અકોલા: કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય અને અખિલ ભારતીય આયુર્વેદ મહાસંમેલન દ્વારા બુલઢાણા જિલ્લાના શેગાંવ ખાતે આયોજિત રાષ્ટ્રીય આરોગ્ય મેળાના ઉદ્ઘાટન માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ૨૫ ફેબ્રુઆરીએ શેગાંવ આવ્યા હતા. રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર ઉતારવા માટે સંસ્થાનની જગ્યા પર હેલિપેડ બનાવવામાં આવ્યું હતું, જેના માટે અંદાજે ૪.૧૦ કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું.
હવે તે હેલિપેડને તોડી નાખવામાં આવશે. કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ હર્ષવર્ધન સપકાળે ગંભીર આરોપ લગાવ્યો હતો કે, આ એક રીતે સરકારી ભંડોળનો વેડફાટ છે અને એક કાર્યક્રમ માટે ૧૦થી ૧૫ કરોડ રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો. તેમણે કેન્દ્રીય રાજ્યપ્રધાન પ્રતાપરાવ જાધવ પર પણ ગંભીર આક્ષેપો કર્યા હતા.
હર્ષવર્ધન સપકાળે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કેન્દ્રીય રાજ્યપ્રધાન પ્રતાપરાવ જાધવ પર નિશાન સાધતાં કહ્યું કે, આ મેળાનો લાભ એક પણ ખેડૂતને થયો નથી. આ મેળાના ઉદ્ઘાટન માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આવીને ગયા. સંત ગજાનન મહારાજ સંસ્થાને એક રૂપિયો પણ લીધા વિના ત્રણ હેલિકોપ્ટર ઉતારવા માટે જગ્યા મફત આપી હતી.
આ સ્થળ પર ૪ કરોડ ૧૦ લાખ રૂપિયાના ખર્ચે હેલિપેડ બનાવવામાં આવ્યું હતું. હવે રાષ્ટ્રપતિ ગયા પછી આ હેલિપેડ તોડી પાડવામાં આવશે.
હેલિપેડ બનાવવા સામે કોઈ વિરોધ નથી. પરંતુ, જો આ જ હેલિપેડ થોડી દીર્ઘદ્રષ્ટિ વાપરીને શેગાંવમાં સરકારી જમીન પર બનાવવામાં આવ્યું હોત, તો તેનો કાયમી ઉપયોગ થઈ શક્યો હોત.
માત્ર બે દિવસ માટે સામાન્ય જનતા અને ખેડૂતોના ૪ કરોડ ૧૦ લાખ રૂપિયાના સરકારી ભંડોળનો એક રીતે વેડફાટ થયો છે. જો થોડું આયોજન કર્યું હોત, તો શેગાંવને કાયમી હેલિપેડ મળ્યું હોત," એવી ટીકા સપકાળે કરી હતી.