Tue Aug 25 2026

Logo

PM મોદી વિદેશમાં ભારતની પ્રતિષ્ઠા વધારી રહ્યા છે: શરદ પવારના નિવેદનથી રાજકારણ ગરમાયું

2026-05-20 21:23:27
Author: Mumbai Samachar Team
PM મોદી વિદેશમાં ભારતની પ્રતિષ્ઠા વધારી રહ્યા છે: શરદ પવારના નિવેદનથી રાજકારણ ગરમાયું

મુંબઈ: એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે કહ્યું હતું કે ભલે તેઓ રાજકીય રીતે નરેન્દ્ર મોદીથી અલગ હોય, પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે વડા પ્રધાન તરીકે, તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની પ્રતિષ્ઠા જાળવી રાખવા માટે કામ કરી રહ્યા છે.

એક કાર્યક્રમમાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને ભાર મૂક્યો હતો કે જ્યારે પણ રાષ્ટ્રીય હિત માટે સામૂહિક રીતે કામ કરવાની તક મળે, ત્યારે દરેકે તેમાં સમાન હેતુ માટે સામુહિક રીતે જોડાવવું જોઈએ અને દેશની પ્રતિષ્ઠાને મજબૂત કરવામાં મદદ કરવી જોઈએ. 

તેમણે એમ પણ કહ્યું હતું કે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધી, પી.વી. નરસિંહ રાવ અને ડો. મનમોહન સિંહ જેવા નેતાઓએ હંમેશાં તેમના નેતૃત્વના કેન્દ્રમાં દેશના ભવિષ્ય અને પ્રતિષ્ઠાને રાખી છે.

ભારતની પ્રતિષ્ઠાનું રક્ષણ કરવાની વાત આવે ત્યારે રાજકીય મતભેદો આડે ન આવવા જોઈએ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિદેશમાં દેશનું સન્માન જાળવવા માટે કામ કરી રહ્યા છે, પવારે જણાવ્યું હતું.

રાજ્યસભાના સભ્ય પુણે સ્થિત લક્ષ્મણરાવ ગુટ્ટે રૂરલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ભૂતપૂર્વ રાજ્ય અને જિલ્લા પદાધિકારીઓના કૃતજ્ઞતા અને ફેલોશિપ મેળાવડામાં બોલી રહ્યા હતા.

જોકે, શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉત પવાર સાથે અસંમત હતા. પવાર દ્વારા મોદીને સમર્થન આપવા અંગેના પ્રશ્નના જવાબમાં રાઉતે કહ્યું, "અમે તેમના નિવેદન સાથે સહમત નથી. વડા પ્રધાને પ્રશ્નોના જવાબ આપવા જ જોઈએ."

(પીટીઆઈ)