Thu Sep 03 2026

Logo

કચ્છ બન્યું અગનભઠ્ઠી: અંજાર-ગાંધીધામ 44.4 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી ગરમ, આગામી 6 દિવસ ‘યલો એલર્ટ’

2026-05-10 15:00:00
Author: Mumbai Samachar Team
કચ્છ બન્યું અગનભઠ્ઠી: અંજાર-ગાંધીધામ 44.4 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી ગરમ, આગામી 6 દિવસ ‘યલો એલર્ટ’

ભુજ: સરહદી જિલ્લા કચ્છમાં મે મહિનાની શરૂઆત સાથે જ સૂર્યનારાયણે પ્રકોપ વરસાવવાનું શરૂ કર્યું છે. સમગ્ર જિલ્લો હાલ ગરમ પવનો અને લૂની ચપેટમાં છે. શનિવારે જિલ્લાના અંજાર અને ગાંધીધામ શહેરોમાં તાપમાનનો પારો 44.4 ડિગ્રી સુધી પહોંચી જતાં આ પટ્ટો સમગ્ર ગુજરાતનો સૌથી ગરમ વિસ્તાર સાબિત થયો હતો. કચ્છમાં ઉનાળાએ આક્રમક મિજાજ ધારણ કર્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર જિલ્લો અગનભઠ્ઠીમાં ફેરવાયો છે, જેમાં અંજાર અને ગાંધીધામમાં પારો 44.4 ડિગ્રીએ પહોંચતા આ વિસ્તાર રાજ્યનો સૌથી 'હોટ ઝોન' નોંધાયો હતો. 

ભુજમાં અંગ દઝાડતી ગરમી

બળબળતા તાપ અને લૂના પ્રકોપને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. જિલ્લા મથક ભુજમાં પણ ૪૨ ડિગ્રી તાપમાન નોંધાયું છે. બપોરના સમયે રસ્તાઓ સૂમસામ ભાસી રહ્યા છે અને લોકો ગરમીથી બચવા માટે ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે. હવામાન વિભાગે કચ્છ માટે આગામી 6 દિવસનું ‘યલો એલર્ટ’ જાહેર કર્યું છે, જેનો અર્થ છે કે હજુ ગરમીનો પારો 45 ડિગ્રીને વટાવી શકે છે.

ઐતિહાસિક રેકોર્ડ તરફ પારો?

કચ્છમાં ગરમીનો ઈતિહાસ ઘણો જૂનો છે. ભુજમાં અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન ૧૮૮૬માં ૪૭.૮ ડિગ્રી નોંધાયું હતું. જોકે, છેલ્લા એક દાયકામાં પણ પારો ૪૬ ડિગ્રી સુધી પહોંચી જતો હોય છે. એપ્રિલમાં કંડલામાં ૪૫ ડિગ્રી નોંધાયા બાદ હવે મે મહિનાના આ બીજા રાઉન્ડમાં ગરમી નવા રેકોર્ડ તોડે તેવી પૂરેપૂરી શક્યતા છે.

(ઉત્સવ વૈદ્ય)