નવી દિલ્હી: ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં આતંકીઓના ગઢ ગણાતા બહાવલપુર પર કરવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર'ને આજે એક વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ આતંકીઓના મનમાં હજુ પણ તે રાતનો ફફડાટ જોવા મળી રહ્યો છે. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે તાજેતરમાં સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તે ભયાનક મંજરની કબૂલાત કરી છે.
આકાશમાંથી આગ વરસી રહી હતી: જૈશની કબૂલાત
જૈશ-એ-મોહમ્મદે તેની પોસ્ટમાં લખ્યું કે, "તે રાત ખૂબ જ વિચિત્ર હતી. આકાશમાંથી આગના ગોળા વરસી રહ્યા હતા અને ચારેતરફ જોરદાર ધડાકા થઈ રહ્યા હતા." ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે બહાવલપુરમાં જૈશના હેડક્વાર્ટર ‘સુભાન અલ્લાહ મસ્જિદ’ સહિત ત્રણ મોટા મથકોને નેસ્તનાબૂદ કરી દીધા હતા. આ હુમલામાં મસૂદ અઝહરના પરિવાર સહિત અનેક આતંકીઓ માર્યા ગયા હતા.
પાકિસ્તાનનું 'બુન્યાન અલ મરસૂસ' નિષ્ફળ
ભારતના આક્રમક ઓપરેશન સામે પાકિસ્તાને બચાવ માટે 'ઓપરેશન બુન્યાન અલ મરસૂસ' (જેનો અર્થ 'સીસા જેવી મજબૂત દીવાલ' થાય છે) રૂ કર્યું હતું. પાકિસ્તાન દુનિયા સામે પોતાની રક્ષાત્મક શક્તિના બણગાં ફૂંકવા માંગતું હતું, પરંતુ ભારતીય વાયુસેનાએ આ 'દીવાલ'ને તોડીને આતંકના કિલ્લાઓ ધ્વસ્ત કરી દીધા હતા. ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન બેનકાબ થયું હતું. પાકિસ્તાન અનેક આંતકીઓને છવારી રહ્યું હતું. એટલે જે ભારતે આ કાર્યવાહી કરવી પડી હતી.
નવી ભરતી અને પ્રચારનો સહારો
પોતાની કમર તૂટી ગયા બાદ હવે જૈશ તેની મહિલા વિંગ 'અલ-મોમિનાત' દ્વારા નવો પ્રચાર કરી રહ્યું છે. સંગઠનનો દાવો છે કે તેઓએ હજારો મહિલાઓ સુધી પહોંચી શક્યા અને નવી મસ્જિદોનું નિર્માણ શરૂ કર્યું છે. જૈશના મુખ્ય મથક, મસ્જિદ સુભાન અલ્લાહ સહિત ત્રણ મુખ્ય કેન્દ્રોના વિનાશનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે જ્યારે ત્રણ કેન્દ્રોનો નાશ કરવામાં આવ્યો હતો, ત્યારે તેમને પછીથી પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા, અને બાર નવી મસ્જિદોનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે.
ભારતે પાકિસ્તાનને ઓપરેશન સિંદૂરથી જવાબ આપ્યો
પાક આતંકીઓ દ્વારા પહલગામમાં નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી હતી, જેનો ભારતે ઓપરેશન સિંદૂરથી જવાબ આપ્યો હતો. આ ઓપરેશન દરમિયાન પાકિસ્તાન અને પીઓકેમાં આવેલી આતંકી ઠેકાણાઓને નિશાન બનાવીને ધ્વસ્ત કરી દેવામાં આવ્યાં હતાં. ઓપરેશન સિંદૂર હેઠર આતંકવાદીઓના અનેક ટ્રેનિંગ સેન્ટરોને પણ ઉડાવી દેવામાં આવ્યાં હતાં. જેમાં જૈશ-એ-મોહમ્મદનું બહાવલપુર પણ સામેલ હતું.