મુંબઈ: મુંબઈના વ્યસ્ત છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) સ્ટેશન પર મધ્યરાત્રિએ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ટ્રેનના એન્જિનમાં અજગરનું બચ્ચું ઘૂસી ગયું હોવાનું સામે આવ્યું હતું. રેલવે કર્મચારીઓની નજર આ સાપ પર પડતાં જ તેમણે કોઈ પણ જાતનો સમય બગાડ્યા વગર તાત્કાલિક સર્પમિત્રોનો સંપર્ક કર્યો હતો.
ઘટનાની માહિતી મળતાં જ મહારાષ્ટ્ર રાજ્યના માનદ પ્રાણી કલ્યાણ અધિકારી અને સર્પમિત્ર અભિષેક અશોક ઠાવરે તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જરૂરી સુરક્ષા અને સાવચેતી રાખીને તેમણે રાત્રે આશરે 1. 40 કલાકે આ અજગરના બચ્ચાને એન્જિનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી લીધું હતું. સર્પમિત્ર અને રેલવે સ્ટાફની આ તત્પરતાને કારણે રેલવે સેવાઓ કોઈ પણ અડચણ વિના રાબેતા મુજબ ચાલુ રહી શકી હતી. રેસ્ક્યૂ કરાયેલા અજગરના બચ્ચાને બાદમાં તેના કુદરતી રહેઠાણમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યું હતું.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ભારતમાં જોવા મળતો 'ઇન્ડિયન રોક પાયથન'એ બિનઝેરી સાપ છે અને તે ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ સંરક્ષિત પ્રજાતિમાં આવે છે. પર્યાવરણની અન્નસાંકળને સંતુલિત રાખવામાં આ સાપ મહત્વની ભૂમિકા ભજવે છે. હાલનો સમય અજગરના પ્રજનન બાદ ઈંડામાંથી બચ્ચા બહાર આવવાનો ગાળો હોવાથી નાના અજગરોની અવરજવર વધુ જોવા મળે છે.
મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. વરસાદને કારણે વન્યજીવો ઘણીવાર આશ્રયની શોધમાં માનવીય વસ્તી તરફ અથવા આવી સુરક્ષિત જગ્યાઓ પર આવી જતા હોય છે. આ અજગરનું બચ્ચું પણ વરસાદથી બચવા કે સુરક્ષિત આશરો શોધવા એન્જિનમાં ઘૂસી ગયું હોવાનો પ્રાથમિક અંદાજ છે.
સર્પમિત્ર અભિષેક ઠાવરેએ જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન આવી ઘટનાઓ સામાન્ય છે. આવા સમયે નાગરિકોએ ગભરાવાની જરૂર નથી. સાપને જાતે પકડવાનો કે તેને મારવાનો પ્રયાસ ક્યારેય ન કરવો જોઈએ. તેના બદલે તાત્કાલિક વન વિભાગ અથવા તાલીમબદ્ધ સર્પમિત્રોનો સંપર્ક કરવો હિતાવહ છે, જેથી વન્યજીવ અને માનવ બંનેની સુરક્ષા જળવાઈ રહે. રેલવે કર્મચારીઓની આ જાગરૂકતાના કારણે જ અજગરના બચ્ચાનો જીવ બચી શક્યો હતો.