Wed Jun 10 2026

Logo

પ્રિન્સ યાદવને આઇપીએલના પરાક્રમે તાબડતોબ ટીમ ઇન્ડિયામાં પહોંચાડ્યો

2026-05-19 19:58:00
Author: Ajay Motiwala
Article Image

BCCI


પિતાએ પુત્રને ચિંતા બતાવતાં કહેલું, `મયંક, આવેશ, મોહસિન અને અર્જુન તેંડુલકર લાઈનમાં છે... તારો નંબર કેવી રીતે લાગશે?'


અમિત શાહ

મુંબઈઃ `મયંક યાદવ, આવેશ ખાન, મોહસિન ખાન અને અર્જુન તેન્ડુલકર લાઈનમાં છે... તારો નંબર કેવી રીતે લાગશે?' આવી ચિંતા લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) ટીમમાં ફાસ્ટ બોલરોની આખી ફોજ જોઈને રામ વિલાસ યાદવના મનમાં પોતાના દીકરા માટે હતી અને એ ચિંતા થવી સ્વાભાવિક હતી. રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)માં નોકરીને કારણે ઘણા વર્ષો સુધી ઘર અને પરિવારથી દૂર રહ્યા પછી, પોતાના બાળકોનું શું થશે તેની ચિંતા રામ વિલાસ યાદવને સતાવતી હતી. પરંતુ મંગળવારે જાણે તેમના દીકરાએ તેમના માથેથી બધો જ બોજ હળવો કરી દીધો હતો.

નિયતિએ તેના માટે કંઈક અલગ જ લખ્યું હતું. બધાને પાછળ છોડીને આ વર્ષની આઇપીએલ સીઝનમાં શાનદાર બોલિંગ કરીને આ યુવાને ભારતીય ટીમમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે અને પિતાનો બોજ ઓછો કર્યો છે. આપણે વાત કરી રહ્યા છીએ દિલ્હીના ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવ (PRINCE YADAV) વિશે, જેણે પોતાની શાનદાર બોલિંગ શૈલીથી સિલેક્શન કમિટીનું ધ્યાન ખેંચ્યું અને ભારતીય ટીમમાં પોતાના માટે એક ખાસ સ્થાન મેળવ્યું. 14મી જૂનથી અફઘાનિસ્તાન સામે શરૂ થઈ રહેલી ત્રણ વન-ડે મૅચની સિરીઝ માટે પ્રિન્સ યાદવની ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી છે.

લખનઊના બોલર્સમાં મોખરે, વિરાટની વિકેટ લઈ ચૂક્યો છે

24 વર્ષના પ્રિન્સ યાદવે આ વખતની આઇપીએલમાં મંગળવારની રાજસ્થાન સામેની મૅચ પહેલાં લખનઊ વતી 12 મૅચમાં કુલ 16 વિકેટ લીધી છે. તમામ બોલર્સમાં તેનું નામ છઠ્ઠા નંબરે અને લખનઊના બોલર્સમાં પ્રથમ સ્થાને છે. પ્રિન્સે સાતમી મેએ બેંગ્લૂરુના વિરાટ કોહલીની પ્રાઈઝ વિકેટ લીધી હતી.

BCCI

પ્રિન્સનું ફૉકસ 180 ગ્રામના લેધર બૉલ પર જ હતું

દિલ્હી નજીકના 'દરિયાપુર ખુર્દ' જેવા નાના ગામની આસપાસ કોઈ ક્રિકેટ એકેડેમી નહોતી. પણ પ્રિન્સે જીદ પકડી હતી કે તેને ગમે તેમ કરીને ક્રિકેટ કોચિંગ કૅમ્પમાં જવું જ છે. આ પહેલા પ્રિન્સના પરિવારમાં દૂર-દૂર સુધી કોઈએ ક્રિકેટમાં કરિયર બનાવવાનું સપનું પણ જોયું નહોતું. ક્યારેય પૂરું ન થઈ શકે તેવા સપના પાછળ ભાગવા માટે પરિવાર તેને આર્થિક મદદ કરી શકે તેવી સ્થિતિમાં પણ નહોતો. રામ વિલાસ યાદવની ઈચ્છા હતી કે પ્રિન્સ ભારતીય સેના અથવા પોલીસમાં ભરતી થાય અને એ માટે પ્રિન્સે દિલ્હી પોલીસની શારીરિક કસોટી (ફિઝિકલ ટેસ્ટ) પાસ પણ કરી લીધી હતી. જોકે ક્રિકેટના પાગલપનને કારણે તેણે લેખિત પરીક્ષા આપવાનો ઇનકાર કરી દીધો. તેના મનમાં તો 180 ગ્રામના લેધર બૉલને પોતાના ઈશારે નચાવવાનું સપનું હતું. પ્રિન્સની માતા સંતોષ યાદવ હંમેશા ટોણા મારતી કે, `તમે તેને રમાડીને તેનું જીવન બગાડી રહ્યા છો.'

પરંતુ પ્રિન્સની જીદ કંઈક અલગ જ હતી. વહેલી સવારે અંધારામાં સરકારી બસોમાં અડધું દિલ્હી પાર કરતો, સાંજે થાકી-હારીને ઘરે પાછો ફરતો અને બીજા દિવસે ફરી એ જ ઉત્સાહથી દોડતો... પ્રિન્સની આ મહેનતનું ફળ જો તેને નહીં મળે તો શું થશે? 20-21 વર્ષની ઉંમરે જ્યારે અન્ય યુવાનો ખાકી વર્દી પહેરીને નોકરીમાં આગળ વધી રહ્યા હતા, ત્યારે પ્રિન્સને હાથમાં બૉલ લઈને ગામના મેદાનો પર બોલિંગ કરતો જોઈને તેના માતા-પિતાને હંમેશા દુઃખ થતું હતું.

કાકાએ આપ્યું પ્રિન્સ નામ

ઉત્તર દિલ્હીના કોચિંગ ગ્રાઉન્ડ પર જવા માટે થતી ત્રણ કલાકની મુસાફરી અને અમિત વસિષ્ઠ નામના કોચે જ્યારે કહ્યું કે `આ છોકરામાં કંઈક ખાસ છે', ત્યારે તેના માતા-પિતાને આ વાત પર વિશ્વાસ નહોતો બેસતો. પરંતુ કાકા વિક્રમ યાદવે આપેલું 'પ્રિન્સ' નામ વાસ્તવિક જીવનમાં કેવી રીતે સાર્થક કરવું, તે સપનું પૂરું કરવા માટે પ્રિન્સ રાત-દિવસ મહેનત કરી રહ્યો હતો.

જોકે તેને 2019માં એક મોટો ઝટકો લાગ્યો હતો. દિલ્હી અંડર-19 ટીમમાં રમવા માટે પ્રિન્સે ઉંમરના ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા. કાગળ પર તેની ઉંમર ચાર વર્ષ ઓછી દર્શાવવામાં આવી હતી. પરિણામે, બીસીસીઆઇએ તેના પર બે વર્ષનો પ્રતિબંધ મૂકી દીધો હતો. હવે જાણે તેના પર આભ તૂટી પડ્યું. કોઈ મૅચ નહીં, કોઈ પ્રૅક્ટિસ નહીં, કંઈ જ નહીં. પરિવારને લાગ્યું કે બસ! હવે પ્રિન્સની રમત પૂરી થઈ ગઈ. આવા છોકરાને ફરી કોણ તક આપશે? પરંતુ 2024માં જ્યારે 'દિલ્હી પ્રીમિયર લીગ' (ડીપીએલ) શરૂ થઈ ત્યારે પ્રિન્સને તક મળી અને તેણે પોતાની ઘાતક બોલિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

ગોયેન્કાનો કૉલ આવ્યો, પરિવાર ભાવુક થયો

BCCI

એ ટૂર્નામેન્ટ તેના માટે નસીબના દ્વાર ખોલનારી સાબિત થઈ. `પુરાની દિલ્હી-6' (રિષભ પંતની ટીમ) તરફથી રમતા પ્રિન્સે 13 વિકેટ લીધી હતી. ડીપીએલના ઈતિહાસમાં પ્રથમ હૅટ-ટ્રિક લેવાનો રેકૉર્ડ પણ તેણે પોતાના નામે કર્યો હતો. નવેમ્બરમાં `લખનઊ સુપર જાયન્ટ્સ' એ તેના પર 30 લાખ રૂપિયાની બોલી લગાવી હતી.

આઈપીએલ હરાજીના દિવસે પ્રિન્સનો આખો પરિવાર ટીવી સામે બેઠો હતો. જ્યારે ઑક્શનમાં પ્રિન્સનું નામ આવ્યું ત્યારે સ્ક્રીન પર કોઈ બીજો જ ચહેરો આવ્યો, જે ગાઝિયાબાદના એક બૅટ્સમૅનનો હતો. પરિવારના ધબકારા થોડી ક્ષણો માટે થંભી ગયા હતા. આવા મૂંઝવણભર્યા વાતાવરણમાં પ્રિન્સના મોબાઈલ પર એક ફોન આવ્યો અને એ ફોન ખુદ લખનઊ સુપર જાયન્ટ્સ ટીમના માલિક સંજીવ ગોયેન્કાનો હતો. તેમણે સીધો પ્રિન્સનો સંપર્ક કર્યો અને પોતાની ટીમમાં સામેલ થવા બદલ તેને અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે પ્રિન્સે ઘરે ફોન કર્યો ત્યારે પરિવારજનો ભાવુક હતા અને તેમના મનમાંથી તણાવનું વાતાવરણ દૂર થયું હતું. એ રાત દરિયાપુર ગામ ક્યારેય નહીં ભૂલે. અડધી રાત સુધી આખા ગામમાં જશનનો માહોલ હતો કે તેમના ગામનો છોકરો આઈપીએલની ટીમમાં સિલેક્ટ થયો છે.

ન રમવા મળ્યું એટલે પણ ચિંતા હતી!

શરૂઆતના બે વર્ષ એક પણ મૅચ ન રમવા મળવી એ પ્રિન્સ અને તેના પરિવાર માટે ખૂબ જ કષ્ટદાયક હતું. પૈસા તો મળી રહ્યા હતા, પણ મૅચ નહોતી મળી રહી એટલે ભવિષ્યમાં શું થશે તેની ચિંતા તેમને સતાવતી હતી. જોકે આ વર્ષની આઈપીએલ સીઝનમાં પ્રિન્સ લખનઊના મુખ્ય ફાસ્ટ બોલર તરીકે ઊભરી આવ્યો. તેણે ફ્રેન્ચાઈઝી તરફથી વિકેટ લેનારાઓની યાદીમાં ભારતીય ટીમના મુખ્ય બોલર મોહમ્મદ શમીને પણ પાછળ છોડી દીધો છે.

થોડા વર્ષો પહેલાં પોતાના પેન્શનથી પરિવારનું ઘર કેવી રીતે ચાલશે અને બાળકોના ભવિષ્યની ચિંતા કરનારા રામ વિલાસ યાદવ આજે પોતાના ડ્રોઇંગ રૂમમાં રાખેલા મોટા ટીવી પર પોતાના દીકરાની રમત જોઈ રહ્યા છે. નાના ગામમાંથી પ્રિન્સે જોયેલું સપનું પૂરું થઈ ગયું છે, તેના પર હજી પણ તેમને વિશ્વાસ નથી બેસતો. પરંતુ ત્રણ વર્ષ પહેલા ડ્રોઇંગ રૂમની જે દીવાલો ખાલી હતી, આજે ત્યાં સજાવેલી ચમકતી ટ્રોફીઓ જોઈને માતા-પિતા બંનેની આંખો ગર્વથી છલકાઈ આવે છે.

લખનઊની ટીમના માલિક ડૉ. સંજીવ ગોયંકાએ સોશિયલ મીડિયામાં પ્રિન્સ યાદવને ભારતની વન-ડે ટીમમાં સિલેક્ટ થવા બદલ અભિનંદન પાઠવ્યા છે.