(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: હોર્મુઝ અખાતમાં યુદ્ધબંધી અને બ્લોકેડ હટાવવાના કરાર થયા બાદ ગ્લોબલ ઇક્વિટી માર્કેટમાં સુધારાનો પવન ફૂંકાયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, બજાજ ફાઇનાન્સ, એચસીએલ ટેક્નોલોજીસ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ જેવા ઇન્ડેક્સ હેવીવેઇટ્સ શેરની આગેવાનીમાં લેવાલીનો પ્રવાહ જળવાઇ રહેતા શેરબજારમાં સતત ત્રીજા દિવસે આગેકૂચ જોવા મળી હતી.
યુએસ ડોલર સામે રૂપિયામાં મજબૂતાઈ અને વૈશ્વીક બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાને પગલે રોકાણકારોનું વલણ સકારાત્મક રહ્યું હોવાથી સેન્સેક્સ ૫૪૪.૧૫ પોઈન્ટ અથવા ૦.૭૧ ટકા વધીને ૭૬,૮૦૮.૪૮ પર અને નિફ્ટી ઇન્ડેક્સ ૧૩૫.૨૫ પોઈન્ટ અથવા ૦.૬૨ ટકા વધીને ૨૪,૦૦૨.૬૦ની સપાટી પર બંધ થયો હતો. પાછલા દિવસમાં સેન્સેક્સમાં લગભગ ૩૦૦૦ પોઇન્ટનો ઉછાળો નોંધાયો છે.
ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર પીછેહઠ અને મધ્ય પૂર્વના તણાવમાં ઘટાડો થવાથી મંગળવારે યુએસ ડોલર સામે રૂપિયો ૫ાંચ પૈસા વધીને ૯૪.૫૩ની સપાટી પર બંધ થયો હતો. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે મધ્ય પૂર્વમાં તણાવ ઓછો થયા પછી ગ્લોબલ એનર્જી સપ્લાઇ માટે તાત્કાલિક ખતરો નોંધપાત્ર રીતે ઓછો થયો છે. વૈશ્વીક બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવ ૧.૭૨ ટકા ઘટીને ૮૧.૭૩ બોલાયા હતા.
અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થયા પછી હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા તેલનો પ્રવાહ ફરી શરૂ થવાની અપેક્ષાએ ગ્લોબલ ઇક્વિટી માર્કેટ્સ સતત બીજા સત્રમાં ઊંચા વેપાર કરી રહ્યા હતા. જર્મનીનો ડેક્સ ૦.૬૧% વધ્યો, ફ્રાન્સનો સીએસી-૪૦ ઇન્ડેક્સ ૦.૮% વધ્યો અને ઇંગ્લેન્ડનો ફૂટ્સી ૧૦૦ ઇન્ડેક્સ ૦.૬% વધ્યો હતો.
નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા સંકલિત ૧૫ મુખ્ય સેક્ટરમાંથી ૧૧ સેકટરમાં જોરદાર લેવાલી જોવા મળી, હતી અને નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સે ૨.૪ ટકાના ઉછાળા સાથે તેની આગેવાની લીધી હતી. નિફ્ટી આઇટી, એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઇલ એન્ડ ગેસ, મીડિયા અને ફાઇનાન્શિયલ સર્વિસિસ ઇન્ડેક્સ પણ ૦.૭૦ ટકા અને ૧.૮૦ ટકાની વચ્ચે વધ્યા હતા.
બીજી બાજુ, મેટલ, ફાર્મા, પીએસયુ બેંક અને હેલ્થકેર શેરોમાં વેચવાલીના દબાણ વચ્ચે પીઠેહઠ જોવા મળી હતી. વ્યાપક બજારોમાં ખરીદીનો રસ જોવા મળ્યો હોવાથી નિફ્ટી મિડકેપ ૧૦૦ ઇન્ડેક્સ ૦.૪૦ ટકા વધ્યો અને નિફ્ટી સ્મોલકેપ ૧૦૦ ઇન્ડેક્સ ૦.૩૮ ટકા વધ્યો હતો.
એચસીએલ ટેક્નોલોજીસ નિફ્ટી ઇન્ડેક્સમાં સૌથી વધુ વધ્યો હતો, આ કંપનીએ સરકાર સમર્થિત સોવરિન એઆઇ મોડેલ ડેવલપર સર્વમ એઆઇમાં રૂ. ૧,૪૨૭ કરોડનું રોકાણ કરીને હિસ્સો ખરીદ્યા હોવાની ચર્ચા વચ્ચે તેનો શેર ૩.૬૮ ટકા વધીને રૂ. ૧,૧૬૦ પર બંધ થયો હતો. કંપની ૪૧,૪૨૧ ઇક્વિટી શેર હસ્તગત કરશે, જે સર્વ એઆઇમાં ૧૦.૪૬ ટકા હિસ્સો દર્શાવે છે.
ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, એનટીપીસી, બજાજ ફિનસર્વ, હિન્દુસ્તાન યુનિલિવર, ઓએનજીસી, બજાજ ફાઇનાન્સ, ટેક મહિન્દ્રા અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ પણ ૧.૬૬ ટકા અને ૨.૭૫ ટકાની વચ્ચે વધ્યા હતા.
બીજી બાજુ, નિફ્ટી ઇન્ડેક્સમાં હિન્ડાલ્કો સૌથી વધુ ઘટાડા સાથે ટોપ લુઝર બન્યો હતો, આંતરરાષ્ટ્રીય બજારમાં એલ્યુમિનિયમના ભાવ ઘટ્યા પછી શેર ૨.૯૫ ટકા ઘટ્યો હતો. નાલ્કો અને વેદાંતા એલ્યુનિમિયમમાં પણ પાંચેક ટકાનો કડાકો નોંધાયો હતો. આ ઉપરાંત જેએસડબલ્યુ સ્ટીલ, એચડીએફસી લાઇફ, આઇશર મોટર્સ, મારુતિ સુઝુકી, ઇન્ટરગ્લોબ એવિએશન, ટાટા મોટર્સ પીવી અને એપોલો હોસ્પિટલ્સ ટોપ લુઝસ૪ શેરમાં સામેલ હતા. એનએસઇ પર ૧,૯૫૬ શેર વધ્યા હતા, જ્યારે ૧,૩૫૬ શેર નીચા ભાવે બંધ થયા હતા, જેના કારણે બજારની એકંદર અંડરટોન મજબૂત રહ્યો હતો.