Tue Jul 28 2026

Logo

ફોક્સઃ પિરિયડ્સના તે પાંચ દિવસ...

2026-06-02 09:03:00
Author: Madhu Singh
Article Image

મધુ સિંહ  

છોકરીઓનાં જીવનમાં પ્યુબર્ટી પછી પાંચ દિવસ એવા હોય છે, જે તેમના કોઈપણ પ્રોગ્રામ કે ખુશીની પળોમાં ખલેલ પહોંચાડે છે. છોકરીઓ આ પાંચ દિવસો માટે પોતાને માનસિક રીતે સંપૂર્ણપણે તૈયાર રાખે છે. તેમ છતાં પણ તે પાંચ દિવસોમાં તેમના ચહેરા પરથી હાસ્ય ગાયબ થઈ જાય છે. તે પાંચ દિવસ તેમના માટે ચિંતા, તણાવ અને સ્ટ્રેસથી ભરેલાં હોય છે. આખરે આવું કેમ થાય છે?

છોકરીઓને પિરિયડ્સ આવ્યા પછી પણ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. તેમને ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ ન લેવાની, ઓછું નાહવું, માથું ન ધોવું, અથાણાંને હાથ ન લગાવવો જેવી ન જાણે કેટલીય વસ્તુઓ ન કરવાની સલાહ આપવામાં આવે છે. ખાવા-પીવાની ઘણી બધી વસ્તુઓ માટે મનાઈ કરવામાં આવે છે. આ સમય દરમિયાન તેમને થાક, પેટનો દુખાવો, કમરનો દુખાવો, માથાનો દુખાવો જેવી તકલીફો તેમના ચહેરાની રોનક બગાડી નાખે છે. 

પિરિયડ્સ એ શરીરની એક સામાન્ય પ્રક્રિયા છે. જે છોકરીઓની પિરિયડ સાઇકલ નિયમિત હોય છે, તેમના શરીરમાં અમુક દિવસો પછી અંડકોષ નબળા પડવા લાગે છે અને જો તેઓ ગર્ભધારણ નથી કરતી, તો તે પોતાની જાતે જ શરીરની બહાર નીકળી જાય છે. આ પ્રક્રિયા દર મહિને ચાલે છે. પિરિયડ્સને લઈને ઘણી માન્યતાઓ અને વિવિધતાઓ હોય છે. કોઈને આ નાની ઉંમરમાં શરૂ થાય છે, તો કોઈ થોડા મોટા થાય પછી શરૂ થાય છે. કોઈને ઓછા દિવસ બ્લીડિંગ થાય છે, તો કોઈને લાંબા સમય સુધી પણ થઈ શકે છે. 

મહિલાઓમાં આ ગર્ભધારણનો સૂચક હોઈ શકે છે. કેટલીક મહિલાઓમાં પિરિયડ્સ શરૂ થયાના બે દિવસની અંદર પણ પૂરા થઈ શકે છે અને પાંચથી સાત દિવસ સુધી પણ ચાલી શકે છે. કોઈને બ્લીડિંગ ખૂબ વધારે થાય છે, તો કોઈને ઓછું થાય છે. આ બધું દરેકના પોતાના શરીર પર નિર્ભર કરે છે. પિરિયડ્સના દિવસોમાં છોકરીઓના મૂડમાં સતત બદલાવ આવતો રહે છે. અચાનક ગુસ્સે થઈ જવું કે ઉદાસ થઈ જવું, આ પ્રકારના લક્ષણો પિરિયડ્સ શરૂ થવાના થોડા દિવસો પહેલા જોવા મળે છે, જેને ‘પ્રી-મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ’ (પીએમએસ) કહેવામાં આવે છે.

મૂડ સ્વિંગ હોર્મોન્સમાં થતા ફેરફારોને કારણે થાય છે. આ સમય દરમિયાન તેઓ ઘણા પ્રકારના ભાવનાત્મક ફેરફારો પણ અનુભવે છે. આ સમસ્યાઓ સામાન્ય રીતે તેમના માસિક સ્રાવના અંત સાથે પોતાની મેળે દૂર થઈ જાય છે. આ પાંચ દિવસોમાં થતા મૂડ સ્વિંગ, બદલાવ અને સ્ટ્રેસમાંથી સંપૂર્ણ મુક્તિ તો મેળવી શકાતી નથી, પરંતુ હા, યોગ્ય ખાનપાન, પૂરતી ઊંઘ અને કસરત દ્વારા તેનાથી ઘણી હદ સુધી રાહત મેળવી શકાય છે. 

પિરિયડ પહેલા અને તે દિવસો દરમિયાન પેટના નીચેના ભાગમાં અને કમરમાં દુખાવો થવો એ એક સામાન્ય સમસ્યા છે. જેનું કારણ પ્રોસ્ટેગ્લેન્ડિન છે. આ એક પ્રકારનું રસાયણ છે જે ગર્ભાશયની નજીકથી નીકળે છે. ઉંમર વધવાની સાથે આ દુખાવામાં પણ ઘટાડો થતો જાય છે. આ દુખાવાનો સામનો કરવા માટે દવાઓનો ઉપયોગ કરવાને બદલે ગરમ પાણીની બોટલથી શેક કરો. નિયમિત કસરત દ્વારા આ દુખાવા પર ઘણી હદ સુધી કાબૂ મેળવી શકાય છે. દુખાવાથી બચવા માટે નવશેકું પાણી પીવો.

પિરિયડ્સના દિવસોમાં થતા રક્તસ્ત્રાવના કારણે દર મહિને શરીરમાંથી મોટી માત્રામાં આયર્ન અને વિટામિન્સ વહી જાય છે, જેના કારણે શરીરમાં આ તત્ત્વોની ઉણપ થવાનું જોખમ રહે છે. જો તેમની ઉણપ થઈ જાય, તો પિરિયડ સાઇકલ પણ ખોરવાઈ જાય છે. આથી, પોતાના ખોરાકમાં આયર્ન અને વિટામિનયુક્ત આહાર લો. સાથે જ, શરીરમાં કેલ્શિયમની ઉણપને પૂરી કરવા માટે આ દિવસોમાં દહીં ખાઓ. તે કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. 

મોસમી ફળો અને દૂધ નિયમિતપણે લો. લીલા શાકભાજીમાં વિટામિન ‘કે’ વધુ હોય છે, જે શરીરને વધારે પડતા રક્તસ્ત્રાવથી બચાવે છે. આ સિવાય, આ શાકભાજીમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે, જે આ પાંચ દિવસોમાં શરીરમાંથી વહી ગયેલા લોહીના કારણે થતી લોહીની ઉણપને પૂરી કરે છે.

આ બધા સિવાય, આ દિવસોમાં આયર્નયુક્ત સપ્લીમેન્ટ્સ લેવા જોઈએ જેથી શરીરમાં થયેલા નુકસાનની ભરપાઈ કરી શકાય. પિરિયડ્સ દરમિયાન વધારે તકલીફ ન થાય, તે માટે ભરપૂર પ્રમાણમાં પાણી પીવો. તેમજ શારીરિક સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
જો તમારી દીકરીને 16 કે 17 વર્ષની ઉંમર સુધી પિરિયડ્સ આવવાનું શરૂ ન થાય તો સમજી જવું કે તેને મેડિકલ હેલ્પની જરૂર છે.