ખરેખર ગર્વથી ભરપૂર અને અભૂતપૂર્વ ક્ષણ છે.

છેલ્લાં 65 વર્ષમાં મહારાષ્ટ્રને મળેલા સૌથી શક્તિશાળી તેમ જ સતત વિઝન સાથે કામ કરનારા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસજીનું મુંબઈ સમાચારના તંત્રી નીલેશ દવેએ માતૃભાષા પ્રતિષ્ઠાન વતી સ્વાગત કર્યું હતું. ભાગવત કથાના મુખ્ય મનોરથી સૌરભ મહેતા, સહ મનોરથી રમેશભાઈ પારેખે મોમેન્ટો આપીને મુખ્ય પ્રધાન દેવેન્દ્રજી ફડણવીસનું સન્માન કર્યું હતું. ભાગવત સપ્તાહનું વ્યવસ્થાપૂર્વક આયોજન બદ્લ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે રાજુભાઈ સાવલા અને સંતોષ સિંહનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.
માતૃભાષા ભાગવત સપ્તાહમાં છઠ્ઠા દિવસે યોગેશ સાગર વિધાનસભ્ય કાંદીવલી, સંજય ઉપાધ્યાય વિધાનસભ્ય બોરીવલીની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી.

સુખી થવાનો ઉપાય ભાગવત કથામાં છે: શંકરાચાર્ય

મુંબઈ સમાચાર આયોજિત ‘માતૃભાષા ભાગવત સપ્તાહ’માં ભાવિકોને આશીર્વચન આપવા દ્વારકાથી પધારેલા અનંત શ્રી વિભૂષિત પશ્ર્ચિમામ્નાય દ્વારકા શારદાપીઠાધિશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજને મુંબઈ સમાચારની સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવી. આજના કથા વિરામ પછી ભાઈશ્રી રમેશભાઈ ઓઝા પણ તેમની અમૃતવાણી સાંભળવા શ્રોતા બની ગયા હતા.

વ્યાસપીઠ પરથી શંકરાચાર્યજીએ ભાઇશ્રીને પ્રથમ પંક્તિના કથાકાર લેખાવી ‘મુંબઈ સમાચાર’ અને યજમાન પરિવારનો આદરથી ઉલ્લેખ કરી તેમની પ્રવૃત્તિને બિરદાવી હતી. સાથે સાથે સત્સંગનો લાભ લેતા ભાવિકોની પણ પ્રશંસા કરી હતી. મનુષ્ય હોવું એટલે શું એ પ્રશ્ન રજૂ કરી શંકરાચાર્યજીએ કહ્યું હતું કે ’દરેક જીવાત્મામાં પરમાત્માનો વાસ છે. આ તત્ત્વ જે સમજે છે એ જ તત્વજ્ઞાની છે. ભાગવતમાં આ જ તત્ત્વજ્ઞાનની વાત છે.’


વાતને ઉદાહરણથી સમજાવતા જગદગુરુએ કહ્યું કે ’રાજા પરીક્ષિતને જાણ થઈ કે સાતમા દિવસે સર્પદંશથી તેનું મૃત્યુ થશે ત્યારે તેણે શુકદેવજી મહારાજને પૂછ્યું કે ‘મૃત્યુ નજીક હોય ત્યારે મારે શું કરવું જોઈએ?’ શુકદેવજીએ ઉત્તર આપ્યો કે ‘અમરત્વનું વરદાન કોઈને નથી અને આ સમયે તને જિજ્ઞાસા થઈ એ જ મહત્ત્વની છે. રાજન, તારી પાસે તો સાત દિવસ છે. સાધુનો એક ક્ષણનો સહવાસ સંસાર પાર કરવાનું સામર્થ્ય ધરાવે છે. આ જિજ્ઞાસાએ જ તમારો ઉદ્ધાર કર્યો છે. હવે તમારું મૃત્યુ નહીં થાય. તમે બ્રહ્મમય થઈ જશો.’


જ્ઞાન પ્રાપ્ત કેવી રીતે થાય? સુખ કેવી રીતે મળે? એના જવાબમાં શંકરાચાર્યએ કહ્યું એ ‘આ બધાનો જવાબ ભાગવતમાં છે. સુખી થવાનો ઉપાય ભાગવતમાં છે. ‘મુંબઈ સમાચાર’એ માતૃભાષા ભાગવત સપ્તાહનું આયોજન કર્યું એ ઉત્તમ પ્રયાસ છે. સુખ કોને કહેવાય? જેને પ્રાપ્ત કર્યા પછી બીજા કશાની ઈચ્છા ન થાય એ જ સુખ. કીડીથી હાથી સુધી બધા આ સુખની રઝળપાટમાં હોય છતાં એ નથી મળતું, કારણ કે મારગ નથી જાણતા.’
અંતમાં શંકરાચાર્યજીએ ગૌરક્ષાનું મહત્ત્વ સમજાવી ગાય માતાને ‘રાજ્યમાતા’નો દરજજો આપવા બદલ મહારાષ્ટ્ર સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

માતૃભાષાનું સન્માન એ તો માતાના સન્માનની સમકક્ષ છે: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જયશ્રી કૃષ્ણથી પોતાનું સંબોધન શરૂ કર્યું હતું. મુખ્ય પ્રધાન ફડણવીસજીએ માતૃભાષા ભાગવત સપ્તાહ ‘મુંબઈ સમાચાર’ને બદ્દલ અભિનંદન આપતાં કહ્યું હતું કે એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારે માતૃભાષા ભાગવત સપ્તાહનું આયોજન કરીને દેશની બધી જ ભાષાઓના સન્માનનું જે ભગીરથ કાર્ય કર્યું છે તે બિરદાવવા યોગ્ય છે.  માતૃભાષાનું સન્માન એ તો માતાના સન્માનની સમકક્ષ છે. જે લોકો પોતાની માતૃભાષાનું સન્માન કરે છે એ જ તમામ ભાષાનું સન્માન કરી શકે છે.

                                                                        મુખ્ય મનોરથી સૌરભ મહેતા , મિતેશ શાહના હસ્તે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનું સન્માન કરાયું હતું

માતૃભાષાના સન્માન અંગે કેન્દ્ર સરકારના પગલાં વિશે જાણકારી આપતાં તેમણે જણાવ્યું હતું કે આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી જે નવી શિક્ષણ નીતિ લાવ્યા છે એમાં સૌથી વધુ ભાર માતૃભાષામાં શિક્ષણ પર આપવામાં આવ્યું છે અને આવું પહેલી વખત થયું છે કે હવે ડોક્ટર અને એન્જિનિયર પણ માતૃભાષામાં પોતાનું શિક્ષણ મેળવી શકશે. આ પગલાંને વિકસિત રાષ્ટ્ર તરફનું પગલું ગણાવતાં તેમણે કહ્યું હતું કે આ એટલા માટે પણ જરૂરી છે કારણ કે દુનિયામાં વિકસિત અને વિકાસશીલ રાષ્ટ્ર છે.
                                                                                                   મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે શ્રી સંતોષ સિંહનું સન્માન કરવામાં આવ્યું હતું

વિકસિત દેશોની શિક્ષણ વ્યવસ્થામાં માતૃભાષા પર ભાર મૂકવામાં આવે છે, જ્યારે વિકાસશીલ દેશોમાં કોઈ ફોરેન લેન્ગ્વેજમાં એજ્યુકેશન આપવામાં આવે છે. હવે આપણે માતૃભાષામાં સ્નાતક સુધીનું શિક્ષણ આપવા તરફ આગળ વધી રહ્યા છીએ. તેમણે એમ પણ કહ્યું હતું કે આપણા સાહિત્યકારોને સમર્પિત આ માતૃભાષા ભાગવત સપ્તાહ થઈ રહ્યો છે તો એવું કહી શકાય કે તમામ માતૃભાષાઓને સન્માન આપવાનો પ્રયાસ આ સપ્તાહમાં કરાયો છે.
                                                                                             મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે શ્રી રાજુ સાવલાનું સન્માન કરાયું હતું.

તેમણે કહ્યું હતું કે કળિયુગમાં ભાગવત સપ્તાહ સાંભળો એટલે પાપનો નાશ થાય છે અને તેમાં પણ જ્યારે ભાઈશ્રીના મુખે ભાગવત સાંભળો ત્યારે તેનો એક અલગ જ પ્રભાવ જોવા મળે છે. વાતાવરણ પવિત્ર થઈ જાય છે. આજે તો ભાઈશ્રીની સાથે શંકરાચાર્ય પણ હાજર છે. વધુમાં અત્યારે રુકિમણી વિવાહનો મહામુલો પ્રસંગ પણ છે. અહીં હું લોકોને કહેવા માગું છું કે રુકિમણી વિદર્ભના હતા. (અહીં ઉલ્લેખનીય છે કે ફડણવીસ વિદર્ભ (નાગપુર)ના છે.) ભગવાને વિદર્ભથી રુકિમણીનું હરણ કર્યુું હતું’.

સ્વાસ્થ્ય એ જ સાચી સંપત્તિ: પૂજ્ય ભાઈશ્રી

પૂજ્ય ભાઈશ્રીએ વર્લ્ડ હેલ્થ ડે નિમિત્તે સ્વાસ્થ્યનું મહત્ત્વ સમજાવતાં જણાવ્યું હતું કે આજે વિશ્વ આરોગ્ય દિવસ છે. આપણે ગુજરાતીમાં તો કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા. સ્વાસ્થ સારું છે તો બધું સારું છે. પરંતુ ઘણા લોકોને સ્વાસ્થ્ય સારું હોય ત્યારે એની કદર કરતાં નથી અને જ્યારે સ્વાસ્થ્ય કથળે છે ત્યારે એની કિંમત થાય છે.


સંત એટલે શું?
સંત કોને કહેવાય એ વિષય પર પ્રકાશ પાડતા પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે જેમની સામે બેસીને શાંતિ મળે, શાંતિનો અહેસાસ થાય એ એ સંત કહેવાય. સંત તમને શાતાની અનુભૂતિ કરાવે છે. ભાગવત સપ્તાહના વિરામ પછી ‘મુંબઈ સમાચાર’ના તંત્રી નીલેશ દવે ભાઈશ્રીનું સન્માન કરવા તેમને પાઘડી પહેરાવવા અને શાલ ઓઢાડવા ગયા ત્યારે ભાઇશ્રીએ એ જ પાઘડી નીલેશ દવેને પહેરાવી એ ‘મુંબઈ સમાચાર’ માટે ગર્વ આને આનંદની વાત હતી. માતૃભાષા ભાગવત સપ્તાહના આયોજનની આ ઉચ્ચ ક્ષણ હતી.