Sat Aug 29 2026

Logo

મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર ફરી ગૅસ ટૅન્કરને અકસ્માત...

2026-02-23 18:19:00
Author: Yogesh C. Patel
મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર ફરી ગૅસ ટૅન્કરને અકસ્માત...

ડ્રાઈવરની સમયસૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી અને વાહનચાલકો ટ્રાફિક જૅમમાંથી બચ્યા

મુંબઈ: મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર આડોશી ટનલ પાસે પ્રોપીલીન ગૅસનું ટૅન્કર ઊંધું વળતાં લગભગ 32 કલાકના ટ્રાફિક જૅમની યાદ હજુ વાહનચાલકોના મનમાંથી ભૂંસાઈ નથી ત્યાં સોમવારે ફરી એ જ પ્રોપીલીન ગૅસ ભરેલા ટૅન્કરને આ જ માર્ગ પર લોનાવલા નજીક અકસ્માત થયો હતો. ડ્રાઈવરની સમયસૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને સદ્નસીબે સોમવારે વાહનધારકો લાંબા ટ્રાફિક જૅમથી બચ્યા હતા.

મળતી માહિતી અનુસાર પ્રોપીલીન ગૅસ વહન કરનારું ટૅન્કર કેરળ રાજ્યમાંથી ગુજરાતના દહેજ તરફ જઈ રહ્યું હતું. સોમવારે સવારે 10 વાગ્યાની આસપાસ ટૅન્કર લોનાવલાના અમૃતાંજન બ્રિજ નજીક હતું ત્યારે અકસ્માતની ઘટના બની હતી.કહેવાય છે કે ટૅન્કરની બ્રેક ફ્રેલ થવાને કારણે આ ઘટના બની હતી. પુલ પરના ઢોળાવ પાસે ટૅન્કરની બ્રેક ફેલ થયાની જાણ ડ્રાઈવરને થઈ હતી.

ઢોળાવ પર ટૅન્કરની ગતિને કાબૂમાં લાવવી મુશ્કેલ હતી. ટૅન્કર એક્સપ્રેસ-વે પર ઊંધું વળી ગયું હોત તો ગમખ્વાર અકસ્માત થયો હોત. પરિણામે ડ્રાઈવરે સમયસૂચકતા દાખવી હતી.
ડ્રાઈવરે અકસ્માતમાં અન્ય વાહનોને પણ નુકસાન ન થાય એ રીતે ટૅન્કર રિટેનિંગ વૉલ (ડુંગર તરફની દીવાલ) પર અથડાવ્યું હતું. પરિણામે ટૅન્કર સુરક્ષિત રીતે ઊભું રહી ગયું હતું. ટૅન્કર ઊંધું વળ્યું નહોતું અને તેમાંથી ગૅસ લિકેજ પણ થયો નહોતો.

દરમિયાન અકસ્માતની જાણ થતાં હાઈવે પોલીસ, સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તાત્કાલિક ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત ટૅન્કરને અન્યત્ર ખસેડવામાં આવ્યું હતું અને વાહનવ્યવહાર પૂર્વવત્ કરાયો હતો.