Sat Aug 29 2026

Logo

પીએમ મોદીને વધાવવા જામનગર સજ્જ, રોશનીના અવનવા શણગારથી ઝળહળી ઉઠ્યું શહેર

2026-05-10 09:28:00
Author: Vimal Prajapati
પીએમ મોદીને વધાવવા જામનગર સજ્જ, રોશનીના અવનવા શણગારથી ઝળહળી ઉઠ્યું શહેર

જામનગરઃ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી તારીખ 10 અને 11 મેના રોજ બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. આજે સાંજે તેઓ જામનગરની મુલાકાતે પહોંચવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન માટે અને તેમને વધાવવા માટે સમગ્ર શહેરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. એરફોર્સ સ્ટેશનથી લઈ લાલ બંગલા સર્કલ સુધીના સમગ્ર રૂટને ઝળહળતી રોશનીથી સજાવવામાં આવ્યો છે. 

પીએમ મોદી જામનગરમાં તેઓ રાત્રિ રોકાણ કરશે

મળતી જાણકારી પ્રમાણે પીએમ મોદી 10 મેના રોજ સાંજે દિલ્હીથી સીધા જામનગર પહોંચશે. જામનગરમાં તેઓ રાત્રિ રોકાણ કરશે. PM મોદીના આગમનને લઈને સ્થાનિક વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. જેને લઈને શહેરના મુખ્ય સ્થળો જેવા કે દરબારગઢ, ડી.કે.વી. કોલેજ, બેડી નાકુ, પવનચક્કી, અન્નપૂર્ણા સર્કલ તથા મહાકાળી સર્કલ ખાતે વિશેષ લાઈટિંગ અને અવનવી રોશની દ્વારા દિવાળી જેવો માહોલ ઊભો કરવામાં આવ્યો છે. 

લાલ બંગલા સર્કલ ખાતે વિશાળ જન અભિવાદન કાર્યક્રમ

આ સાથે જ દરેક મુખ્ય સર્કલ પર વડાપ્રધાનના નેતૃત્વમાં અમલી બનેલી જન-ઉપયોગી યોજનાઓની સફર દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મનું નિદર્શન પણ યોજાઇ રહ્યું છે. તારીખ 10મીની રાત્રે અંદાજે 07.30 કલાકે લાલ બંગલા સર્કલ ખાતે વિશાળ જન અભિવાદન કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર કીર્તિદાન ગઢવી દ્વારા લોક ડાયરો પ્રસ્તુત કરવામાં આવશે. આ સાથે સાથે સૌરાષ્ટ્રની રાસ મંડળીઓ દ્વારા હુડો રાસ, સિદી ધમાલ નૃત્ય, મણિયારો રાસ સહિતના પરંપરાગત લોકનૃત્યો તથા ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની ભવ્ય પ્રસ્તુતિ પણ રજૂ કરવામાં આવશે.