Sun May 10 2026

Logo

સુવેન્દુ અધિકારીના PSની હત્યા કેસમાં નવા ખુલાસા, યુપી-બિહારથી શૂટર બોલાવ્યાની આશંકા

2026-05-10 15:10:53
Author: Mumbai Samachar Team
Article Image

કોલકાતાઃ પ.બંગાળના મુખ્યપ્રધાન સુવેન્દુ અધિકારીના ખાનગી સચિવ ચંદ્રનાથ રથની હત્યા મામલે ખાસ તપાસ દળને એક મહત્વપૂર્ણ પુરાવો હાથ લાગ્યો છે. અપરાધીઓએ આ ઘટનામાં જપ્ત કારથી બાલી ટોલ બ્રિજ પાર કરતી વખતે યુપીઆઇ દ્વારા ચૂકવણી કરી હતી. હવે પોલીસ યુપીઆઇ સાથે સંકળાયેલા તથ્યોની મદદથી અપરાધીઓ સુધી પહોંચવા માંગે છે. 

પોલીસે આ મામલે ત્રણ લોકોની અટકાયત કરીને પૂછપરછ પણ શરૂ કરી છે, જોકે અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. ઘટનાના ત્રણ દિવસ પછી પણ હુમલાખોરો પોલીસની પકડથી બહાર છે. અપરાધીઓએ ઉત્તર 24 પરગણા જિલ્લાના માધ્યમગ્રામમાં ગુરુવારે રાત્રે ચંદ્રનાથની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

આરોપીઓના ફરાર થતા રુટના સીસીટીવી ખરાબ

તપાસમાં હવે સૌથી મોટો પડકાર ગુનેગારો જે રસ્તેથી ભાગ્યા હતા તેના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવવાનું બની ગયું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, દોહારિયા-માઠપાડા વિસ્તારના જે રસ્તેથી ગુનેગારો ફરાર થયા હોવાનું અનુમાન છે, ત્યાંના ઘણા સીસીટીવી કેમેરા લાંબા સમયથી બંધ હાલતમાં છે. તપાસ અધિકારીઓનું માનવું છે કે ગુનેગારો અંધારું થવાની રાહ જોઈ રહ્યા હતા, જેથી તેજ ગતિએ બાઇક પર ભાગતી વખતે તેમનો ચહેરો અથવા બાઇકની નંબર પ્લેટ કેમેરામાં સ્પષ્ટપણે કેદ ન થઈ શકે.

યૂપી અને બિહારથી શૂટર બોલાવ્યાની આશંકા

તપાસ માટે પોલીસની બે ટીમો ઉત્તર પ્રદેશ અને બિહાર મોકલવામાં આવી છે. અધિકારીઓને શંકા છે કે પ્રોફેશનલ શાર્પ શૂટરોને આ રાજ્યોમાંથી બોલાવવામાં આવ્યા હતા. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)નું અનુમાન છે કે હુમલાખોરો પાસે અગાઉથી જ એ માહિતી હતી કે ચંદ્રનાથ રથ કારમાં ક્યાં બેઠા હતા. આ જ કારણસર આરોપીઓએ તેમના પર ખૂબ જ સચોટ રીતે હુમલો કર્યો હતો. પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે અન્ય એક શંકાસ્પદ વાહનની ઓળખ કરી છે, જે આ હત્યાકાંડમાં વપરાયેલી કારનો પીછો કરી રહ્યું હતું.