Tue Aug 25 2026

Logo

મહારાષ્ટ્રમાં હનુમાનજીના મંદિરમાં અચાનક છત ધરાશાયી થતા 5 ભાવિકોનાં મોત, ભીડનું કારણ કે વ્યવસ્થાનો અભાવ?

2026-06-20 18:02:39
Author: Mumbai Samachar Team
મહારાષ્ટ્રમાં હનુમાનજીના મંદિરમાં અચાનક છત ધરાશાયી થતા 5 ભાવિકોનાં મોત, ભીડનું કારણ કે વ્યવસ્થાનો અભાવ?

પરભણીઃ મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં આવેલા એક મંદિરમાં છત પડતા નાસભાગ મચી ગઈ હતી.આ ઘટનામાં પાંચ ભાવિકોના મોત નીપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. છત પડતા અનેક એવા શ્રદ્ધાળુઓ કાટમાળમાં દટાયા હોવાની વાત સામે આવી રહી છે. મંદિરની છત અચાનક પડી જતા દોડધામ મચી ગઈ હતી.ભાવિકો દર્શન કરવા માટે જઈ રહ્યા હતા એ સમયે આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું. આ અંગેની જાણ થતા જ આસપાસમાંથી સ્થાનિકો આવી ગયા હતા અને બચાવકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. 

મોટી સંખ્યામાં હતા ભાવિકો

યશવાડી ગામમાં આવેલા હનુમાનજીના મંદિરે આ ઘટના બની છે. સભા મંડપનો સ્લેબ નીચે પડી ગયો હતો. આ કારણે નીચે રહેલા ભાવિકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખેસડવામાં આવ્યા છે. મનવત રોડ પર આવેલું આ મંદિર અનેક લોકોની આસ્થાનું કેન્દ્ર છે.શનિવાર હોવાના કારણે મંદિરમાં કિર્તન તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા માટે આવ્યા હતા. છત પડતા જ અફરાતફરી મચી ગઈ હતી.પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ આવી પહોંચતા રેસ્ક્યૂ ઑપરેશન કરવામાં આવ્યું હતું. ટીમે ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ માટે ખસેડ્યા હતા. 

મંડપમાં જ 20 શ્રદ્ધાળુઓ

અચાનક છત પડતા સભા મંડપ પરિસરમાં દર્શન માટે આવેલા 20 શ્રદ્ધાળુઓ દટાયા હતા. યશવાડી મંદિરમાં દર શનિવારે ભારે ભીડ થાય છે. પરભાણી જિલ્લા હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની સારવાર ચાલું છે. અહીં મંદિરમાં બાંધકામનું કામ પણ ચાલી રહ્યું હતું. એવા સમયે આ ઘટના બની છે. આ ઘટનામાં કુલ 30 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. હનુમાન મંદિરમાં જીણોદ્ધારનું કામ ચાલું હતું.જિલ્લા તલાટીએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં છ વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી છે, હોસ્પિટલમાં એમની સારવાર ચાલું છે અને સ્થિતિ ગંભીર છે. રેસ્કયૂ કરવા માટે ટીમ આવી પહોંચી હતી અને યુદ્ધના ધોરણે કાટમાળ દૂર કરવા માટે પગલાં લેવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તને કોઈ મુશ્કેલી ન પડે અને જરૂરિયાત અનુસાર સામગ્રી મળી રહે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 

બાંકે બિહારી મંદિરની ઘટના

આ પહેલા બાંકે બિહારી મંદિર પાસે નજીકના એક મકાનની છત પડી જતા અનેક ભાવિકોને ઈજા પહોંચી હતી. એ સમયે પણ મોટી સંખ્યામાં લોકો દર્શન માટે મંદિર પાસે એકઠા થયા હતા. આ ઘટનામાં પણ પાંચ વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી. આ પછી સ્થાનિકોએ જર્જરિક મકાનનો સર્વે કરવા માટે વહીવટી તંત્ર પાસે માગ કરી હતી. આવા મકાનોને તાત્કાલિક રીતે ઓળખી અને જરૂરી પગલાં લેવા જોઈએ, એવું સ્થાનિકોનું કહેવું હતું.