Sun Jul 05 2026

Logo

સફાળેના કિલ્લા પર ગયેલા છ કૉલેજ સ્ટુડન્ટ રસ્તો ભૂલીને જંગલમાં ફસાયા

2026-07-04 17:58:05
Author: Yogesh C. Patel
Article Image

રેસ્ક્યુ ટીમની મદદથી પોલીસે વિદ્યાર્થીઓને સહીસલામત ઉગારી લીધા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: સફાળેના તાંદુળવાડી કિલ્લા પર ફરવા ગયેલા પાલઘરની કૉલેજના છ સ્ટુડન્ટ પાછા ફરતી વખતે જંગલમાં ફસાઈ ગયા હતા. ધોધમાર વરસાદ, ધુમ્મસ અને લપસણા માર્ગને કારણે રસ્તો ભૂલી ગયેલા વિદ્યાર્થીઓને પોલીસે રેસ્ક્યુ ટીમની મદદથી સહીસલામત ઉગારી લીધા હતા.પોલીસના જણાવ્યા મુજબ પાલઘરમાં આવેલી દાંડેકર કૉલેજનાં ચાર વિદ્યાર્થી અને બે વિદ્યાર્થિની શુક્રવારે ફરવા માટે સફાળેના તાંદુળવાડી કિલ્લા પર ગયાં હતાં. કિલ્લા પરથી પાછા નીચે ઊતરતી વખતે વિદ્યાર્થીઓ રસ્તો ભૂલી ગયા હતા.

મુશળધાર વરસાદ અને ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી હતી. એમાં કિલ્લા પરથી ઊતરવાનો માર્ગ લપસણો થઈ ગયો હતો. ડરના માર્યા વિદ્યાર્થીઓ બીજી તરફથી ઊતરવા જતાં માર્ગ ભૂલી ગયા હતા અને જંગલ તરફ જતા રહ્યા હતા. ગાઢ જંગલમાંથી નીચે ઊતરવાનો માર્ગ ન મળતાં વિદ્યાર્થીઓએ પોલીસ પાસે મદદ માગી હતી.અધિકારીએ જણાવ્યું હતું કે ઈમર્જન્સી નંબર 112 પર કૉલ આવતાં જ સફાળે પોલીસ સ્ટેશનના સબ-ઈન્સ્પેક્ટર કૈલાસ ખાદે, કોન્સ્ટેબલ રમેશ ચૌધરી, હરિ ચૌધરી અને લક્ષ્મણ ભોયેની ટીમ તાંદુળવાડી પહોંચ્યા હતા. ગામના પોલીસ પાટીલ સુજિત પાટીલનો સંપર્ક સાધી ગામની અનુભવી રેસ્ક્યુ ટીમને બોલાવાઈ હતી.

પ્રતિકૂળ હવામાન, ધુમ્મસ અને ચીકણા-લપસણા માર્ગ પરથી પસાર થઈને રેસ્ક્યુ ટીમે જંગલમાં વિદ્યાર્થીઓને શોધી કાઢ્યા હતા. વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે તાંદુળવાડી ગામમાં લવાયા હતા. નાલાસોપારા, વિરાર અને દહાણુના રહેવાસી છ વિદ્યાર્થીને સફાળે રેલવે સ્ટેશને છોડવામાં આવ્યા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.પાલઘર પોલીસે પર્યટકોને અપીલ કરી હતી કે હવામાન ખાતાએ રેડ અલર્ટ જાહેર કર્યું હોવાથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ચોમાસા દરમિયાન ડુંગર, કિલ્લા, ઝરણા સહિત દુર્ગમ સ્થળોએ જતી વખતે સુરક્ષના નિયમોનું પાલન કરવું. જરૂર ન હોય તો આવી જગ્યાએ જવાનું ટાળવું હિતાવહ છે, પણ જો અટવાઈ જાઓ તો તાત્કાલિક 112 નંબર પર સંપર્ક સાધવો.

મુંબઈ પોલીસની સરાહનીય કામગીરી
મુંબઈ: મુંબઈમાં ગુરુવારથી સતત પડી રહેલા વરસાદનું જોર શુક્રવારની સવારે ઘણું વધી ગયું હતું. મુશળધાર વરસાદને કારણે ઠેકઠેકાણે પાણી ભરાઈ ગયાં હતાં. આવી સ્થિતિમાં પણ ફરજ બજાવનારા પોલીસ અધિકારીઓ અનેક સ્થળે માનવતાનું કાર્ય કરતા નજરે પડ્યા હતા. જોગેશ્ર્વરીમાં તો શાળામાંથી છૂટેલા બાળકોને ઊંચકીને ઘૂંટણસમાણા પાણીમાંથી પોલીસ સુરક્ષિત સ્થળે લઈ જતા દેખાયા હતા. તો સિનિયર સિટીઝનોને હાથ પકડીને પાણી ભરેલો રસ્તો ક્રોસ કરી આપતા હતા. અમુક સ્થળે પાણીમાં બંધ પડેલા વાહનોને ધક્કો મારી બહાર કાઢવામાં પણ પોલીસે ખાસ્સી મદદ કરી હતી. સાકીનાકામાં ખુલ્લા મેનહૉલમાં પડી ગયેલા પંચાવન વર્ષના માણસે જીવ ગુમાવ્યા પછી આવી કોઈ ઘટના ન બને તે માટે પોલીસ પાણી ભરાયાં હોય એવા સ્થળે સતર્ક રહીને લોકોને મદદ કરતી હતી.