Tue Jul 28 2026

Logo

મેદાનમાં પાર્ક કરેલાં 60 વાહનો આગમાં ભસ્મીભૂત

2026-02-23 17:24:00
Author: Yogesh C. Patel
Article Image

પુણે: પુણેના યેરવડા ખાતે મેદાનમાં પાર્ક કરાયેલા વાહનમાં અચાનક આગ લાગતાં એક પછી એક 60 વાહનો બળીને ભસ્મીભૂત થઈ ગયાં હતાં. આગમાં કોઈ જાનહાનિ ન થઈ હોવા છતાં ભારે નુકસાન થયું હોવાનું કહેવાય છે.

પોલીસના જણાવ્યા મુજબ યેરવડામાં લજન્ડ રેકોર્ડ ઑફિસની સામે આવેલા મેદાનમાં સોમવારની બપોરે સાડાબાર વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગમાં 40 ટુ-વ્હીલર અને 20 ફૉર-વ્હીલર સળગી ઊઠ્યાં હતાં.

મેદાનમાં વિવિધ કેસોમાં પોલીસ દ્વારા જપ્ત કરાયેલાં વાહનો તેમ જ પાર્ક કરાયેલાં અન્ય વાહનો હતાં. બપોરના સમયે અચાનક એક વાહનમાં આગ લાગી હતી. જોતજોતાંમાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં 60 વાહન સળગ્યાં હતાં. આગને કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા.

આગની જાણ થતાં યેરવડા ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જોકે ત્યાં સુધીમાં મોટા ભાગનાં વાહનો બળીને ખાક થઈ ગયાં હતાં.

અધિકારીના જણાવ્યા મુજબ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ મોટું આર્થિક નુકસાન થયાનો અંદાજ છે. સળગી ગયેલાં વાહનોમાં અમુક લક્ઝુરિયસ કારનો પણ સમાવેશ થતો હતો.
દરમિયાન આગ લાગવાનું કારણ તાત્કાલિક જાણી શકાયું નહોતું. શૉર્ટસર્કિટ અથવા જ્વલનશીલ પદાર્થને કારણે આગ લાગી હતી કે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે. સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ પણ તપાસાઈ રહ્યાં છે. ઘટનાસ્થળે પોલીસ સુરક્ષા ગોઠવી દેવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.