Mon Sep 14 2026

Logo

હત્યાના ગુનામાં સજા ભોગવીને આવેલા આરોપીનું સરઘસ કાઢ્યું: 20 સામે ગુનો

2026-04-28 17:47:00
Author: Yogesh C. Patel
હત્યાના ગુનામાં સજા ભોગવીને આવેલા આરોપીનું સરઘસ કાઢ્યું: 20 સામે ગુનો

પંઢરપુર: હત્યાના ગુનામાં સજા ભોગવીને જેલમાંથી છૂટેલા આરોપીના સ્વાગત માટે પંઢરપુરમાં ઉત્સાહપૂર્વક સરઘસ કાઢવામાં આવ્યું હતું. ભારે ધમાલ કરીને સમર્થકોએ બેફામ રીતે ફટાકડા ફોડ્યા હતા, જેને પગલે પોલીસે 20 જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ પુણેમાં 2017ના હત્યાના એક કેસમાં લખન ઉર્ફે પિન્ટુ ઢાવરે આરોપી હતો. કોર્ટે કસૂરવાર ઠેરવ્યા પછી લખન નાગપુર સેન્ટ્રલ જેલમાં સજા ભોગવતો હતો. સજા ભોગવીને તે બે દિવસ પહેલાં જેલમાંથી છૂટ્યો હતો.

જેલમાંથી છૂટ્યાના બીજે દિવસે તે પંઢરપુર પોતાના વતન પહોંચ્યો હતો, જ્યાં સમર્થકોએ તેના સ્વાગતની તૈયારી કરી રાખી હતી. મોટી સંખ્યામાં હાજર લોકોએ ખુશીમાં સરઘસ કાઢી ફટાકડા ફોડ્યા હતા. એ સિવાય સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

આ સ્વાગત સરઘસના અનેક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા હતા. સરઘસ વખતે જોખમી રીતે ફટાકડા ફોડવામાં આવ્યા હતા. પૂર્વપરવાનગી વિના સરઘસ કાઢવામાં આવ્યું હતું, જેની ગંભીર નોંધ પોલીસે લીધી હતી. 

આ પ્રકરણે કોન્સ્ટેબલ સચિન હેંબાડેની ફરિયાદને આધારે પંઢરપુર પોલીસે લખન અને તેના 19 સમર્થક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે.