Tue Aug 25 2026

Logo

સનાતન ધર્મના પ્રચારાર્થે મહાયજ્ઞ, દેશભરના તીર્થોના જળથી થશે અભિષેક

2026-05-10 12:25:14
Author: Mumbai Samachar Team
સનાતન ધર્મના પ્રચારાર્થે મહાયજ્ઞ, દેશભરના તીર્થોના જળથી થશે અભિષેક

અમદાવાદઃ ગુજરાત સહિત દેશમાં સનાતન ધર્મના પ્રચાર માટે અખંડ સનાતની સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને 13 દિવસ ભારતભરનાં પવિત્ર તીર્થ સ્થળોએ યાત્રા કરવામાં આવશે. આ 13 દિવસીય યાત્રામાં પવિત્ર તીર્થોના જળને સંકલિત કરીને વૈદિક વિધિથી અભિષેક કરવામાં આવશે. શ્રી મામાદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે. જનો હેતુ ગુરુ શિષ્ય પરંપરા અને સનાતન ધર્મની સાચી દિશાને પુનઃ પ્રજ્વલિત કરવાનો છે. 

અખંડ સનાતન જનજાગૃતિ યાત્રા પરમ પૂજ્ય “શ્રી શ્રી ૧૦૦૮ પરીવ્રાજકાચાર્ય, ક્ષોત્રિય બ્રહ્મનિષ્ટ, જગતગુરુ સ્વામી વીરભદ્રાનંદ ગિરિ મહારાજ, અનંત શ્રી વિભૂષિત પૂજ્યપાદ મામા સરકાર” ના દિવ્ય સંકલ્પથી એક આધ્યાત્મિક મહાયજ્ઞ છે.   આ યાત્રા પ્રથમ દિવસે સવારે, ૩૩ મિનિટનો યજ્ઞ અને પવિત્ર પ્રતિજ્ઞા લીધા બાદ, બાવળાથી શરૂ થશે. જે, બિંદુ સરોવર ખાતે પહોંચશે, અને ત્યાં દૂધ, ફૂલો અને દીવાઓનો ઉપયોગ કરીને પૂજા કરવામાં આવશે; ત્યારબાદ, પવિત્ર પ્રતિજ્ઞા-જળ લઈને, યાત્રીઓ શ્રી અંબાજી તરફ આગળ વધશે. શ્રી જગતજનની મા અંબા ના દર્શન બાદ યાત્રા પુષ્કરના શ્રી પંચ દશનામ જુના અખાડા આશ્રમમાં, રાત્રિભોજન કરી રાત્રે આરામ કરી બીજા દિવસે આ યાત્રા પુષ્કરરાજ શ્રી બ્રહ્મા જી મંદિર જયપુર તરફ પ્રસ્થાન કરશે, ત્યારબાદ જયપુરમાં શ્રી બાંકે બિહારી ઠાકોરજીના “સંકલ્પ દર્શન” કર્યા બાદ તેઓ દિલ્હી રવાના થશે. 

ત્રીજા દિવસે દિલ્હીમાં, નવા સંસદ ભવનની મુલાકાત કરી અને કેટલાક પવિત્ર અને સદાચારી સંસદસભ્યોને આશીર્વાદ આપ્યા પછી, આ યાત્રા હરિદ્વાર જવા રવાના થશે. ચોથા અને પાંચમા દિવસે હરિદ્વાર બાદ યાત્રા ઋષિકેશ પવિત્ર સંકલ્પ સાથે સ્નાન કરશે. સાતમાં દિવસે આ યાત્રા  શ્રી જાગેશ્વર ધામ ઉત્તરાખંડ પહોંચશે. આઠમાં દિવસે ઉત્તરાખંડમાં આવેલા શ્રી કાલી માતા મંદિરના દર્શન કરવામાં આવશે. નવમાં દિવસે આ યાત્રા શ્રી આદિ કૈલાશ સંકલ્પ દર્શને પહોંચશે. જ્યાં  શ્રી ગણેશ પર્વત અને શ્રી પાર્વતી સરોવરના દર્શન કરવામાં આવશે. આ ઉપરાંત, શ્રી ઓમ પર્વત ના દર્શન કરી ત્યાં થી પૂજા પાઠ કરી પવિત્ર જળ લઇશું પછી અયોધ્યા પહોંચી 11 માં દિવસે ભગવાન શ્રી રામ ના દર્શન કરવામાં આવશે. અને છેલ્લે 12 માં દિવસે  શ્રી કાશી વિશ્વનાથ મંદિરના સંકલ્પ દર્શન કરવામાં આવશે.