મુંબઈ: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ગ્રાહકો માટે ડિજીટલ બેન્કિંગ વધુ સરળ અને સુરક્ષિત બનાવવા માટે પ્રયત્નો કરી રહી છે, આ તરફ RBI એક મહત્વનું પગલું ભરવા જઈ રહી છે. RBIએ બેંકોને કડક સૂચના આપી છે કે ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી અને તેમને પ્રોડક્ટ/સર્વિસ ખરીદવા દબાણ કરતી તમામ ડાર્ક પેટર્નને જુલાઈ 2026 સુધીમાં દુર કરે.
RBIએ રિસ્પોન્સિબલ બિઝનેસ કન્ડક્ટ એમેન્ડમેન્ટ ડાયરેક્ટેશન્સ, 2026નો એક ડ્રાફ્ટ રજુ કર્યો છે, જેમાં બેંકો માટે કડક સૂચનોને સામેલ કરવામાં આવ્યા છે. RBIએ બેંકોને તેની ફાયનાન્સીયલ પ્રોડક્ટ અને સર્વિસ આપતા પહેલા ગ્રાહકને સંપૂર્ણ માહિતી આપવા અને સ્પષ્ટ સંમતિ મેળવવા જણાવ્યું છે.
ગ્રાહકોને શું ફાયદો થશે?
નેટ બેકિંગ અને મોબાઈલ બેન્કિંગનો ઉપયોગ કરતા ગાહકો ઘણીવાર ફરિયાદ કરતા હોય છે કે બેંક દ્વારા તેમને વધારાની પ્રોડક્ટ કે સર્વીસ ખરીદવા માટે સતત મેસેજ કે નોટિફિકેશન આપવામાં આવે છે. બેંક દ્વારા ગ્રાહકો તેની પૂરી માહિતી આપવામાં આવતી નથી અને ખરીદી બાદ તેમની પાસેથી છુપી ફી વસુલવામાં આવે છે.
હવે RBIના નવા નિર્દેશો લાગુ થતા બેંકો ગ્રાહકની સ્પષ્ટ પરવાનગી વિના તેમની પ્રોડક્ટ કે સર્વિસ નહીં વેચી શકે. ડિજિટલ બેંકિંગને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવા માટે આ નિર્દેશો આપવામાં આવી રહ્યા છે.
ડાર્ક પેટર્ન એટલે શું?
ડિજિટલ પ્લેટફોર્મ યુઝર્સ જે સર્વિસ કે પ્રોડક્ટને સમજી શકતા નથી, તેમને એ સર્વિસ કે પ્રોડક્ટને ખરીદવા માટે પ્રેરવા કે દબાણ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી ડિઝાઇન ટેકનીકને ડાર્ક પેટર્ન કહેવામાં આવે છે.આ ટેકનીક હેઠળ હિડન ચાર્જીસ, મૂંઝવણ ઉભી કરે અથવા લલચાવે એવા ઓપ્શન રાખવામાં આવે છે. યુઝર્સને ગ્રાહકોને વધારાની સર્વિસ ખરીદવા વારંવારના નોટિફિકેશન આપવામાં આવે છે.
RBIની કડક સુચના:
આ નિર્દેશો હેઠળ RBIએ બેંકોને કડક સુચના આપી છે કે આવી યુક્તિઓ વાપરવામાં ન આવે. ગ્રાહકો શેના માટે સાઇન અપ કરી રહ્યા છે, તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવે તેમને ગેરમાર્ગે દોરવામાં ન આવે. RBIએ ડાર્ક પેટર્ન દુર કરવા માટે જુલાઈ 2026 સુધીનો સમય આપ્યો છે.