પુણે: પુણે નજીક આવેલા ઐતિહાસિક લોહગઢ કિલ્લામાં ગત 18 જૂનના રોજ થયેલા કેતન અગ્રવાલના શંકાસ્પદ મોતના મામલામાં હવે એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. શરૂઆતમાં અકસ્માત દેખાતી આ ઘટના હવે સત્તાવાર રીતે હત્યાનો કેસ બની ગઈ છે. કેતનના પિતા વિશાલ દેવીચંદ અગ્રવાલે 23 જૂનના રોજ લોનાવલા ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી. જેમાં કેતનની મંગેતર સિયા ગોયલ અને તેના કથિત પ્રેમી ચેતન ચૌધરી પર કેતનને પહાડ પરથી ધક્કો મારીને મારી નાખવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.
મંગેતર સિયાનું વર્તન શંકાસ્પદ હતું
વધારે વિગતે વાત કરવામાં આવે તો, કેતન અગ્રવાલે મૃત્યુ પહેલા તેના પરિવારને જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી સિયા ગોયલનું વર્તન બદલાઈ રહ્યું છે, તે અજીબ પ્રકારનો વ્યવહાર કરવા લાગી છે. નાની-નાની વાતોમાં દબાણ, ઝઘડા કરવા અને વારંવાર ગુસ્સો કરવો આવું સતત વધી રહ્યું હતું. ખાસ કરીને જ્યારે કેતને લોહગઢ કિલ્લાની ટ્રિપ કેન્સલ કરવાનું કહ્યું ત્યારે સિયા વધારે ગુસ્સે થઈ ગઈ હતી. જેથી એવા નક્કી થઈ ગઈ કે, સિયા અને તેનો પ્રેમી કેતનની હત્યાનો પ્લાન પહેલાથી જ બનાવી રાખ્યો હતો. એટલા માટે જ સિયા આ ટ્રિપ કેન્સલ થતા ગુસ્સે થઈ હતી.
સિયા પરાણે કેતનને ફરાવા માટે લઈ ગઈ હતી
ફરિયાદ પ્રમાણે સિયા આ ટ્રિપ પર જવા માટે સતત દબાણ કરી રહી હતી અને જ્યારે કેતને ના પાડી ત્યારે તે ભારે ગુસ્સે ભરાઈ હતી. 17 જૂનની રાત્રે સિયા ગોયલે તેના આગામી જન્મદિવસનું બહાનું કાઢીને કેતનને વોટ્સએપ પર કોલ કર્યો અને આ ટ્રિપ માટે તેની માતાને મનાવી લેવા માટે દબાણ કર્યું હતું. જો કે, કેતનની માતા રાખી અગ્રવાલે શરૂઆતમાં ના પાડી દીધી હતી, પરંતુ સિયાએ પોતે સીધી રાખી અગ્રવાલ સાથે વાત કરીને તેમણે ફરવા જવા માટે મંજૂરી આપી હતી.
પરિવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી અને ખુલી પોલ
આ ટ્રિપ માટે કેતન 18 જૂને ઘરેથી નીકળે છે અને સિયા સાથે લોહગઢ કિલ્લા પર પહોંચે છે. અહીં બંને જણ ફરી રહ્યાં હોય છે. એફઆઈઆર પ્રમાણે સિવાએ આ જ દિવસે સવારે 10:45 આસપાસ કેતનના ઘરે ફોન કર્યો અને કહ્યું કે, કેતન ભૂલથી કિલ્લાની નીચે એક ઊંડી ખીણમાં પડી ગયો છે. પોલીસે સ્થાનિકોની મદદથી તેને ખીણમાંથી બહાર કાઢ્યો હતો, પરંતુ હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે પહેલા જ ડૉક્ટરોએ કેતનને મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો. કેતનનો પરિવાર અને તેનો મિત્રો નવદીપ જિંદલ અને તરૂણ મિત્તર 21 જુને આ લોહગઢ કિલ્લા પર પહોંચે છે. આ કિલ્લાનું નિરિક્ષણ કર્યું ત્યારે એવું જાણવા મળ્યું કે,અહીંથી આકસ્મિક રીતે નીચે પડી જવું શક્ય છે જ નહીં! એટલે પરિવારને આ અકસ્માત નહીં પરંતુ હત્યા લાગી એટલે તેમણે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.
પ્રેમ સંબંધે કેતન અગ્રવાલનો જીવ લીધો
એફઆઈઆરમાં સિયા ગોયલ અને ચેતન ચૌધરી બંનેને આરોપી તરીકે નામજોગ દર્શાવવામાં આવ્યા છે. આરોપ છે કે સિયા અને ચેતનના સંબંધોમાં કેતન અવરોધ બની રહ્યો હતો, તેથી બંનેએ સાથે મળીને કેતનની હત્યાનું કાવતરું ઘડ્યું અને તેને મોતને ઘાટ ઉતારી દીધો. લોનાવલા ગ્રામીણ પોલીસે ભારતીય ન્યાય સંહિતા ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.