શ્રીલેખા યાજ્ઞિક
ઉનાળો પુરબહારમાં ચાલી રહ્યો છે. દેશના અનેક વિસ્તારોમાં કાળઝાળ ગરમી જોવા મળી રહી છે. તો અનેક રાજ્યોમાં વરસાદ અચાનક તેની હાજરી નોંધાવશે તેવું લાગી રહ્યું છે. ગરમી તથા ઉનાળાની રજાઓ બંનેને સારી રીતે અચૂક માણવામાં આવે છે. બસ, ઉનાળામાં કાગડોળે જે ફળની રાહ જોવાય છે તે છે ફળોનો રાજા ‘કેરી’. રજાઓમાં તેનો આસ્વાદ માણતાં જ રહેવાનો આનંદ અવર્ણનીય હોય છે. કુદરતે તે માટે આંબાના વૃક્ષની ભેટ આપીને આગવી તૈયારી કરી જ રાખી છે. આંબાના ઘટાદાર વૃક્ષનું સરેરાશ આયુષ્ય 500 વર્ષનું હોય છે. જે પ્રેમ, શાંતિ તથા સમૃદ્ધિનું પ્રતીક ગણાય છે.
ગુજરાતીમાં તો કહેવત પણ છે કે ‘વડીલો દ્વારા આંબાનો છોડ વાવવામાં આવે છે. જેના ફળ તેમની પાંચ પેઢી માણે છે.’ કેરી નામ સાંભળતાંની સાથે જ મોંમાં પાણી આવી જાય. ખાસ કાળજી લઈને કુદરતે મીઠાં-મધુરા ફળની રચના કરી છે. કેરીના રસિયાની વાતોમાં એક લહેકો અચૂક જોવા મળતો હોય છે. સીસીસીસી...સીસકારો બોલાવતાં કહેશે ...મસ્ત મજાની મીઠડી કેરીને અમે તો ચોમાસું પૂરું થાય ત્યાં સુધી ખાવાનું પસંદ કરીએ છીએ. તાજી-તાજી કેરીનો સ્વાદ અમારા કુટુંબની પ્રત્યેક વ્યક્તિને અત્યંત પસંદ છે. તાજી કેરીને મનભરીને માણી જ લેવાની. ફ્રીઝમાં વર્ષભર સાચવીને રાખેલી કેરીના ટુકડા કે તેનો રસ ખાવો ઓછો પસંદ છે.
કેરીની વાત નીકળે એટલે જેટલી પાકી કેરીની મોજ માણવામાં આવતી હોય છે તેટલો જ કાચી કેરીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પ્રમાણભાન રાખીને કાચી કેરીનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ગુણકારી ગણાય છે. કેરીની ચીર ઉપર મીઠું-મરચું લગાવીને ચટકારો બોલાવતાં, ખટ્ટમધુરો સ્વાદ મનને આનંદિત કરી દે છે. કેરીની મોસમ શરૂ થાય તેની સાથે જ કાચી કેરીને કાપીને તેનો સ્વાદ આપણે સર્વે ઝટપટ માણી લેતાં હોઈએ છીએ.
કાચી કેરીનું કચુંબર હોય કે પછી કાચી કેરીનું તાજું ‘પન્ના’શરબત તન-મનને તાજગી બક્ષીને તરોતાજા બનાવી દે છે. કાચી કેરીનું કચુંબર ઉનાળામાં નિયમિત ભોજનમાં સ્થાન પામે છે. કાચી કેરીનો બીજો વિશિષ્ટ ઉપયોગ તેમાંથી બનતાં વિવિધ અથાણાં ગણાવી શકાય. જેની સાચવણી વર્ષભર કરી શકાય છએ. તીખું-ગળ્યું-ખાટું મસાલેદાર અથાણું ભોજનની શાન ગણાય છે. ભોજનને ચટાકેદાર બનાવવાની સાથે સ્વાદ-સભર અથાણાં તંદુરસ્ત જીવન જીવવાની શક્તિ પ્રદાન કરે છે. કેમ કે કાચી કેરીમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઈની માત્રા સમાયેલી જોવા મળે છે.
કેરીમાં વિટામિન સાથે કૅલ્શ્યિમ, પોટેશ્યિમ, આયર્ન, મેગ્નેશ્યિમની માત્રા સમાયેલી છે. કાચી કેરીનું અથાણું મર્યાદિત માત્રામાં ભાણામાં લેવામાં આવે તો તેમાં સમાયેલાં આરોગ્યવર્ધક ગુણોનો લાભ અચૂક મેળવી શકાય છે. તેના સેવન માત્રથી ત્વચાની ચમક વધે છે, આંખો, સ્નાયુઓ, ચેતાકાર્ય સારી રીતે કામ કરી શકે છે.
કાચી કેરીનો ઈતિહાસ જાણવા જેવો છે. વૈજ્ઞાનિકોના મત મુજબ કાચી કેરીની ઉત્ત્પત્તિ લગભગ 3 હજાર વર્ષ પૂર્વે થઈ હતી તેવી માન્યતા જોવા મળે છે. પૂર્વ ભારતના મ્યાંનમાર, બાંગ્લાદેશનાં જંગલોમાં થઈ હતી. ભારતના પ્રાચીન ગ્રંથો તેમજ વેદો તેમજ ઉપનિષદોમાં કેરીને ‘આમ્રફળ’ ‘રસાલા’, કે ‘સહકારા’ જેવા વિવિધ નામોથી ઓળખવામાં આવે છે.
બૌદ્ધ ભીક્ષુઓ દ્વારા તેમજ વ્યાપારી દ્વારા કેરીના બીજ એશિયામાંથી પસાર થઈને મધ્યપૂર્વ-તેમજ પૂર્વી આફ્રિકા સુધી પહોંચી ગયા છે. દક્ષિણ ભારતમાં કેરીના ફળને ‘મામકાય’ નામથી ઓળખ મળી. મલયાલી સમુદાય દ્વારા તેને ‘મંગા’ કહેવામાં આવ્યું. કેરળ પહોંચ્યા બાદ પોર્ટુગલી લોકો કેરીના એટલા તો દીવાના બની ગયા કે તેનો સ્વાદ વિશ્ર્વના પ્રત્યેક દેશોમાં પહોંચાડ્યો.
સમય સાથે ભારતમાં કેરીના વિવિધ ફળની ખેતી થવા લાગી. હાલમાં ભારત વિશ્ર્વમાં કેરીનું સૌથી મોટું ઉત્પાદક તથા નિકાસકાર ગણાય છે. વિશ્ર્વમાં કેરીની 1500થી વધુ વેરાયટી જોવા મળે છે. જેમાંથી 1000 તો ફક્ત ભારતમાં જ ઉગાડવામાં આવે છે. જેમાં દેવગઢ, રત્નાગિરી આફૂસ કેરી, ગીર-તલાલા-ધરમપુરની કેસર, ઉત્તર પ્રદેશની દશેરી, તોતાપુરી, લગંડો, રાજાપુરી વગેરે ગણાવી શકાય.
કાચી કેરી-મેથી-ચણાનું અથાણું
સામગ્રી: 1 નાની વાટકી મેથી, 1 નાની વાટકી લાલ ચણા, 2 નંગ રાજાપુરી કેરી, અથાણાંનો મસાલો, તલનું તેલ જરૂર મુજબ બનાવવાની રીત : સૌ પ્રથમ મેથી-ચણાને સાદા પાણીમાં 5 કલાક માટે પલાળી રાખવા. કાચી કેરીના ટૂકડાને હળદર-મીઠામાં રગદોળીને 3 કલાક રાખવા. તેનું પાણી છૂટે તે રાખવું. હવે કેરીને સ્વચ્છ કપડાં ઉપર સૂકવવા મૂકવી.
મેથી-ચણાને કેરીના ખાટા પાણીમાં 5 કલાક રાખવા. ત્યારબાદ તેને કપડાં ઉપર પંખા નીચે કોરા થાય ત્યાં સુધી સૂકવવા. એક મોટી તપેલીમાં કેરીના ટુકડા રાખવા. તેમાં અથાણાનો મસાલો ભેળવવો. કોરા થઈ ગયેલાં મેથી-ચણાને ભેળવવા. બરાબર હલાવી લેવું. ત્યારબાદ તેમાં ગરમ કરીને ઠંડું કરેલું તેલ ભેળવવું. 1 દિવસ માટે તપેલીમાં રાખવું.
સ્વચ્છ ચીનાઈ માટીની બરણીમાં ભરી દેવું. તેલ કેરીના ટુકડા ડૂબે તેનાથી થોડું વધુ રાખવું. એક સપ્તાહ બાદ અથાણું મર્યાદિત માત્રામાં ખાવાના ઉપયોગમાં લેવું.
આરોગ્યવર્ધક ફાયદા
રોગપ્રતિકારક શક્તિ વધારે છે
કાચી કેરીમાં વિટામિન સીની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી હોય છે. કાચી કેરીના સેવન બાદ શરીરમાં સફેદ રક્તકોશિકાનું સ્તર વધવા લાગે છે. જેનેે કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધવા લાગે છે. કાચી કેરીમાં વિટામિન સીનું પ્રમાણ વધુ હોવાથી શરીરને વિવિધ બીમારીથી બચાવવામાં મદદ કરે છે. તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે શરીરમાં વિટામિન સીની માત્રા યોગ્ય પ્રમાણમાં જળવાઈ રહે તે આવશ્યક ગણાય છે.
પાચનક્રિયામાં મદદરૂપ
કાચી કેરીમાં એવા ઍન્ઝાઈમ્સ સમાયેલાં છે જે પાચનક્રિયાને મજબૂત કરવામાં મદદ કરે છે. ગેસની તકલીફ, અપચો કે ભારેપણાની તકલીફને ઘટાડે છે. પાચન ક્રિયાને સુધારવાની સાથે ભૂખ સારી લાગે છે.
પાણીની માત્રા જાળવી રાખે છે
ઉનાળામાં શરીરમાં પાણીની વારંવાર આવશ્યક્તા પડે છે. કાચી કેરીમાં મીઠું તથા અન્ય પોષક તત્ત્વો સમાયેલાં છે. જે ઉનાળામાં શરીરમાંથી પરસેવા દ્વારા બહાર ચાલી જતાં પાણીને પુન: નિર્માણ કરે છે. કાચી કેરીમાંથી બનાવેલું સ્વાદિષ્ટ શરબત શરીરને ઠંડક પહોંચાડવાની સાથે લૂના ખતરાથી બચાવવામાં મદદ કરીને શરીરને ઠંડક પહોંંચાડે છે.
વજન ઘટાડવામાં મદદરૂપ
કાચી કેરીમાં ચરબીની માત્રા ઓછી તથા ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. કાચી કેરીના સેવન બાદ લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. તન-મનને રાહત આપતું ઍન્ડોર્ફિન છોડે છે. પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે. જેને કારણે વ્યક્તિનું વજન નિયંત્રણમાં રહે છે.
ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં લાભાકારી
પાકી કેરીની તુલનામાં કાચી કેરીનો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછો હોય છે. જે લોહીમાં શર્કરાની માત્રાને જાળવી રાખવામાં મદદ કરે છે. કાચી કેરીમાં યોગિક સમાયેલું હોય છે. જે પ્રિ-ડાયાબિટીક અથવા ટાઈપ ટુ ડાયાબિટીસની માત્રાને ઘટાડવામાં મદદ કરે છે.
હૃદયના સ્વાસ્થ્ય માટે ઉપયોગી
કાચી કેરીમાં પોટેશ્યિમ તથા મેગ્નેશ્યિમ જેવાં ખનીજ તત્ત્વો સમાયેલાં હોય છે. જે બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદ કરે છે. શરીરમાં પ્રવાહીની માત્રા જાળવવામાં તથા ઈલેક્ટ્રોલાઇટ્સને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. હૃદય રોગનું સ્વાસ્થ્ય જાળવવામાં તથા હૃદયની વિવિધ વ્યાધિથી બચાવવામાં મદદ કરે છે.
પિત્તને ઘટાડવામાં ગુણકારી
કાચી કેરીનું ફળ સ્વાદમાં ખાટું હોય છે. શરીર માટે ક્ષારવાળું ગણાય છે. કાચી કેરીનું સેવન ઉનાળામાં ખાસ કરવું જોઈએ. જે પિત્તને ઘટાડવામાં મદદ કરે છે. અતિરિક્ત એસિડની માત્રાને દાબી દઈને શરીરને ઠંડક પહોંચાડે છે.
અથાણાં ભારતીય રસોઈ ઘરની શાન ગણાય છે. પ્રાચીન ગ્રંથો તેમજ આયુર્વેદમાં અથાણાંને પાચનક્રિયા વધારનાર ગણવામાં આવે છે. ભોજનના ‘ષડ રસ’(છ સ્વાદ)ખારો, ખાટો, તીખો, કડવો, તુરો તથા ગળ્યો છે. અથાણાં મોસમમાં બદલાવની સાથે ગૃહિણીના બજેટને જાળવી રાખવામાં ઉપયોગી બને છે. ચોમાસામાં તેમજ મુસાફરીમાં અથાણાંનો ઉપયોગ ઘરના ભોજનના આનંદની સાથે ઘરના પ્રત્યેક સભ્યોના સ્વાદને સંતોષવાનો આનંદ પ્રદાન કરે છે.
અથાણાંમાં તલનું તેલ, સરસિયાનું તેલ, સિંગતેલ, દિવેલ વગેરે ઉપયોગમાં લેવાય છે. વળી મેથીના કુરિયા, રાઈના કુરિયા, ધાણાના કુરિયા હિંગ, વરિયાળી, મરી-તજ-લવિંગ, જીરું, લાલ મરચું, મીઠું, ગોળ, ખાંડ તેમજ કેરીની ખટાશને કારણે સ્વાદિષ્ટ લાગે છે. વિટામિન સી, આયર્ન, ઍન્ટિઓક્સિડન્ટની માત્રા હોય છે. જેથી પ્રમાણભાન રાખીને ઘરમાં બનાવેલું અથાણું સ્વાસ્થ્ય માટે ગુણકારી ગણાય છે. વિટામિન બી-12ની તકલીફમાં ઘરમાં બનાવેલું અથાણું ખાવાથી તેની ઊણપ ઓછી થાય છે. રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
શિયાળામાં શરીરને ગરમાવો આપવા માટે ખીચડી સાથે થોડું અથાણું સ્વાદનો ચટાકોઆપવાની સાથે ઠંડીમાં રાહત અપાવે છે.એક જમાનો એવો હતો કે લાંબા સમયની મુસાફરીમાં વેપારીઓ-અથાણાંનો સ્ટોક જરૂર રાખતાં. કેરીનાં વિવિધ અથાણાં જેમ કે ખાટું અથાણું, ગુંદા-કેરી, ગોળકેરી, છુંદો, કટકી કેરી, કેરી-ખારેકનું અથાણું, મેથી-ચણા-કેરીનું અથાણું, મુરબ્બો, ગરમર, કેયડા, હળદર, લીંબુ-ગાજર-મરચાંનું અથાણું વગેરે ગણાવી શકાય.
કેરીના વૃક્ષની શીખ
જેમ વૃક્ષ ઉપર નવા ફળ આવતાં જાય તેમ વૃક્ષ નમતું જાય. જેથી તેના ફળ સરળતાથી તોડી શકાય. જીવનમાં પણ સફળતાની સાથે નમ્રતા વધે તો અન્યને ઉપયોગી બની શકાય. આપણે ત્યાં તો અથાણાં માટે કહેવત પણ છે કે ‘જેની દાળ બગડી તેનો દિવસ બગડ્યો, જેનું અથાણું બગડ્યું તેનું વર્ષ બગડ્યું.’ અથાણાંને પરંપરાગત રીતે ચીનાઈ માટીની બરણી કે કાચની બરણીમાં ભરીને તેની ઉપર સ્વચ્છ કપડું ગોળ ફરતું બાંધી દેવામાં આવે છે. જેથી તેમાં હવા પ્રવેશે નહીં. અથાણું બગડે નહીં. કેરીના વૃક્ષની