Thu Jun 18 2026

Logo

એક ઉમેદવાર અને ત્રણ પાર્ટી!  ગુજરાતની આ બેઠક પર એક જ ઉમેદવાર પર ત્રણેય પક્ષો ફિદા!

2026-04-13 17:16:03
Author: Devayat Khatana
Article Image

દાહોદ: ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે, રાજકીય પાર્ટીઓ દ્વારા આપવામાં આવેલી ટિકિટ મુદ્દે અનેક પાર્ટીમાં અસંતોષનો માહોલ છે. ત્યારે ગુજરાતમાં એક ખાસ કિસ્સો ચર્ચામાં છે, કે જેમાં એક જ ઉમેદવારને એક કે બે નહીં, પરંતુ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) એમ ત્રણેય મુખ્ય પક્ષોના સત્તાવાર ઉમેદવાર તરીકે ફોર્મ ભરીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. 

મળતી વિગતો અનુસાર, દાહોદ જિલ્લા પંચાયતની પિપેરો બેઠક પર એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ઉમેદવાર ભરતસિંહ વખાલાએ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) એમ ત્રણેય મુખ્ય પક્ષોએ મેન્ડેટ આપ્યું છે. પિપેરો બેઠક જે ભાજપ સરકારના મોટું માથું ગણાતા બચુ ખાબડનો ગઢ ગણાય છે, ત્યાં આ રીતે ત્રણેય પક્ષો દ્વારા ટેકનિકલી એક જ વ્યક્તિને સંભવિત ઉમેદવાર બનાવવામાં આવતા વહીવટી તંત્ર અને રાજકીય વિશ્લેષકોમાં ભારે કુતૂહલ જાગ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ભરતસિંહ વખાલાનો પક્ષ બદલવાનો જૂનો ઈતિહાસ રહ્યો છે. અગાઉ કોંગ્રેસમાં રહેલા વખાલાએ છેલ્લી વિધાનસભા ચૂંટણી આમ આદમી પાર્ટીની ટિકિટ પર લડીને ભાજપને કડી ટક્કર આપી હતી, અને તાજેતરમાં તેઓ ભાજપમાં જોડાયા હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. પિપેરો બેઠક પર કુલ 11 ફોર્મ ભરાયા છે, જેમાંથી ભાજપના નામે 5, કોંગ્રેસના 2 અને ‘આપ’ના 1 ફોર્મમાં ભરતસિંહનું નામ સામેલ છે. રાજકીય નિષ્ણાતો માને છે કે વખાલાએ પોતાની મજબૂત પકડના આધારે ત્રણેય પક્ષોમાં પોતાની દાવેદારી નોંધાવી છે, પરંતુ તેમની અંતિમ ઉમેદવારી કયા પક્ષમાંથી રહેશે તે હવે સત્તાવાર મેન્ડેટ (ફોર્મ-બી) પર નિર્ભર છે.

ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર, આ ગૂંચવણનો ઉકેલ 15 એપ્રિલે આવશે, જે ફોર્મ ખેંચવાનો અને પક્ષનું સત્તાવાર મેન્ડેટ જમા કરાવવાનો છેલ્લો દિવસ છે. નિયમ મુજબ, ઉમેદવાર જે પક્ષનું 'ફોર્મ-બી' રજૂ કરશે તે જ પક્ષના સત્તાવાર પ્રતિનિધિ ગણાશે અને બાકીના ફોર્મ રદ થશે અથવા પરત ખેંચવા પડશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણી માટે 26 એપ્રિલે મતદાન થશે અને 28 એપ્રિલ 2026ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. જો કે ભરતસિંહ વખાલા ભાજપથી જ ઉમેદવારી યથાવત રાખે તેવા સંકેતો છે.