મુંબઈ: રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI) ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે બુધવારે સવારે મોનેટરી પોલિસી કમિટી(MPC)ની બેઠકના નિષ્કર્ષની જાહેરાત કરી છે. ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે MPCએ એ રેપો રેટ 5.25% પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. લોનધારકોના લોનના હપ્તા પર કોઈ અસર નહીં થાય.
સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે MPC ની છેલ્લી બેઠક બાદ ભૂ-રાજકીય અનિશ્ચિતતાઓમાં વધારો થયો છે, પરંતુ ફુગાવો હજુ પણ અંકુશમાં છે.
સંજય મલ્હોત્રાએ કહ્યું કે પશ્ચિમ એશિયામાં સંઘર્ષ દરમિયાન એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય માળખાગત સુવિધાઓને થયેલા નુકસાનને કારણે ફુગાવા અને વૃદ્ધિના અંદાજો પર જોખમ ઉભું થયું છે. જોકે, ભારતીય અર્થતંત્રના મૂળભૂત પાયા વધુ મજબૂત છે, આવા આંચકાઓનો સામનો કરવા ભારતીય અર્થતંત્ર હવે ભૂતકાળ કરતાં વધુ સક્ષમ છે.
ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટમાં બંધ થવાને કારણે ઇનપુટ્સમાં ઘટાડો થયો છે, જેની અસર આ વર્ષના વિકાસ દર પર થઇ શકે છે. જોકે, સરકાર સપ્લાય ચેઈનના વિક્ષેપોની અસરને ઘટાડવા માટે મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ઇનપુટ્સનો પુરવઠો મળી રહે એ માટે સક્રિય છે.
વર્ષ 2025 ની સરખામણીમાં વર્ષ 2026 દરમિયાન વૈશ્વિક વેપારમાં વૃદ્ધિ ધીમી રહેવાનો અંદાજ છે. ભારતની વેપારી માલની નિકાસમાં આ વર્ષના પ્રથમ બે મહિના દરમિયાન વાર્ષિક ધોરણે 0.2%નો ઘટાડો નોંધાયો છે.