ફુલ શાહ
કે. કરુણાકરણ
રાજકારણીઓ કૌભાંડ માટે કોઈ ચીજ છોડતા નથી. કરથી કફન, રોડથી પ્લેન, દવાથી દારૂ, શિક્ષણથી પોષણ ને કુપોષણ પણ...આ કૌભાંડના સાગરમાં ડૂબીને આજે જોઈએ પામોલિન તેલ કૌભાંડ.
1991-1992નો પામોલિન આયાત કૌભાંડ (પામોલિન કેસ કે પામોલિન ભ્રષ્ટાચાર કેસ) કેરળ રાજ્યના પીઢ કૉંગ્રેસી નેતા કે. કરુણાકરણના નેતૃત્વ હેઠળની સંયુક્ત લોકતાંત્રિક મોરચા (યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ-યુ. ડી. એફ.) સરકારની અણગમતી ભેટ છે. આ કૌભાંડ ભારતના કાનૂની અને રાજકીય ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ ઘટના છે. આ માત્ર આર્થિક ગોટાળાનો કિસ્સો નથી. એમાં અનેકવિધ પાસાં છે. આ પાસાં કાયદા, શાસન અને જાહેર જવાબદારીની અપવિત્ર મિલિભગતને બહાર લાવે છે. આમાં કૌભાંડનાં તથ્યો, કાનૂની દલીલો, પુરાવા અને ન્યાયિક નિર્ણયોનું વિશ્ર્લેષણ મળી રહે છે, સાથે જ ભારતના કાનૂની અને રાજકીય પરિપ્રેક્ષ્ય માટે તેની વ્યાપક અસર અંગે માનવીય દૃષ્ટિકોણ પણ બહાર આવે છે.
કેરળ સરકારે ટેન્ડર બોલાવ્યા વગર પાવર એન્ડ એનર્જી લિમિટેડને પ્રસ્થાપિત નિયમોને છાવરીને મનસ્વી રીતે પસંદ કરી હતી. એટલું જ નહિ કથિત રીતે વધારેલી કિંમતે અને અતિશય સર્વિસ ચાર્જ પર અને કેન્દ્ર તથા રાજ્ય સરકારની પ્રક્રિયાનો સદંતર ભંગ કરીને આ સોદો કર્યો હતો.
થોડી વિગતો અને આંકડા જોઈએ. કેરળ સરકારે સિંગાપુર સ્થિત મલેશિયન કંપની પાવર એન્ડ એનર્જી લિમિટેડ પાસેથી ખુલ્લા બજાર કરતાં ઊંચી કિંમતે 15,000 ટન પામ તેલ આયાત કરવાનો નિર્ણય લીધો હતો. આયાતની કિંમત પ્રતિ ટન 405 અમેરિકન ડૉલર નક્કી કરવામાં આવી હતી. જ્યારે એ સમયે આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 392.25 અમેરિકન ડૉલર પ્રતિ ટન હતી. આ 13 ડૉલર મોંઘા આયાત ઓર્ડર પર સહી કરી હતી કેરળના તત્કાલીન ખાદ્ય સચિવ પી. જે. થોમસે. આ ઓર્ડરથી સરકારી તિજોરીને એટલે કે જનતાને 2.32 કરોડથી વધુનું નુકસાન થયું હતું. સ્વાભાવિક છે કે આટલો મોટો ખેલ કઈ એકલા થોમસ પાડી ન શકે.
પાપ વહેલું મોડું બહાર આવ્યા વગર રહેતું નથી. પામોલિન આયાત કૌભાંડ સૌપ્રથમ સત્તાવાર રીતે બહાર આવ્યું જુલાઈ 1993માં. આ થયું કેરળના અકાઉન્ટન્ટ જનરલના અહેવાલ થકી. પછી 1994ના ફેબ્રુઆરીમાં રાજ્યના ‘કેગ’ એટલે કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ દ્વારા એને સમર્થન મળ્યું. આ સંસ્થા ભારત સરકાર અને રાજ્ય સરકારોની આવક અને ખર્ચની તપાસ કરતી એક બંધારણીય સંસ્થા છે. કહી શકાય કે તે જાહેર નાણાંની રખેવાળ છે, જેનો ઉદ્દેશ્ય નાણાકીય પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ર્ચિત કરવાનો છે. પછી 1996ના માર્ચમાં કેરળ વિધાનસભાની પબ્લિક અન્ડરટેકિંગ્સ કમિટીના અહેવાલે એમાં સૂર પુરાવ્યો. પરંતુ છતાં કોઈના પેટનું પાણી ન હલ્યું.
છેક 1996ના મે મહિનામાં કેરળમાં સત્તા પલટો થયો ને ડાબેરીઓની સરકાર બની. તો ય છેક 1997ની 21 માર્ચે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કરુણાકરણ અને અન્ય છ લોકો સામે વિજિલન્સ કેસ નોંધાયો. તપાસ બાદ 2001ની 23મી માર્ચે ત્રિવેન્દ્રમ ખાતે ઈન્કવાયરી કમિશનર અને સ્પેશિયલ જજની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
દાયકાઓ સુધી ચાલેલા આ કેસ જાહેર ખરીદી પ્રણાલીની નબળાઈઓ, ફોજદારી ન્યાયવ્યવસ્થાની જટિલતાઓ અને શાસનમાં પારદર્શિતાની સતત શોધ પર ભાર મુકતો રહ્યો. કેવી રીતે?
(ક્રમશ:)